ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર અને AMCને કહ્યું- શું તમે હજું કોઈના મરવાની રાહ જોઇ રહ્યો છો?
અમદાવાદ: રાજ્યમાં રખડતા ઢોરોનો ત્રાસ પ્રતિદિવસ વધી રહ્યો છે. તેવામાં આજે ગુજરાત હાઇકોર્ટમાં મેઘાસીટી અમદાવાદ અને રાજ્યભરમાં હરાયા ઢોર તેમજ રોડ અને ટ્રાફિક સમસ્યા પર સુનાવણી થઇ હતી. આ સુનાવણી જજ એ.એસ. સુરેહિયા અને એમ.આર મેંગડેના દ્વારા કરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન કોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે-સાથે રાજ્ય સરકારની પણ ઝાટકણી કાઢી હતી. જણાવી દઇએ કે, એએમસી દ્વારા હરાયા ઢોરની સમસ્યાને દૂર કરવા માટે બનાવેલી પોલિસીને સ્ટેન્ડિંગ કમિટીએ નકારી કાઢી હતી.
હાઇકોર્ટે કહ્યું પ્રતિદિવસ વાંચીએ છીએ કે ઢોરથી વ્યક્તિનો જીવ ગયો
હાઇકોર્ટે જણાવ્યું કે, પ્રતિદિવસ સમાચાર પત્રોમાં વાંચવા મળે છે કે રખડતા ઢોરના કારણે વ્યક્તિએ જીવ ગુમાવ્યો. આ દરમિયાન કોર્ટે એએમસીને પ્રશ્ન કરતાં પૂછ્યું કે, લોકોના મૃત્યું પછી તેમના પરિવાર પર શું વિતતી હશે તે અંગે ક્યારેય વિચાર્યું છે? તે ઉપરાંત કોર્ટે સરકારને સંભળાવતા કહ્યું કે, રાજ્ય સરકાર આ બાબતને ગંભીરતાથી લઈ રહી હોય તેવું દેખાઇ રહ્યું નથી. આવા બનાવો કેમ બની રહ્યાં છે? ઓથોરિટીને ક્યારે સમજાશે કે નાગરિકોની સલામતી જ સર્વોચ્ચ છે. જણાવી દઇએ કે, આ અરજી 2019માં કરવામં આવી હતી. જે ગુજરાતની 156 નગરપાલિકા અને 08 મહાનગરપાલિકાઓને આવરી લે છે.
કોર્ટે પૂછ્યું- તમારા પાસે કોઈ પોલિસી છે ખરી?
હવે રસપ્રદ વાત તે છે કે, કોર્ટે એએમસીની દુખતી નસ પર હાથ મૂકી દેતા પ્રશ્ન પૂછી લીધો કે, શું તેમને હરાયા ઢોરની સમસ્યા દૂર કરવા માટે કોઈ પોલિસી બનાવી છે ખરી? જવાબમાં કોર્ટને જાણવા મળ્યું કે, AMCએ પોલિસી બનાવી હતી પરંતુ સ્ટેન્ડિંગ કમિટીએ તેને રિજેક્ટ કરી દીધી છે. તો કોર્ટે એએમસીને બીજો પ્રશ્ન કર્યો કે, જે-તે વિસ્તારમાં રખડતા ઢોર માટે જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવામાં આવે છે કે નહીં? શું તમે હજું કોઈના મરવાની રાહ જોઇ રહ્યો છો? કોર્ટે કડક થતાં પૂછ્યું હતું કે, તમે અત્યાર સુધીમાં શું પગલા લીધા છે?
કોર્ટના પ્રશ્નના જવાબમાં AMCએ કહ્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દરેક ઝોન માટે 22 કેટલ ટીમ તૈયાર કરવામાં આવી છે. કુલ 1364 રખડતાં ઢોર ગત ઓગસ્ટ મહિનાથી એપ્રિલ મહિના સુધી પકડવામાં આવ્યા છે.
હાઇકોર્ટે રખડતા ઢોરની સમસ્યા માટે ચોક્કસ નિરાકરણ માંગ્યું
હાઇકોર્ટે એએમસી અને રાજ્ય સરકારને કહ્યું હતું કે, અમારે હરાયા ઢોરોના પ્રશ્નનું યોગ્ય નિરાકરણ જોઈએ છે. કોર્ટે નિર્દેશ આપ્યા કે, AMCથી પોલિસી બનાવી કામ કરે અન્ય લોકલ બોડી પણ તેને ફોલો કરશે. તો રાજ્ય સરકારની ઝાટકણી કાઢતા કહ્યું કે, “રાજ્યને આ બાબતમાં રસ લાગી રહ્યો નથી. રાજસ્થાન અને અન્ય રાજ્યમાં આ અંગે પોલિસી છે. તો ગુજરાતમાં કેમ નહીં? તમે ગુજરાતના નાગરિકોને ઢોર સાથેના અકસ્માતમાં મોત થતાં ઈચ્છો છો? સ્ટેન્ડિંગ કમિટીએ કમિશ્નરના પ્રપોઝલને પાછું કેમ મોકલ્યું?”
હાઇકોર્ટે આ મુદ્દે AMC પાસેથી સતત પોલિસી અને રાજ્ય પાસેથી પોઇન્ટેડ પ્રપોઝલ માંગ્યું હતું. જેમાં રાજ્ય સરકાર સંમત થઇ હતી. કોર્ટે રાજ્ય સરકારને એવી ફોર્મલાઈઝ ગાઈડલાઈન બનાવવા જણાવ્યું છે કે જેને દરેક લોકલ બોડી અનુસરે. અધિકારીઓની જવાબદારી નક્કી કરાય.
રાજ્ય સરકાર ચૂકવશે વળતર
આ કાર્યવાહી દરમિયાન એડવોકેટ નિલય પટેલે ગાંધીનગરના દહેગામમાં 81 વર્ષીય વિધવા મહિલાની 56 વર્ષીય દીકરીનું રખડતાં ઢોર દ્વારા મૃત્યુ નિપજતા તેને નગરપાલિકાના ચીફ ઓફિસર પાસે વળતરની માગ કરી હતી. જે ન મળતાં કોર્ટે રાજ્ય સરકારને વળતર ચૂકવવા જણાવ્યું હતું. આ મુદ્દે રાજ્ય સરકાર સંમત થઈ છે.
ટ્રાફિકની સમસ્યા પર કોર્ટે કહ્યું હતું કે, જે લોકો રોંગ સાઈડ વાહન ચલાવે છે તે માટે શું પગલાં લીધા છે? લોકો ફ્લાય ઓવર પર પણ રોંગ સાઈડમાં જાય છે. ટ્રાફિક પોલીસ જોવે છે પણ રોકતી નથી. રોંગ સાઈડના વાહનોથી અકસ્માત થવાની શક્યતા સૌથી વધુ છે. આ મુદ્દે રાજ્ય સરકારે CCTV અને ઇ-ચલણ જેવા ઉપાયો કરાયા હોવાનું કોર્ટને જણાવ્યું હતું. આ મુદ્દે કોર્ટે હવે આવતા મંગળવારે સુનાવણી હાથ ધરશે.
આ પણ વાંચો-ગુજરાત સરકારે પ્રવાસી શિક્ષક યોજના રદ કરીને શરૂ કરી “જ્ઞાન સહાયક યોજના”; શિક્ષકોને મળશે બે ગણો પગાર