ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધી પહોંચ્યા સુપ્રીમ કોર્ટ, જાણો સમગ્ર મામલો

Text To Speech

કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ હવે ‘મોદી સરનેમ’ મુદ્દે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. તેમણે શનિવારે (15 જુલાઈ) ગુજરાત હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ અરજી દાખલ કરી છે. 7 જુલાઈના રોજ, ગુજરાત હાઈકોર્ટે આ માનહાનિના કેસમાં તેમની સજા પર રોક લગાવવા માટે રાહુલ ગાંધીની રિવિઝન અરજીને ફગાવી દીધી હતી.

હાઈકોર્ટે રાહુલની સજા પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો હતો. આ કારણે રાહુલ હાલમાં સાંસદ રહેવા કે ચૂંટણી લડવા માટે અયોગ્ય છે. રાહુલની અરજી હમણાં જ દાખલ કરવામાં આવી છે. કદાચ સોમવારે તેમના વકીલ ચીફ જસ્ટિસને વહેલી સુનાવણી માટે વિનંતી કરશે.

સુરત કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારી હતી

મોદી સરનેમના માનહાનિ કેસમાં સુરત કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારી છે. તે હાલમાં જામીન પર બહાર છે, પરંતુ તેને દોષિત ઠેરવવાને કારણે સાંસદ બનવા માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. આ માનહાનિનો કેસ 2019ની લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને દાખલ કરવામાં આવ્યો હતો.

મોદી સરનેમ વિશે શું બોલ્યા હતા રાહુલ ગાંધી?

લલિત મોદી અને નીરવ મોદીનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ સભામાં હાજર લોકોને પૂછ્યું કે બધા ચોરોની સરનેમ કેમ એક જેવી હોય છે. તેમની ટિપ્પણી બાદ ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ તેમની સામે ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. જેમાં તેમણે આરોપ લગાવ્યો છે કે આ ટિપ્પણીથી સમગ્ર મોદી સમુદાયની બદનામી થઈ છે.

આ પણ વાંચો: રાહુલ ગાંધી સામે 10 કેસ પેન્ડિંગ, જાણો મોદી સરનેમ કેસ પર ગુજરાત હાઈકોર્ટના જજે શું કહ્યું

Back to top button