ગુજરાતટોપ ન્યૂઝ

યુવાધન ક્યાં જાય છે ? રાજકોટમાંથી બે એન્જિનિયર સ્ટુડન્ટ નકલી નોટ સાથે ઝડપાયા

Text To Speech
આજની પેઢીને જલ્દીથી અમીર બની જવું છે અને એટલે જ તેઓ અવળા રસ્તે ચડવા લાગ્યા છે. દારૂ વેંચવો, જુગાર રમવો અથવા રમાડવો કે પછી ગાંજા ચરસના વેપાલા કરવા શરૂ કર્યા છે. ત્યારે રાજકોટમાંથી પોલીસે બે એન્જિનિયર સ્ટુડન્ટને રૂ.50 હજારની નકલી ચલણી નોટ સાથે ઝડપી લીધા છે.
એક સ્ટુડન્ટને બીજા સ્ટુડન્ટે જાલીનોટનો મેળ કરી આપ્યો
 મળતી માહિતી મુજબ રાજકોટના કાલાવડ રોડ પર પ્રેમમંદિરની બાજુમાં બટર ફ્લાય પ્લે હાઉસ પાસે આવેલા મકાનમાં ભાડેથી રહેતા અને ગાર્ડી કોલેજમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતાં કિશન દિનેશ પાંચાણી પાસે રૂ.500ના દરની ભારતીય ચલણની બોગસ નોટ હોવાની માહિતી મળતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.બી.જાડેજા સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસે કિશનને સકંજામાં લઇ તલાશી લેતા પાસેથી 500ના દરની 100 નંગ નોટ મળી આવી હતી. જેથી તેની પુછપરછમાં તેણે આત્મીય કોલેજમાં બાયોટેક્નોલોજીનો અભ્યાસ કરતાં અને વિસાવદરમાં જૂના બસ સ્ટેશન પાસે રહેતા આવેશ અનવર ભોર પાસેથી ખરીદ કર્યાની કબૂલાત આપી હતી. જેથી પોલીસે તેની પણ ધરપકડ કરી હતી.
નકલી નોટ છાપનાર યુવકે એક વર્ષ પૂર્વે જ કરી લીધો હતો આપઘાત
યુનિવર્સિટી પોલીસે આવેશને ઝડપી લઇ પૂછપરછ કરતા તેણે સવા વર્ષ પૂર્વે કિશનને રૂ.40 હજારમાં 1 લાખની 500ના દરની નોટ આપ્યાની કબૂલાત આપી હતી અને આ નકલી નોટનો જથ્થો વિસાવદરમાં જ રહેતા હર્ષ રેણુકા પાસેથી મેળવ્યાનું રટણ રટ્યુ હતુ. પોલીસ વિસાવદરમાં હર્ષના ઘરે પહોંચી હતી પરંતુ હર્ષે એકાદ વર્ષ પહેલા જ આપઘાત કરી લીધાનું ખુલ્યું હતું. હર્ષના પરિવાર સમક્ષ પોલીસે સમગ્ર ઘટના કહેતા તેઓ સ્તબ્ધ થઇ ગયા હતા. જોકે હર્ષે નકલી નોટનો ધંધો કર્યા અંગે અજાણ હોવાનું પરિવારજનોએ કહ્યું હતું.
અડધી નકલી નોટ સુરતમાં વટાવવા મોકલી હતી
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, કિશને રૂ.50 હજારની નકલી નોટ સુરત રહેતા તેના પિતરાઇ સંજય હરેશ પાંચાણીને આપી હતી અને પોતાની પાસે રહેલી નકલી નોટ વટાવવા જતાં ઝડપાઇ જશે તેવો ભય લાગતા રાખી મુકી હતી, જોકે કિશનની આ વાત પોલીસને ગળે ઉતરતી નહોતી, કિશન અને આવેશ સહિતનાઓએ અત્યાર સુધીમાં કેટલી નોટ બજારમાં વહેતી મૂકી હતી, અન્ય કોઇને આપી હતી કે કેમ તે સહિતના મુદ્દે તપાસ કરવા પોલીસે આરોપીઓને રિમાન્ડ પર લેવાની તજવીજ શરૂ કરી હતી તેમજ સંજયની શોધખોળ શરૂ કરી છે.
Back to top button