બનાસકાંઠા: ડીસાના ગુગળથી શેરપુરા માર્ગ પર લોકોએ નાળા પુરી દેતા પાણી ભરાતા હાલાકી
પાલનપુર: ડીસા તાલુકાના ગુગળથી શેરપુરા જવાના માર્ગ પરના નાળા આજુબાજુના ખેડૂતોએ બંધ કરી દેતા વરસાદી પાણી રોડ પર ભરાઈ રહેતા માર્ગ બંધ થઈ ગયો હતો. ત્યારે લોકોની ફરિયાદને પગલે આજે પોલીસની ટીમ સ્થળ પર પહોંચી જેસીબી મશીન દ્વારા નાળા ખુલ્લા કરાવ્યા હતા.
અધિકારીઓએ પોલીસ પ્રોટેક્શન સાથે જેસીબી મશીનથી નાળા ખુલ્લા કર્યા
ડીસા પંથકમાં બે દિવસ અગાઉ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેને કારણે અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, ત્યારે ગુગળથી શેરપુરા જવાના માર્ગ પર પણ પાણી ભરાઈ રહેતા સરકાર દ્વારા મોટા નાળા નાખી વરસાદી પાણીના નિકાલ ની વ્યવસ્થા કરાઈ હતી. પરંતુ આજુબાજુના કેટલાક લોકોએ આ નાળા પૂરી દેતા વરસાદી પાણી રોડ પર ભરાઈ રહેતા લોકોના અવરજવરનો માર્ગ બંધ થઈ ગયો હતો. સ્થાનિક ખેડૂતો વાહન ચાલકો અને પશુપાલકોએ ભારે મુશ્કેલી વેઠવી પડી હતી.
જે મામલે સ્થાનિક ખેડૂત અગ્રણીઓએ સોશિયલ મીડિયા મારફતે તંત્રને અપીલ કરી હતી અને તંત્રને રજૂઆત કરતા આજે આગથળા પોલીસની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી અને જેસીબી મશીન દ્વારા તમામ નાળાઓ ખુલ્લા કરાવ્યા હતા. નાળા ખુલ્લા કરાવતા જ સ્થાનિક લોકો અને અવર-જવર કરતા વાહન ચાલકોએ હાશકારો અનુભવ્યો હતો અગાઉ રોડ પર પાણી ભરાઈ જવાના કારણે અહીં પાંચથી વધુ ગામને જોડતો માર્ગ બંધ થઈ જાય છે અને વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલી વેઠવી પડે છે. ત્યારે તંત્રએ તાત્કાલિક ધોરણે એકશન લેતા ગ્રામજનોએ તંત્રનો આભાર માન્યો હતો.
આ પણ વાંચો : બનાસકાંઠા: ડીસાના ઇન્દિરા નગર મારામારી કેસમાં 30 આરોપીની અટકાયત