ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતના ખેડૂતો માટે ખુશીના સમાચાર ! રાજ્ય સરકારે અમલમાં મૂકી એક શાનદાર યોજના

Text To Speech

અમદાવાદઃ ગુજરાતના ખેડૂતોની આવકમાં પણ વધારો થાય તેમજ ખેતીની પરંપરાગત પદ્ધતિ ઉપરાંત વૈજ્ઞાનિક અભિગમ સાથેની આધુનિક પદ્ધતિ અપનાવીને વધુ આવક મેળવી શકે તે માટે તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા વધુ એક નવી યોજના અમલમાં મૂકવામાં આવી છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે,રાજ્યના ખેડૂતો બાગાયતી પાકોમાં ફળપાકોનું ગુણવત્તાયુક્ત કલમો અને રોપાથી વાવેતર કરતા થાય તે માટે જ રાજ્ય સરકારે વધુ એક પ્રોત્સાહક યોજના અમલમાં મૂકી છે.

farmer - Humdekhengenews

આ યોજના માટે રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષના બજેટમાં 45 કરોડ જેટલી માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે. રાઘવજી પટેલે વધુ વિગતો આપતા ઉમેર્યું હતું કે, આ નવી યોજના હેઠળ ખેડૂતોને આંબા પાકના વાવેતરમાં કલમ દીઠ મહત્તમ 100 રૂપિયા અથવા પ્રતિ કલમ ખરેખર થયેલ ખર્ચ બંનેમાંથી જે ઓછું હોય તેને ધ્યાને લઇ મહત્તમ 40 હજાર રૂપિયા પ્રતિ હેકટર સહાય આપવામાં આવશે. આ ઉપરાંત પ્રથમ વર્ષે આંતર પાકમાં અન્ય બાગાયતી પાકના પ્લાન્ટિંગ મટીરીયલના ખર્ચના 50 ટકા લેખે મહત્તમ 10 હજાર રૂપિયા પ્રતિ હેકટર સહાય ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં આપવામાં આવશે.

રાઘવજી પટેલે ઉમેર્યું કે, જામફળ પાકમાં કલમ કે ટીસ્યુ રોપા દીઠ મહત્તમ 80 રૂપિયા અથવા પ્રતિ કલમ/ટીસ્યુ રોપા દીઠ ખરેખર થયેલ ખર્ચ બંનેમાંથી જે ઓછું હોય તેને ધ્યાને લઇ મહત્તમ 44 હજાર રૂપિયા પ્રતિ હેકટર સહાય આપવામાં આવશે. પ્રથમ વર્ષે આંતર પાકમાં અન્ય બાગાયતી પાકના પ્લાન્ટિંગ મટીરીયલના ખર્ચના 50 ટકા લેખે મહત્તમ 6 હજાર રૂપિયા પ્રતિ હેકટર સહાય ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં આપવામાં આવશે.

કેળપાકમાં પણ ટીસ્યુકલ્ચર રોપા દીઠ મહત્તમ પાંચ રૂપિયા સહાય ધ્યાને લઇ મહત્તમ 15 હજાર રૂપિયા પ્રતિ હેકટર સહાય આપવામાં આવશે.આ યોજના થકી ગુજરાતમાં આંબા પાકનો વાવેતર વિસ્તાર 2500 હેકટર, જામફળ પાકનો વાવેતર વિસ્તાર 2000 હેકટર તથા કેળ પાકનો વાવેતર વિસ્તાર 15000 હેક્ટર વિસ્તાર મળી રાજ્યમાં બાગાયતી પાકનો વાવેતર વિસ્તાર કુલ 19500 હેકટર જેટલો વધારવાનું રાજ્ય સરકારનું આયોજન છે. પારદર્શિતાના અભિગમ સાથે ફળ પાક ઉત્પાદકતા વધારવા માટેના આ કાર્યક્રમ અંતર્ગત મળવાપાત્ર સહાય DBTના માધ્યમથી સીધા જ ખેડૂતોના ખાતામાં ચૂકવવામાં આવશે.

આ પણ વાંચો-પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની વધુ એક ભાજપ વિરોધી નેતા સાથે મુલાકાત

Back to top button