ગુજરાત

રાજકોટમાં શા માટે પિતા-પુત્રએ કર્યો આત્મવિલોપનનો પ્રયાસ ?

Text To Speech
રાજકોટના જિલ્લા પંચાયત ચોક નજીક જિલ્લા પોલીસ વડાની કચેરી બહાર પિતા-પુત્રએ શરીરે પેટ્રોલ છાંટી અને ઝેરી દવા પી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જોકે પિતા-પુત્ર દિવાસળી ચાપે તે પહેલા પોલીસે બન્નેની અટકાયત કરી લીધી હતી. બાદમાં બંનેને સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યા હતા.
લોધિકા પોલીસ માર મારતી હોવાનો પિતા-પુત્રએ લગાવ્યો આક્ષેપ
જાણવા મળતી વિગત મુજબ, શુક્રવારે બપોરે રાજકોટની SP કચેરી ખાતે મેટોડાનાં પિતા-પુત્ર પહોંચ્યા હતા. તેઓએ બોટલમાંથી પેટ્રોલ છાંટી તેમજ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ સમયે ત્યાં હાજર પોલીસ કર્મચારીઓ દ્વારા પિતા-પુત્રને પકડી અટકાયત કરી લીધી હતી. તેઓએ લોધિકાનાં બૂટલેગરો તેમજ ત્યાંની પોલીસે પુત્રને માર માર્યો હોવાના ગંભીર આક્ષેપો લગાવ્યા હતા.
રાત્રે એક વાગ્યે માર મારી પુત્રને પોલીસ સ્ટેશનમાંથી મુક્ત કર્યો
આત્મવિલોપનનો પ્રયાસ કરનાર હસમુખ સોમાભાઈ દાફડાએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, હું રાજકોટના મેટોડા GIDCમાં ભાડાના મકાનમાં રહું છું. મારા પુત્રને એક કેસમાં લોધિકા પોલીસે  રાત્રે એક વાગ્યે પોલીસે માર મારી લોધિકા પોલીસ સ્ટેશનમાંથી જવા દીધો હતો. બાદમાં મારા પુત્રને સવારે ગુંડાઓ અને બૂટલેગરોએ માર માર્યો હતો. પોલીસ અને ગુંડાઓ મળેલા હોય તેવું લાગે છે.
જિલ્લા પોલીસવડાએ આપ્યા તપાસના આદેશ
હસમુખભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, અમે લોધિકા પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ન ગયા અને રાજકોટ SP કચેરીએ ફરિયાદ કરવા ગયા હતા. પરંતુ ત્યાંથી અમને લોધિકા પોલીસ સ્ટેશને મોકલ્યા હતા. પરંતુ ગુંડાઓના ડરથી અમે પોલીસને કહ્યું કે અમારે ફરિયાદ કરવી નથી. પોલીસે મારું નિવેદન નોંધી લીધું અને બે જગ્યાએ સહી લેવડાવી. બાદમાં 10 જૂને મારા પુત્રએ દવા પીધી ત્યારે પોલીસ નિવેદન નોંધવા હોસ્પિટલે આવી હતી. આ નિવેદન નોંધી ગયા તે ગયા પછી આજદિન સુધી કોઈ ફોન આવ્યો નથી. ઘરે પણ પોલીસ સંભાળ લેવા આવી નથી. ત્યારે પિતા-પુત્રના આક્ષેપોની ઝીણવટભરી તપાસ કરવાનાં આદેશો જિલ્લા પોલીસ વડા દ્વારા આપવામાં આવ્યા છે.
Back to top button