ગુજરાત
આટલી જ સહનશીલતા ! રાજકોટમાં સગીરાએ માતા સાથે ઝઘડો થતાં ફાંસોખાઈ લીધો
આજના ઝડપી અને દેખાદેખીના યુગમાં લોકોની ધીરજ ખૂટતી જતી હોય તેવું લાગી રહ્યું છે. અત્યારના સમયમાં કોઈપણને કઈ કહેવાતું નથી. કેમકે તેઓ સામાન્ય બાબતે કોઈ અનિચ્છનીય પગલું ભરી લેતા હોય છે. કંઈક એવો જ બનાવ રાજકોટમાં સામે આવ્યો છે. અહીંના જંગલેશ્વર વિસ્તારમાં માતા સાથે કામ બાબતે ઝઘડો થતાં 16 વર્ષની સગીરાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાની ઘટના બની છે.
મામાએ ભાણેજને રૂમની અંદર લટકતી જોઈ હતી
મળતી માહિતી મુજબ, જંગલેશ્વર વિસ્તારમાં શેરી નં. 11માં રહેતી સગીરા મહેઝાબીન બાંભણીયા (ઉ.વ.16) એ ગઇકાલે પોતાના રૂમમાં જઈ છતના હુકમાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. બાદમાં રૂમ ખખડાવતા ન ખોલતા ડરી ગયેલી માતા બાજુમાં રહેતા તેના ભાઈને ઘરે દોડી ગઈ હતી. મહિલાએ બનાવની જાણ કરતાં તેના ભાઈએ મકાનની પાછળથી ઉપર ચડી છત તોડીને તપાસ કરતા મહેઝાબીનને લટકેલી હાલતમાં જોઈ હતી. બાદમાં પુત્રીને નીચે ઉતારી તાત્કાલિક પ્રથમ ખાનગી અને બાદમાં વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. પરંતુ અહીં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી.
કામ બાબતે માતા સાથે ઝઘડો થતા માઠું લાગ્યું હતું
બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડી આપઘાતનું કારણ જાણવા પરિવારજનોની પૂછપરછ હાથ ધરી છે. મૃતકના મામાએ જણાવ્યું હતું કે, મારી બહેન માનસિક બિમારી પીડાતા હોવાથી ભાણેજ સાથે અવાર-નવાર ઝઘડો કરતા હતા. ગઇકાલે સવારે બન્ને કારખાને કામે જવા માટે શેરીમાં બેઠા હતાં ત્યારે તેમની માતાએ ઠપકો આપતા માઠુ લાગી આવ્યું હતું અને રૂમમાં જઈ અંતિમ પગલું ભરી લીધું હતું.
પિતાનું 8 મહિના પહેલા અવસાન થયું, નાની ઉંમરે કારખાનામાં કામ કરીને જવાબદારી નિભાવતી
મૃતક ત્રણ ભાઈ-બહેનમાં મોટી હતી. તેમના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આપઘાત કરી લેનાર સગીરાના પિતાનું આઠ મહિના પહેલા જ મોત થયુ હતું. બાદમાં તેમની માતાની માનસિક સ્થિતી પણ ખરાબ થઈ જતાં બે નાનાભાઈ-બહેન અને માતાની જવાબદારી સગીરા પર આવી ગઈ હતી. નાની ઉંમરે કારખાનામાં કામ કરીને જવાબદારી નિભાવતી હતી. પરંતુ માતાની બિમારીથી અવાર-નવાર થતાં ઝઘડાથી કંટાળી પગલું ભરી લેતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.