કોણ છે રાજ્યસભાના ઉમેદવાર કેસરીદેવસિંહ ઝાલા? ભાજપે શા માટે કરી પસંદગી
ભાજપે રાજ્યસભાની ચૂંટણીના બે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.જેમાં પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ દેસાઈ અને વાંકાનેર સ્ટેટના મહારાજા કેસરીદેવસિંહ ઝાલાને ઉમેદવાર બનાવવામા આવ્યા છે. આ બંને ઉમેદવારો આજે બપોરે 2 વાગ્યે ફોર્મ ભરશે.
કેસરીદેવસિંહ ઝાલા કોણ છે ?
કેસરીદેવસિંહ ઝાલા ભારત સરકારના પ્રથમ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી અને વાંકાનેરના રાજવી સ્વ. ડૉ. દિગ્વિજયસિંહજી પ્રતાપસિંહ ઝાલાના પુત્ર છે. તેઓ મુંબઈ રહે છે. તેઓ વાંકાનેર સ્ટેટના મહારાજા અને ભાજપના સનિષ્ઠ નેતા અને કાર્યકર્તા છે. તેમજ કેસરીસિંહ વડોદરા સ્ટેટના મહારાણી રાધિકા રાજેના ભાઈ પણ થાય છે.
કેસરીદેવસિંહના લગ્નમા PM મોદીએ આપી હતી હાજરી
કેસરીદેવસિંહને 2011માં અત્યારના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ખેસ પહેરાવી ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો.એટલુ જ નહી કેસરીસિંહ ઝાલાના લગ્નમા PM મોદીએ પણ હાજરી આપી હતી. એમના કાકા રણજીતસિંહ હાલ ઉંમર 83 વર્ષના છે અને રાજસ્થાનમા રહે છે. તેઓ ફોરેસ્ટ સેક્રેટરી હતા ત્યારે તેમણે વન્યજીવ સંરક્ષણ કાયદો ઘડાયો હતો અને ભારતમાં ચિતાને લાવવા માટે સુપ્રીમ કોર્ટમાં પક્ષ રાખ્યો હતો.
સામાજિક, ધાર્મિક પ્રવૃતિઓમાં સક્રિય
વાંકાનેર રાજવી પરિવારમાંથી આવતા કેસરીદેવસિંહ રાજકિય, સામાજીક અને ધાર્મિક ક્ષેત્રે સતત સક્રિય છે અને 16માં રાજવી તરીકે તેમણે ગાદી ધારણ કરેલી છે.તેઓ કેસરીદેવસિંહ અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાના યુવા પાંખના પ્રમુખ છે.
કેસરીદેવસિંહની પસંગી કેમ કરાઈ ?
કેસરીદેવસિંહ ઝાલા 2011માં ભાજપમાં જોડાયા હતા અને વાંકાનેર ધારાસભા બેઠક કે જે ભાજપ માટે ટફ ગણાતી હતી તે 2022ની ચુંટણીમાં પક્ષને જીતાડી હતી. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં પણ કેસરીદેવસિંહની ભૂમિકા મહત્વપૂર્ણ રહી હતી. તેમના કારણે વાંકાનેર તાલુકા પંચાયતમાં આઝાદી બાદ પ્રથમ વખત ભાજપે સત્તાનો સ્વાદ ચાખ્યો હતો.આ સાથે તેઓએ 2014,2019 લોકસભા ચૂંટણીમાં ચૂંટણી લક્ષી જોગવાઈઓની જવાબદારી પણ સંભાળી છે. અને 2021માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઈન્ચાર્જની જવાબદારી સંભાળી હતી આ ઉપરાંત તેઓ પક્ષમાં અનેક મહત્વની જવાબદારીઓ નીભાવી ચૂક્યા છે.કેશરીદેવસિંહ અને આ તમામ કારણોથી જ સમગ્ર વાંકાનેરની જનતામાં લોકપ્રિય થઈ ગયા છે.
રાજસ્થાનની ચૂંટણીમાં પણ ભાજપને થશે ફાયદો
ભાજપે કેસરીસિંહ ઝાલાને ઉમેદવાર બનાવીને એક કાંકરે બે પક્ષી મારવાનો દાવ રમ્યો છે. કેસરીદેવસિંહ રાજ્યસભા માટે નિર્વિવાદીત ચહેરો હોવાથી તેમની પસંદગી કરાઇ હોવાનું માનવામાં આવી રહ્યુ છે.આ દાવ ભાજપને રાજસ્થાનમા પણ ફળશે, કેમકે કેસરીદેવસિંહ ઝાલાનુ મૌસાળ ત્યાંના રાજવી પરિવારોમા છે . જેથી કેસરીસિંહનો ફાયદો ભાજપને આગામી રાજસ્થાનની ચૂંટણીમાં પણ થઈ શકે છે.
આ પણ વાંચો : જાણો કોણ છે બાબુ દેસાઈ જેના પર ભાજપે ખેલ્યો છે દાવ