ગુજરાતમાં સાઇબર ક્રાઇમની ઘટનાઓમાં વધારો; મહેસાણાના વિસનગર-વડનગર અને ખેરાલુ હોટસ્પોટ
દેશભરમાં સાઈબર ફ્રોડની ચર્ચાઓ જામતારા વગર અધુરી છે. ઝારખંડ અને બંગાળ બોર્ડર પર આવેલ આ જિલ્લો પાંચ વર્ષથી સાઈબર ફ્રોડનો હોટસ્પોટ બનેલો છે. જામતારામાં થઈ રહેલા ફ્રોડના કારણે દૂરસંચાર વિભાગથી લઈને 7 રાજ્યોની પોલીસ પણ મુશ્કેલીમાં મૂકાઇ ગઈ છે. હાલમાં જ દૂરસંચાર વિભાગ દ્વારા બિહાર-ઝારખંડ લોકેશનના 2.5 લાખ સિમ કાર્ડને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમાં મોટાભાગના સિમ જામતારા અને તેમના આસપાસના વિસ્તારમાં ઉપયોગ કરવામાં આવી રહ્યા હતા. દિલ્હી પોલીસે પણ મે 2023માં 21 હજાર સિમ સાથે જામતારામાંથી 5 લોકોને પકડ્યા છે.
ઝારખંડ પોલીસ અનુસાર જામતારામાં વર્ષ 2020થી લઈને અત્યાર સુધી સાઈબર અપરાધના આરોપમાં 170 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ માત્ર જામતારા પોલીસે કરી છે. અન્ય રાજ્યોની પોલીસ સાથે સંયુક્ત દરોડામાં આ સંખ્યા 500થી વધારે છે.
- પોલીસ દરોડામાં લગભગ 100થી વધારે મોબાઈલ અને 300થી વધારે સિમ કાર્ડ પણ જપ્ત કર્યા છે.
ચિંતાની વાત તો તે છે કે, જામતારાના રસ્તે ગુજરાતના યુવકો ચાલતા થઇ ગયા હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. આ અંગે તેવી ચોંકાવનારી બાબત સામે આવી રહી છે કે, નાના-નાના ગામડાઓમાં બેસીને મોટા પાયે સાઇબર ફ્રોડ આચરવામાં આવી રહ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર, મહેસાણાના વિસનગર-વડનગર અને ખેરાલુના ગામડાઓમાં સાઇબર ક્રાઇમનું રેકેટ ચાલી રહ્યું છે. તો કેટલાક મહેસાણીઓ રાજસ્થાનમાં બેસીને પોતાનું નેટવર્ક ચલાવી રહ્યાં છે.
સાઇબર ક્રાઇમનું નેટવર્ક ચલાવનારાઓ શેર માર્કેટના નામે રાજ્યના લોકો સાથે છેતરપિંડી કરી રહ્યાં છે. તે માટે તેઓ ગામડાઓમાં 20-25 છોકરાઓની ટીમ બેસાડવામાં આવે છે, અને તેમના પાસે રાત-દિવસ કોલિંગ કરાવવામાં આવે છે. તે ઉપરાંત વોટ્સએપ અને ટેલેગ્રામ ઉપર ગ્રુપ બનાવીને તેમાં શેર-માર્કેટ થકી ઝડપી પૈસા કમાવવાની લાલચ આપવામાં આવે છે.
ઉલ્લેખનિય છે કે, જામતારામાં 3 એસપી બદલાયા હોવા છતાં સાઇબર અપરાધ ખત્મ કરી શકાયો નથી. તો મહેસાણામાં સાઇબર ક્રાઇમના ફૂટેલા અંકુર છોડ બન્યા પછી તેના પર અંકુશ મૂકી શકાશે ખરો?
સૂત્રો પાસેથી મળી રહેલી અનુસાર, આ ફ્રોડમાં સામેલ કેટલાક લોકો તો રાજકીય પાર્ટીઓનો ખેસ પણ પહેરી લીધો છે. તેઓ રાજકીય પીઠબળ મેળવીને પોતાના ધંધાને છૂપાવી રાખવાની કોશિશમાં છે, જેની કદાચ નેતાઓને પણ ખ્યાલ હશે નહીં. સાઇબર અપરાધીઓ ગામડાઓની આડ લેવાની સાથે-સાથે મોટા શહેરોનો પણ ફાયદો ઉઠાવી રહ્યાં છે. વિસનગર-વડનગરના વિસ્તારના કેટલાક યુવકો તો અમદાવાદના જુહાપુર અને સરખેજ-ફતેહવાડી જેવા વિસ્તારોમાં આવીને સાઇબર ફ્રોડને અંજામ આપી રહ્યાં છે.
શું જામતારા પછી વિસનગર બનશે અપરાધીઓનો અડ્ડો?
ઝારખંડ-બંગાળ સરહદ પર સ્થિત જામતારા 1990ના દાયકામાં રેલ્વે વેગન તોડવા, ચોરી કરવા અને મુસાફરોને નશો કરાવીને લૂંટવા માટે કુખ્યાત હતું. પરંતુ મોબાઈલના આગમન બાદ તે સાયબર ગુનેગારોનો ગઢ બની ગયો.
- સાયબર ગુનેગારોએ પહેલા OTP મોડ્યુલ અને બાદમાં વિવિધ પદ્ધતિઓ અપનાવીને લોકોને છેતરવાનું શરૂ કર્યું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઝારખંડના 308 ગામ સાયબર ક્રાઈમમાં સામેલ છે. અહીં મહિલાઓ પણ તેમના ગુનેગારોને પોલીસથી બચાવવામાં ઘણી મદદ કરે છે. 2021માં મહિલાઓએ જામતારામાં ભોપાલ પોલીસ પર હુમલો કર્યો જ્યારે તેઓ ગુનેગારોને પકડવા ગયા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, આવા ઘણા કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા, જેમાં પિતાના જેલ ગયા બાદ પુત્રએ સાઇબર ક્રાઇમ કરવાની કમાન સંભાળી હતી. એટલે કે અહીં ગુનાખોરી પણ પરંપરાગત રીતે ચાલી રહી છે. એટલું જ નહીં પકડાયેલા ગુનેગારો પણ જામીન મળ્યા બાદ ફરી આ કામમાં લાગી જાય છે.
જામતારા ગેંગના કારણે બિહાર, યુપી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને નવી દિલ્હીની પોલીસ ચિંતામાં છે. આ રાજ્યોમાં સાયબર છેતરપિંડીના મોટાભાગના કેસ જામતારા સાથે જોડાયેલા છે. હવે આ નામોમાં ગુજરાતનું નામ પણ જોડાઇ ગયું છે. હાલના દિવસોમાં ઉપરોક્ત તમામ રાજ્યોની પોલીસે ગુજરાતના પણ આંટા-ફેરા વધારી દીધા છે. રસપ્રદ વાત એ છે કે જામતારા ગેંગના સભ્યો ઉચ્ચ શિક્ષિત નથી. તે છતાંય તેઓ સાયબર છેતરપિંડી ખુબ જ સરળતાથી કરતા રહ્યાં છે.
જામતારા ગેંગ કેવી રીતે કરે છે છેતરપિંડી?
1. બેંકનો ફિશિંગ મેસેજ મોકલીને- 18 મેના રોજ રાંચીમાં ICICI બેંક દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. બેંકે કહ્યું કે સાયબર ગુનેગાર તેના ગ્રાહકોના મોબાઈલ પર ફિશિંગ મેસેજ મોકલે છે. આ મેસેજ સાથે એક લિંક છે, જેના પર ક્લિક કર્યા પછી પૈસા આપોઆપ કપાઈ જાય છે.
સાયબર સેલની તપાસમાં જામતારા ગેંગના લોકો જ આ કામને અંજામ આપતા હોવાનું સામે આવ્યું હતુ. પોલીસના ખુલાસા મુજબ જામતારા ગેંગ બેંકના ચોક્કસ આઈડી પરથી ગ્રાહકોને ફિશીંગ મેસેજ મોકલે છે. સંદેશ સાથે એક લિંક હોય છે, જેના પર તે ક્લિક કરવાનું કહેવામાં આવે છે. લિંક પર ક્લિક થયા પછી બધો તરત જ બધો ડેટા અપરાધી પાસે પહોંચી જાય છે, જે પછી તેના ઉપયોગથી એકાઉન્ટમાંથી પૈસા નિકાળી લે છે.
આ પણ વાંચો: Maharashtra: અજિત પવારને નાણા મંત્રાલય, NCPના વિભાગો પર પણ લાગી મહોર
2. રિમોટ એપ દ્વારા OTP મોનિટરિંગ- જામતારા ગેંગ આ મોડ્યુલ દ્વારા મદદની જરૂર હોય તેવા લોકોને છેતરે છે. આ મોડ્યુલમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનારા લોકોનો પ્રથમ ફોન દ્વારા સંપર્ક કરવામાં આવે છે અને પછી એની ડેસ્ક જેવી એપ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવે છે.
સાઈબર અપરાધી લોકો પાસેથી ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ માંગે છે. અપરાધી આ દરમિયાન ખુબ જ સતર્કતા પણ રાખે છે. તેઓ લોકોને અનેક વખત ડિટેલ ગુપ્ત રાખીને મોકલવાનું કહે છે. જેવું જ કાર્ડ મળે છે, અપરાધી ક્રિપ્ટોકરન્સીમાં પૈસા લગાવવા માટે એકાઉન્ટથી ક્રેડિટની કોશિશ કરે છે. આટોપી માંગવાની જગ્યાએ પોતે એની ડેસ્ટ દ્વારા ઓટીપી જોઇ લે છે. પૈસા કાઢ્યા પછી તરત જ ફોન કાપી નાંખે છે.
આ પણ વાંચો: હાર્ટ એટેકથી વધુ એક મોત, દવા લેવા ગયેલા ભાજપના આગેવાન હોસ્પિટલમા જ ઢળી પડ્યા
ખેરાલુના અપરાધીઓ કેવી રીતે કરે છે સાઇબર ક્રાઇમ?
ખેરાલુના ગામડામાંથી ઓપરેટ થતાં સાઇબર ક્રાઇમમાં તેઓ શેર માર્કેટ થકી લાખો રૂપિયાની કમાણી કરાવી આપવાની વાત કરીને લોકો સાથે છેતરપિંડી કરે છે. આ દરમિયાન તેઓ કોઈ બેંક અથવા એજન્સીના પ્રતિનિધિની પોતાની ઓળખ આપે છે. આ દરમિયાન તેઓ ગ્રાહક પાસે ડિમેટ એકાઉન્ટ પણ ઓપન કરાવી લે છે.
આ અપરાધીઓ પોતાના શિકારને પહેલા એકદમ વિશ્વાસમાં લેવાનું કામ કરે છે, ત્યાર પછી જ મોટો હાથ મારે છે. ઘણી વખત તો તેઓ પહેલા પોતાના શિકારને શેર માર્કેટ થકી થોડો ફાયદો પણ કરાવી આપે છે, જેથી તે વિશ્વાસ જીતી શકે પરંતુ વિશ્વાસ જીત્યા પછી જ તેઓ મોટો હાથ મારી દે છે.
થોડા દિવસ પહેલા જ વિસનગરમાં એક વ્યક્તિ સાથે 50 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. તે ઉપરાંત આગામી પાંચ મહિનામાં 200 લોકો પાસેથી સાઇબર અપરાધીઓએ 10 કરોડ રૂપિયા ખેંખેરી લીધા છે.
ઉપરોક્ત રીતો સિવાય પણ અન્ય કેટલીક બીજી ટ્રીકો છે, જેઓ સાઇબર અપરાધીઓ અપનાવી રહ્યાં છે. તેથી વર્તમાન સમયમાં કોઈપણ અજાણી લિંક પર ક્લિક કરવાનું ટાળવું જરૂરી છે. તમારા ઉપર આવેલા કોઈપણ મેસેજ પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવો જોઈએ નહીં. આ અપરાધીઓ લોકોની લાલચનો પણ ફાયદો ઉઠાવે છે, તેથી કોઈપણ લાલચમાં આવીને અજાણી લિંક ઉપર ક્લિક કરવાથી તમે તમારી જીવનભરની કમાણીને ગુમાવી શકો છો.
આ પણ વાંચો: સરહદ પાર કરી આવેલી સીમા ખુશ, તો બાંગ્લાદેશથી આવેલી યુવતીને મળ્યો દગો
હવે તો પોલીસની સાથે-સાથે ઈડી પણ કરી રહી છે કાર્યવાહી
જામતારા ગેંગ પર પોલીસની સાથે-સાથે ઈડી પણ કાર્યવાહી કરી રહી છે. 2021માં ઈડીએ જામતારા ગેંગ સાથે જોડાયેલા સભ્યોની 66 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી પરંતુ તે છતાં પણ સાઇબર ક્રાઇમ ચાલું જ છે.
વર્ષ 2020માં જામતારામાં 70 કેસ નોંધાયા છે, જ્યારે 2021માં વધીને તે 72 થઈ ગયા હતા. તો 2022માં તે સંખ્યા 73 પર પહોંચી ગઈ છે. આમ સાઇબર ક્રાઇમના કેસો પ્રતિદિવસ ઘટવાની જગ્યાએ વધી રહ્યાં છે. જે દેશવાસીઓ માટે ખુબ જ ખતરનાક સાબિત થઇ શકે છે. આવા આરોપીઓ માટે સરકારે પોતે જ કડક નિર્ણય લઈને તેમનો સફાયો કરવો જોઈએ.
સાઇબર ક્રાઇમ પ્રતિદિવસ વધવા પાછળ એક સૌથી મોટું કારણ તે છે કે, અપરાધીની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવે છે તો પણ તેને તરત જ જમાનત મળી જાય છે. કેમ કે આવા અપરાધીઓ પર માત્ર સાઈબર અપરાધનો કેસ દાખલ કરવામાં આવે છે. સાઇબર અપરાધની ધારાઓમાં તરત જ જમાનત પણ મળી જાય છે.
એપ્રિલ 2023માં એક મોટી કાર્યવાહીમાં દિલ્હી પોલીસે જામતારા ગેંગના પાંચ લોકોની ધરપકડ કરી હતી. જેમાં એક આરોપી નિઝામુદ્દીન અંસારીએ પૂછપરછમાં જણાવ્યું કે ડિસેમ્બર 2022માં સાઇબર ફ્રોડના આરોમાં જ તે જમાનત પર છૂટ્યો હતો.
અંસારી અનુસાર જેલમાંથી બહાર આવ્યા પછી તેને સાઇબર ક્રાઇમનું કામ ફરીથી શરૂ કર્યું. અંસારીએ જણાવ્યું કે જામતારામાં મોટાભાગે આરોપી આવી જ રીતે કામ કરે છે.
આ પણ વાંચો: કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું મોત; 4 મહિનામાં 8મો ચિત્તો મર્યો
અસલમાં ફરિયાદ મળ્યા પછી પોલીસ સામાન્ય રીતે જામતારા ગેંગના સભ્યો સામે આઇટી (સુધારા) અધિનિયમ 2008 ની કલમ 43, 66 (c) અને IPC કલમ 419 હેઠળ કેસ નોંધે છે, જે જામીનપાત્ર કલમ છે.
આ કલમો હેઠળ કેસ નોંધ્યા બાદ ગેંગના સભ્યો થોડા દિવસ જેલમાં રહે છે અને પછી બહાર આવે છે. જેલમાંથી બહાર આવ્યા બાદ આ ગુના અવિરત ચાલુ રાખે છે.
જામતારાના એસપી મનોજ સ્વર્ગિયારી કહે છે- અમે જામતારા ગેંગ પર સતત સકંજો કસી રહ્યાં છીએ. દરોડા પણ સમયાંતરે પાડી રહ્યાં છીએ. અમારો પ્રયાસ છે કે ગેંગમાં સામેલ લોકોને વધુમાં વધુ સજા આપવામાં આવે.
સાયબર નિષ્ણાતોના મતે ભારતમાં સાયબર ફ્રોડ કેસમાં મહત્તમ 3 વર્ષની સજા થઈ શકે છે. તેથી હવે પોલીસ સાઇબર અપરાધીઓ સામે આઈટી અધિનિયમની કલમો સિવાય અન્ય ધારાઓ હેઠળ પણ ગુનો નોંધવાનું શરૂ કર્યું છે. સાઇબર ક્રાઇમને ડામવા માટે પોલીસ અપરાધીઓને વધારેમાં વધારે સજા અપાવવા માટે આકરી કાર્યવાહી કરવાની શરૂ કર્યું છે.
આ પણ વાંચો: રાજ્ય સરકાર દ્વારા બિપરજોય વાવાઝોડાથી થયેલા નુકસાનનું કૃષિ રાહત પેકેજ જાહેર
ગુનેગારોની માનસિકતા અને લોકોમાં જાગૃતિનો અભાવ
ઝારખંડમાં અપરાધ પર લાંબા સમયથી કામ કરી રહેલા વરિષ્ઠ પત્રકાર વિજય દેવ ઝા કહે છે – જામતારાના લોકો સાયબર ફ્રોડને ગુનો માનતા નથી. આ માનસિકતા તેમને વારંવાર ગુના કરવા પ્રેરે છે.
વિજય દેવ ઝા આગળ કહે છે- જામતારા હવે રડાર પર છે, તેથી ગુનેગારોએ તેમના ઠેકાણા પણ બદલવાનું શરૂ કર્યું છે. હવે આ ગુનેગારો દેવઘર અને ગયાને પોતાનો અડ્ડો બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
જામતારા એસપી મનોજ સ્વર્ગિયારીના જણાવ્યા અનુસાર, લોકોમાં જાગૃતિના અભાવે આ ગુના સતત વધી રહ્યા છે. સ્વર્ગિયારી કહે છે- બધુ ઓનલાઈન થઈ ગયું છે, આવી રીતે આ ગેંગ સરળતાથી ભોળા લોકોને નિશાન બનાવે છે. સ્વર્ગિયારી કહે છે- કોઈપણ પરિસ્થિતિમાં લોકોએ તેમની અંગત માહિતી શેર ન કરવી જોઈએ.
શું મહેસાણાના તાલુકાઓ અપરાધીઓનો અડ્ડો બની જશે?
જામતારાથી શરૂ થયેલી સાઇબર અપરાધની કહાણી કેટલે જઇને અટકશે તે અંગે કોઈ ટિપ્પણી કરી શકતું નથી. પરંતુ એક વાત ચોક્કસ છે કે, ગુજરાતમાં પણ જામતારા જેવા જ અપરાધીઓ માથું ઉચકી રહ્યાં છે. મહેસાણાના તાલુકાઓમાં સાઇબર ક્રાઇમ પોતાના કિશોરવસ્થામાં છે પરંતુ તે પરિપક્વ થઇ જશે તો તે રાજ્યના જ લોકો માટે ખતરનાક બની શકે છે. તેથી આવા અપરાધીઓ પર બને તેટલો વહેલો શિકંજો કસવામાં આવે તેટલું ભોળા લોકોના હિતમાં રહેશે. નહીં તો આગામી દિવસ ગુજરાતમાં પણ અનેક ઠેકાણે જામતારા જેવા અડ્ડા બની શકે છે, જેનો પાયો કદાચ મહેસાણામાં નંખાઇ ગયો છે.
આ પણ વાંચો: ઐતિહાસિક મિશન પર ચંદ્રયાન-3; ઈસરોના વડાએ જણાવ્યું ક્યારે થશે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ?