ગુજરાત સરકારે પ્રવાસી શિક્ષક યોજના રદ કરીને શરૂ કરી “જ્ઞાન સહાયક યોજના”; શિક્ષકોને મળશે બે ગણો પગાર
ગાંધીનગર: રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ખુટતા વિષયની ખાલી જગ્યા પર વર્ષ 2015-16માં અમલમાં મૂકાયેલી પ્રવાસી શિક્ષણની પોલીસી બદલી (રદ)વે જ્ઞાન સહાયક અને ખેલ સહાયક યોજનાની સોમવારે જાહેરાત કરવામાં આવી છે.
આ નવી યોજનામાં કરાર આધારિત શિક્ષકોના પગાર બે ગણા કરવા ઉપરાંત નિમણૂકની પ્રક્રિયા સેન્ટ્રલાઈઝ્ડ કરી દેવામાં આવી છે. જે મુજબ પ્રાથમિક શાળામાં નિમણૂક થનાર જ્ઞાન સહાયકને માસિક 21000 રૂપિયા, માધ્યમિકમાં 24000 રૂપિયા અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં 26000 રૂપિયા ઉચ્ચક માનદ વેતન ચૂકવવામાં આવશે.
તે ઉપરાંત 300થી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી 5,075 શાળાઓમાં ખેલ સહાયકની નિમણૂક કરવામાં આવશે. ખેલ સહાયકને 21 હજાર મુજબ માસિક વેતન ચુકવાશે. સમગ્ર શિક્ષા અભિયાનની કચેરી દ્વારા શાળા વ્યવસ્થાપન સમિતી સાથે 11 મહિનાના કરાર આધારિત સેન્ટ્રલાઇઝ્ડ ભરતી પક્રિયા હાથ ધરવામાં આવશે. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સના ભાગરૂપે અમલમાં મુકાયેલી આ પાંચ વર્ષની યોજનામાં કરાર આધારિક નિમણૂક થતા સહાયકોને વેતનમાં બે વર્ષ પછી વધારો કરી દેવામાં આવશે. નિમણૂક માટે પ્રાથમિક અને માધ્યમિક શાળામાં વયમર્યાદા 40 વર્ષ જ્યારે ઉચ્ચત્તર માધ્યમિકમાં 42 વર્ષ રહેશે.
રાજ્યની શાળાઓમાં મંજૂર મહેકમ સામે 100 ટકા શિક્ષકોની ભરતી ન થતાં ખુટતા વિષયના શિક્ષકોના કારણે બાળકોનું શિક્ષણકાર્ય અટકી ન પડે તેના માટે શિક્ષણ વિભાગ દ્વારા 21 ડિસેમ્બર-2015ના રોજ પ્રવાસી શિક્ષણની યોજના અમલમાં મૂકી હતી અને પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા 4 ફેબ્રઆરી 2016ના રોજ પ્રવાસી શિક્ષકોની ભરતી અંગે પરિપત્ર જાહેર કર્યો હતો. શરૂઆતના તબક્કામાં આ યોજનામાં પ્રાથમિક વિભાગમાં માસિક 7,500 રૂપિયા, માધ્યમિકમાં 13,500 અને ઉચ્ચત્તર માધ્યમિકમાં 13,500 રૂપિયા પગારની ચૂકવણીની જોગવાઇ કરવામાં આવી હતી.
વર્ષ 2020-21માં તત્કાલીન શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા માસિક રૂપિયા 27 હજાર રૂપિયા સુધીનો પગાર અને એ પણ એજન્સી મારફતે ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ બાદમાં નાણા વિભાગ દ્વારા મંજૂરી આપાઇ નહોતી. એ પછી 20 ડિસેમ્બર-2021ના રોજ પ્રવાસી શિક્ષકોના મેહનતાણામાં માસિક ત્રણ હજાર રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો હતો. જે મુજબ એટલે કે અત્યાર સુધી પ્રાથમિક શાળાના શિક્ષકોને 10500, માધ્યમિકના શિક્ષકને 16,500 અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકને 16,700 રૂપિયા પગાર મળી રહ્યો હતો.
આ પણ વાંચો- MLA GUJARAT પ્લેટવાળી કારનો અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત, 2ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
અત્યાર સુધી દર વર્ષે પ્રવાસી શિક્ષકની ભરતી માટે નાણા વિભાગની મંજૂરી આવ્યા પછી શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પડાવમાં આવતો હતો અને પછી જિલ્લા કક્ષાએ તેની નિમણૂકો અપાતી હતી. આ નિમણૂકમાં લાયકાતનું ધોરણ પીટીસી અને બી.એડ માન્ય ગણાવામાં આવતું હતું. પરંતુ ઘણા કિસ્સામાં ગ્રેજ્યુએટ સુધીની લાયકાતવાળા પ્રવાસી શિક્ષકોની પણ નિમણૂકો આપવામાં આવતી હતી તેમજ પગાર સમયસર ન થવાની ફરિયાદો પણ શિક્ષણ વિભાગ સુધી પહોંચતી હતી.
આ સંજોગોમાં શિક્ષણ વિભાગ દ્વારા યોગ્ય લાયકાતવાળા વિષય શિક્ષકો વિદ્યાર્થીઓને મળી રહે તેના માટે આખી યોજનાને જડમૂળમાંથી બદલી નાખી છે. સરકારની નવી યોજના મુજબ હવે 10 મહિનાના બદલે 11 મહિનાનો કરાર આધારિત જ્ઞાન સેવકોની તેમજ 300થી વધારે સંખ્યા ધરાવતી શાળાઓમાં ખેલ સહાયકોની નિમણૂક આપવામાં આવશે.
ફિક્સ પગાર વિદ્યાસહાયકોના પગાર વધારવાની માગ
પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ફિક્સ પગારથી શિક્ષકોની નિમણૂક કરાય છે. ત્યારે પ્રાથમિકમાં 19,950ના ફિક્સ પગારથી નિમાંતા વિદ્યા સહાયકોને વધુ પગાર ચૂકવવાની જાહેરાત થતાં આ વિદ્યા સહાયકોમાં પણ પગાર વધારવાની માગ ઉઠી છે.
શિક્ષણ સચિવ વિનોદ રાવે આ અંગે જણાવ્યું કે, પ્રાથમિક જ્ઞાન સહાયકની નિમણૂક ટેટ-2ના આધારે કરવા માટે ટૂંક સમયમાં અરજીઓ મંગાવવામાં આવશે. જોકે, નિમણૂક ઓગસ્ટમાં અપાશે. કારણ કે , હાલમાં જિલ્લા આંતરિક બદલી કેમ્પ અને એ પછી જિલ્લા ફેર બદલ કેમ્પ યોજાશે. બદલી કેમ્પ યોજાયા બાદ 2600 જેટલા વિદ્યાસહાયકોને નિમણૂક હુકમ અપાશે. એ પછી તમામ શાલાઓમાં ચોખ્ખી વિષય મુજબની ખાલી જગ્યાનો ખ્યાલ આવશે. બાદમાં જ્ઞાન સહાયકની નિમણિક અપાશે. બીજી તરફ માધ્યમિકમાં ટાટ દ્વિસ્તરિયના આધાર નિમણૂક આપવામાં આવશે. ઉચ્ચત્તર માધ્યમિક દ્વિસ્તરીયના આધારે નિમણૂક આપવામાં આવશે. ઉચ્ચત્તર માધ્યમિકની દ્વિસ્તરીય ટાટનું ફાઈનલ પરિણામ આવતા થોડો સમય જાય તેમ હોય હાલ પૂરતી પ્રથમ સત્ર માટે હંગામી મંજૂરી માંગવામાં આવી છે.
બોર્ડના પૂર્વ સભ્ય પંકજ પટેલે સરકારની જ્ઞાન સહાયકની જાહેરાત થયા પછી કહ્યું હતુ કે, સરકાર દ્વારા જ્ઞાન સહાયક અને ખેલ સહાયક પોલીસી જાહેર કરતાં શાલાઓને સ્પોટ્સ શિક્ષક તેમજ ખુટતા વિષયના લાયકાતવાળા શિક્ષકો મળશે. પરંતુ અંતરિયાળ ગામડાઓની શાળાઓમાં કોઈ ઉમેદવાર જવા તૈયાર નથાય તો તેવા કિસ્સામાં લાયકાતમાં બાંધછોડ કરવી જોઈએ. તેમજ સરકારે કાયમી શિક્ષકોની ભરતી થાય તે દીશામાં વિચારવું જોઇએ.
14 વર્ષ પછી રાજ્યની સરકારી-ગ્રાન્ટેડ શાળાઓને સ્પોર્ટ્સ શિક્ષકો મળશે
રાજ્યની શાળાઓમાં વર્ષ-2009 પછી સ્પોર્ટ્સ શિક્ષકની ભરતી જ થઈ ન હોવાથી 14 વર્ષ પછી કરાર આધારિત શિક્ષકો મળશે. કેલ સહાયક માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આગામી સમયમાં ખેલ અભિરૂચી કસોટી, સ્પોર્ટ્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ (SAT) લેવામાં આવશે. જેના માટે C.P Ed, D.P Ed, B.P Ed, B.A વિથ યોગા અથવા બીએસસી વિથ યોગા અથવા B.P.E કરેલું હોવું જોઇએ. ખેલ સહાયકમાં વયમર્યાદા 35 વર્ષની નક્કી કરવામાં આવી છે. આ પરીક્ષા માટે કુલ 100 ગુણના પેપરમાં 90 મીનિટનો સમય આપવામાં આવશે. પરીક્ષામાં રમત-ગમત સાથે સંકળાયેલા પ્રશ્નો પૂછવામાં આવશે.
ભરતી પ્રક્રિયા કેવી રીતે કરવામાં આવશે?
જ્ઞાન સહાયક તરીકે કરાર આધારિત નિમણૂક મેળવવા પ્રાથમિક માટે ટેટ-2 પરીક્ષાામાં પાસ થયેલ ઉમેદવારો, માધ્યમિક ટાટ (માધ્યમિક) અને ઉચ્ચત્તર માધ્યમિક માટે ટાટ (ઉ. માધ્યમિક) પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો અરજી કરી શકશે. અરજી કરવા માટે સમગ્ર શિક્ષા અભિયાનની કચેરી દ્વારા જાહેરાત આપવામાં આવશે. જેમાં ઉમેદવારોએ અરજી કરતી વખતે ક્રમશ: શાળાની પસંદગી દર્શાવવાની રહેશે. બાદમાં આ કચેરી દ્વારા મેરિટના આધારે નિમણૂક આપવામાં આવશે. નિમણૂકની યાદી દરેક જિલ્લાની શિક્ષણની કચેરીમાં મોકલી અપાશે.
આ પણ વાંચો- મોટા સમાચાર / ગુજરાત સરકારનો મોટો નિર્ણય; ગૌણ સેવા પસંદગી મંડળનો ચાર્જ કમલ દયાનીને સોંપાયો