અમદાવાદઃ તમે પરિવાર સાથે ફરવા જતા હશો, ફ્રેન્ડ્સ સાથે ફરવા જતા હશો પણ ક્યારેય એકલા ક્યાંય ફરવા ગયા છો?, જો તમારો જવાબ ના હોય તો અચૂક જજો. અમદાવાદના ભાવિન ભાવસારે એકલા ફરતા લોકો માટે એક ગ્રુપ બનાવ્યું છે, જેને તેઓ ‘સોલો ટ્રાવેલ કોમ્યુનિટી’ તરીકે ઓળખાવે છે. આ ગ્રુપમાં બધા એકલા જ ફરવા જતા હોય છે. આ કોમ્યુનિટી માત્ર ગુજરાતમાં જ નહીં, દેશ-વિદેશમાં પણ ટ્રીપ પ્લાન કરતી હોય છે.
ભાવિન ભાવસાર આ વિશે કહે છે કે, એકલા ફરવાના ઘણાં બધા ફાયદા છે. લોકોને એક બીક હોય છે, ડર હોય છે કે તેઓ એકલા ફરવા જશે તો તેમને ઘણી તકલીફોનો સામનો કરવો પડી શકે છે. હા, ઘણી બધી તકલીફ પડતી જ હોય છે. તો એ બધી તકલીફોને દૂર કરવા માટે જ આપણે આ કોમ્યુનિટી બનાવી છે. જે આવા લોકોને ભેગાં કરે છે.’
તેઓ વધુમાં જણાવે છે કે, ‘અત્યાર સુધીમાં સોલો ટ્રાવેલ કોમ્યુનિટીએ 10 નેશનલ ટ્રીપ્સ અને 6 ઇન્ટરનેશનલ ટ્રીપ્સ કરી છે. જેમાંથી અમને ખૂબ શીખવા મળ્યું છે.’
આ ઉપરાંત ઘણી વાર એવું પણ બને છે કે, તમારે ક્યાંક ફરવા જવું હોય પણ કોઈ પાર્ટનર ન મળતું હોય, તેવાં સમયે આ પ્રકારના ગ્રુપ સાથે ફરવાનો પ્લાન બનાવી શકાય છે.