ગુજરાતચૂંટણી 2022
હાલાર પંથકમાંથી વધુ એક રેતી ચોરીનું કૌભાંડ ઝડપાયું
હાલાર પંથકમાંથી રેતી ચોરીનું વધુ એક કૌભાંડ ઝડપાયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાની વર્તુ નદીના કાંઠે ખનીજ માફિયાઓ ખનીજ ચોરી કરતા હોવાની ચોક્કસ હકીકતના આધારે પોલીસે દરોડો પાડયો હતો.
પોલીસે ખાણ ખનીજ વિભાગને જાણ કરતા ટીમ સ્થળે પહોંચી
દરોડા દરમિયાન નદીમાંથી રેતીનું જેસીબી દ્વારા ખનન કરી ટ્રેક્ટરમાં પરિવહન કરાતું હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત આરોપીઓ દ્વારા નદીની બહાર એક જગ્યાએ જથ્થો સંગ્રહ કરી વેચાણ કરાતો હોવાનું પણ સામે આવ્યું હતું, જેને લઇને પોલીસે ખાણ ખનીજ ખાતાનો સંપર્ક કર્યો હતો. રેતી ચોરી સામે આવી હોવાની વિગતો સામે આવતા રોયલ્ટી ઇન્સ્પેક્ટર અંકુર ભાદરકાની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
તપાસમાં બે ખનીજમાફિયાઓના નામ ખુલ્યા
કલ્યાણપુર તાલુકાના રાણ ગામે વર્તુ નદીમાંથી ગેરકાયદેસર રેતીનું ઉત્ખનન કરી ખનીજ માફિયાઓ ખનીજ ચોરી કરતા હોવાના પર્દાફાશ બાદ તપાસ કરતા વર્તુ નદીની અંદરથી રામભાઈ નાગાજણભાઇ ગોરાણીયા અને અરજનભાઇ લીલાભાઇ મોઢવાડિયા નામના તથા તેના સાગરિતો દ્વારા અહીંથી લાખો રૂપિયાની ખનીજ ચોરી કરાઈ હોવાનું સામે આવ્યું હતું. જેને લઇને ખાણ ખનીજ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ અને ખાણ ખનીજ વિભાગની કાર્યવાહીના પગલે કલ્યાણપુર પંથકમાં ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
સ્થળ પરથી 780 મેટ્રિક ટન ખનીજ અને લાખોના વાહનો કબ્જે કરાયા
ખાણ ખનીજ ટીમે સ્થળ પર પડેલા જથ્થાનું આંકલન કરી ખનીજ ચોરીનો તાગ મેળવ્યો હતો. સ્થળ પરથી 600 મેટ્રિક ટન તથા બીજા સ્થળે 180 મેટ્રિક ટન એમ રૂપિયા 1,83,200 ની કિંમતનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો તેમજ હિટાચી કિ.રૂ.3 લાખ, જે.સી.બી. 3DX રજી નં. GJ 03 HE 0464 કિ.રૂ. 12 લાખ, હાઇવા ડમ્પર રજી નં. GJ 25 7 5220 કિ.8 લાખ, અન્ય હાઇવા ડમ્પર જેના રજી નં. GJ 12 A2 7191 કિ.8 લાખ, ટ્રેકટર નંબર વગરનું કિ.3 લાખ, અન્ય ટ્રેકટરના રજી.નં. GJ 10 K 0450 કિ.રૂ.3 લાખ, ટ્રેકટર જેના નંબર નથી જેની કિ.રૂ.3 લાખ, તેમજ અન્ય ટ્રેકટર જેના રજી.નં. GJ 10 9961 કિ.રૂ.3 લાખના વાહનો કબજે કર્યા હતા.