જૂનાગઢમાંથી આંધ્રપ્રદેશની આંતરરાજ્ય ગેંગના 2 સભ્યોને એલસીબીએ દબોચી લીધા છે. જેઓ બેન્કમાં રૂપિયા ઉપાડવા જતા અભણ અને વૃદ્ધોને વિશ્વાસમાં લઇ એટીએમ કાર્ડ બદલી તેમના ખાતામાંથી નાણાં ઉપાડી છેતરપિંડી આચરતા હતા. એલસીબીએ તેમની પાસેથી કુલ 8.28 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
મદદ કરવાના બહાને કાર્ડ લઈ તેના પીન નંબર મેળવી રૂપિયા ઉપાડી લેતા
મળતી માહિતી મુજબ, જિલ્લામાં થતા ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા ઉચ્ચ અધિકારીની સૂચના બાદ એલસીબી પીઆઇ એચ. આઇ. ભાટી, પીએસઆઇ ડી.જી. બડવા અને સ્ટાફે તપાસ હાથ ધરી હતી. દરમિયાન બાતમી મળી કે, આંધ્રપ્રદેશ રાજ્યની આંતરરાજ્ય ગેન્ગના સભ્યો બેન્કના એટીએમમાં નાણાં ઉપાડવા જતા ગ્રાહકો સાથે ચિટીંગ કરે છે. ખાસ કરીને વૃદ્ધો એમજ અભણ માણસોને શિકાર બનાવે છે. એટીએમમાંથી પૈસા ઉપાડવામાં મદદ કરવાના બહાને એટીએમ કાર્ડના પીન નંબર મેળવી એટીએમ કાર્ડની ચોરી કરી બાદમાં નાણાં ઉપાડી લઇ છેતરપિંડી કરે છે. આ ગેન્ગના 2 સભ્યો કર્ણાટક રાજ્યના પાસીંગ વાળી કારમાં આંટા મારે છે અને ખલીલપુર રોડ પરની સિદ્ધિ વિનાયક સોસાયટી નજીક ઉભા છે. ત્યારે એલસીબીએ જઇ બન્ને શખ્સો કિષ્નામુર્થિ રેડ્ડેપા નાગપ્પા સુનપુશેટી બલીજા અને મોહના વેંકટરમના ચિન્થલા ગૌડને દબોચી લીધા હતા.
શું કરે છે આરોપીઓ ? ક્યાં ક્યાં નોંધાયા છે તેમની સામે ગુના ?
જૂનાગઢ એલસીબીએ ઝડપી લીધેલા આરોપીઓ કિષ્નામુર્થિ રેડ્ડેપા નાગપ્પા સુનપુશેટી બલીજા આંધ્રપ્રદેશના કોકન્ટી ક્રોસ ગામે રહી હોટેલનો વ્યવસાય કરે છે. જ્યારે બીજા આરોપી મોહના વેંકટરમના ચિન્થલા ગૌડ આંધ્રપ્રદેશના પીલર ગામે રહી ડ્રાઇવીંગનો વ્યવસાય કરે છે. આરોપી સામે આંધ્રપ્રદેશના મગદી પોલીસ સ્ટેશનમાં 2, વિજયાનગર પોલીસ સ્ટેશનમાં 2 અને લશ્કર મહોલ્લા પોલીસ સ્ટેશનમાં 1 ગૂનો નોંધાયો છે. આ સાથે કુલ 51 ગુનાની આરોપીએ કબુલાત કરી છે. હાલ બન્ને આરોપીને બી ડિવીઝન પોલીસ હવાલે કરાયા છે.
શું મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો ?
જૂનાગઢ એલસીબીએ ઝડપી પાડેલા બંને પરપ્રાંતિય શખ્સો પાસેથી 6 મોબાઇલ કિંમત 81,000, ફોરવ્હિલ કાર કિંમત 5 લાખ,સ્પિકર સિસ્ટમ કિંમત 10,000 મોનીટર કિંમત 10,000, વિડીયોગ્રાફીનો કેમેરો કિંમત 50,000, સોનાના 2 બિસ્કીટ કિંમત 75,000, રોકડા 83,100, બે ઘડિયાળ કિંમત 10,100, વાઇફાઇ ડિવાઇસ કિંમત 4,000, ટેબલેટ કિંમત 5,000, તેમજ એટીએમ-ડેબીટ કાર્ડ 52 નંગ, પાન કાર્ડ 2, ડ્રાઇવીંગ લાયસન્સ 3, આધારકાર્ડ 2, કેએ 03 એમએચ 2299ની અસલ આરસી બુક, તેમની 2 કોપી, કેએ 03 એમબી 3810ની આરસી બુક, એપી 09 બીજે 1456 નંબરની નંબર પ્લેટ સહિત કુલ8,28,200નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.