બનાસકાંઠા: ડીસામાં આર્થિક ભીંસથી કંટાળી યુવકે આત્મહત્યા કરી
પાલનપુર: ડીસામાં ચાર સંતાનના પિતાએ ઝેરી પ્રવાહી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. બનાવને પગલે ડીસા શહેર ઉત્તર પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડીસામાં વાડી રોડ વિસ્તારમાં આવેલા બ્રહ્મપુરી સોસાયટી ખાતે રહેતો મનીષ જોશી નામનો યુવક છૂટક મજૂરી કરતો હતો. જો કે છેલ્લા ઘણા સમયથી પૂરતી મજૂરીકામ ન મળતા તે આર્થિક રીતે કંટાળી ગયો હતો. તે દરમિયાન ચાર દિવસ અગાઉ અચાનક અગમ્ય કારણોસર તેને ઝેરી પ્રવાહી ગટગટાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. બનાવની જાણ થતા જ તેના પરિવારજનો અને સગા સંબંધીઓએ અસરગ્રસ્ત યુવકને સારવાર માટે તાત્કાલિક ડીસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
ચાર દિવસથી દાખલ યુવકનું સારવાર દરમિયાન મોત
છેલ્લા ચાર દિવસથી ખાનગી હોસ્પિટલમાં દાખલ મનીષ જોષીનું આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા શહેર ઉત્તર પોલીસ તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી. ઘટનાને પગલે ડીસા શહેર મામલતદાર પણ સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. આત્મહત્યા મામલે ડીસા શહેર ઉત્તર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ચાર સંતાનના પિતાનું મોત થતા પરિવારમાં માતમ છવાયો હતો.
આ પણ વાંચો : ગુજરાત AAP પાર્ટીના આદિવાસી આગેવાનોની UCC મુદ્દે કેજરીવાલ સાથે બેઠક