ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝ

બ્રેકિંગ: મનાલી ગયેલા ગુજરાતના 14 બાઈકર્સ લાપતા: શક્તિસિંહે પીએમ મોદીને શોધવા માટે કરી અપીલ

અમદાવાદઃ હિમાચલમાં ભારે વરસાદના કારણે ખુબ જ મોટા પાયે જાન-માલની હાનિ થઇ છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે અત્યાર સુધી 100 જેટલા લોકોના મોત થયા છે, તો કરોડો રૂપિયાની પ્રોપર્ટીનો નાશ થઇ ગયો છે.  તો નેશનલ હાઇવે અને લિંક રોડ સહિત કુલ 1300 રસ્તાઓ ભારે વરસાદના કારણે પ્રભાવિત થયા છે. આ બધા વચ્ચે એવા સમાચાર આવી રહ્યાં છે કે, ગુજરાતથી 14 બાઇકર્સ મનાલી ફરવા ગયા હતા પરંતુ ધોધમાર વરસાદના કારણે તેઓ વચ્ચે ક્યાંક અટવાઇ ગયા છે અને પાછલા ચાર દિવસથી તેમના સાથે સંપર્ક કરી શકાયો નથી.  હિમાચલમાં ચાલી રહેલા કુદરતના કહેર વચ્ચે ચાર દિવસથી તમામ 14 બાઇકર્સ લાપતા થઇ ગયા છે. આ અંગે શક્તિસિંહ ગોહિલે પીએમ મોદીને તેમને શોધવા માટે અપીલ કરી છે.

ગુજરાતથી 14 યુવાનો મનાલીથી ત્રિલોકનાથ સુધી બાઇક પર ટ્રેક માટે નિકળ્યા હતા. પરંતુ છેલ્લા 4 દિવસથી એક પણ યુવાનનો સંપર્ક થઇ શક્યો નથી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે વડાપ્રધાન મોદી અને એનડીઆરએફને ઇ-મેઇલ કરીને રજૂઆત કરી છે કે, મનાલી ગયેલા ગુજરાતના યુવાનોની તાત્કાલિક શોધોખોળ શરૂ કરાવવી જોઈએ.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહે ગોહિલે વીડિયો મારફતે જણાવ્યું છે કે, આપણા 14 જેટલા ગુજરાતી બાઇક સાથે મનાલીથી લઈને ત્રિલોકનાથ સુધીના ટ્રેક માટે નીકળ્યા હતા. 9 જુલાઈ પછી આ મિત્રોનો સંપર્ક થઈ શકતો નથી. મને તેમના પરિવારના સભ્યો તરફથી જાણ કરવામાં આવી છે. ત્યાં કેન્દ્ર સરકારની એનડીઆરએફની ટીમ કામ કરી રહી છે.

વધુમાં શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતુ કે, મેં  વડાપ્રધાનને રજુઆત કરતો એક ઇ-મેઇલકર્યો છે. એનડીઆરએફને પણ રજુઆત કરતો એક ઇ-મેઇલ કર્યો છે. પરંતુ હજી સુધી કોઈ સકારાત્મક પ્રતિભાવ અને જવાબ આવ્યો નથી. ગુજરાતના આ યુવાનો ટ્રેક માટે નિકળ્યા હતા તેમાં યશ નીતિનભાઈ વરિયા, સાગરભાઈ, સિદ્ધાર્થ પટેલ, વિવેક પટેલ, પાર્થ ઝવેરભાઈ પટેલ સહિતના યુવાનોનો સમાવેશ થાય છે.

શક્તિસિંહે વધુમાં જણાવ્યું છે કે, મારી પાસે તમામ યુવાનોની પૂરેપૂરી વિગતો છે. ત્યાં બાઇક ભાડે લઈને જવાના હતા તેમાં યશ વરિયા પાસે બાઇક છે તેનો નંબર HP 669518 છે. આ મિત્રો મનાલી પાસે સલામત રીતે પહોંચ્યા હતા. પરંતુ મનાલીથી કાઝા અને કાઝાથી ચંદ્રતાલ 8 જુલાઈએ પહોંચ્યા હતા. 9 જુલાઈથી ચંદ્રતાલથી ત્રિલોકનાથ જવા માટે નિકળ્યા છે.

પરંતુ હજી સુધી તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી એટલે સ્વાભાવિક રીતે પરિવારો પણ ખૂબ ચિંતિત છે. હું વડાપ્રધાન, ગુજરાતના મુખ્યમંત્રીને વિનંતી કરૂ છું કે, આ પરિવારો ખૂબ ચિંતામાં છે ત્યારે હવે કોઈ તપાસ કરવામાં કોઈ વિંલબ કરવામાં ન આવે. મેં ત્યાંના કોંગ્રેસના આગેવાનોને પણ કહ્યું છે કે, આ યુવાનોની ભાળ મળે તો તાત્કાલિક જણાવે.

આ પણ વાંચો- કોણ છે રાજ્યસભાના ઉમેદવાર કેસરીદેવસિંહ ઝાલા? ભાજપે શા માટે કરી પસંદગી

Back to top button