ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: કોંગ્રેસમાંથી ભાજપમાં આવતા જ ગોવાભાઈની ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન પદની તાજપોશી

પાલનપુર: ઉત્તર ગુજરાતની અગ્રણી સહકારી સંસ્થા ધી ડીસા ના ચેરમેન પદે ગોવાભાઇ દેસાઈને નિયુક્ત કરાયા છે. ભાજપે ચૂંટાયેલા 15 ડિરેક્ટરોને સાઈડઆઉટ કરી તાજેતરમાં જ કોંગ્રેસમાંથી આવેલા ગોવાભાઇને ચેરમેન બનાવતા સમગ્ર જિલ્લાના સહકારી વર્તુળમાં ચકચાર મચી જવા પામી છે.

દસ વર્ષ બાદ ગોવાભાઇનો દબદબો

ડીસા માર્કેટયાર્ડના વ્યવસ્થાપક મંડળની અઢી માસ અગાઉ ચૂંટણી યોજાઈ હતી. જેમાં માર્કેટયાર્ડના ચેરમેન અને ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ તેમજ પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઈની પેનલો સામસામે હતી. 16 ડિરેક્ટરો માટેનું ચૂંટણી થતાં ભાજપ સમર્થિત માવજીભાઈ દેસાઈની પેનલ ના 15 ડિરેક્ટરો જીત્યા હતા. જ્યારે સામા પક્ષે કોંગ્રેસમાંથી એકમાત્ર ગોવાભાઇ દેસાઈનો વિજય થયો હતો. ત્યારબાદ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીને લઈ ભારે સસ્પેન્સ સર્જાયું હતુ.
આ દરમિયાન ગોવાભાઇ દેસાઈએ કોંગ્રેસ છોડી ભાજપમાં પ્રવેશતા તેઓ ચેરમેન બનવા ભાજપ સાથે શરત કરીને આવ્યા હોય તેવી અટકળો ચાલી રહી હતી. તો ભાજપ દ્વારા પણ પ્રથમ વખત ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે ડિરેક્ટરોના સેન્સ લેવામાં આવ્યા હતા. જેમાં 15 ડિરેક્ટરો એક તરફ હતા જ્યારે એક તરફ માત્ર ગોવાભાઇ હતા.

ભાજપના ચૂંટાયેલા 15 ડિરેક્ટરોને સાઈડ કરી કોંગ્રેસમાંથી આવેલા ગોવાભાઈને ભાજપે ચેરમેન બનાવ્યા

ત્યારબાદ આજે માર્કેટયાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચૂંટણી પાટણ જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ ના અધ્યક્ષ પદે યોજાઇ હતી.
જેમાં નાટયાત્મક વળાંક આવ્યો હોય તેમ ચેરમેન પદે ગોવાભાઇ દેસાઈના નામની દરખાસ્ત પૂર્વ ચેરમેન માવજીભાઈ દેસાઈએ મૂકી હતી.જેને ડિરેક્ટર રમેશભાઈ માળીએ ટેકો આપતા ગોવાભાઇ દેસાઈની ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. જ્યારે વાઇસ ચેરમેન તરીકે અરજણભાઈ ધર્માભાઈ પટેલ ના નામની દરખાસ્ત ઈશ્વરભાઈ દેસાઈએ કરતા વેપારી ડિરેક્ટર રાજુભાઈ ભરતીયાએ ટેકો આપતા તેઓની પણ બિનહરીફ વરણી થઈ હતી.

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ

નવનિયુક્ત ચેરમેન અને વાઇસ ચેરમેનને તમામ સભ્યોએ તેમજ માર્કેટયાર્ડમાં ઉપસ્થિત ભાજપના જિલ્લા પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા, ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સહિત આગેવાનો નેતાઓ કાર્યકરોએ શુભેચ્છા પાઠવી હતી. નવા બનેલા ચેરમેન ગોવાભાઇ દેસાઈએ જણાવ્યું હતું કે,ભારતીય જનતા પાર્ટીએ તેઓના નામનું મેન્ડેટ આપતા સર્વ સંમતિથી ચેરમેન તરીકે નિમણૂક થઈ છે. તેઓ તમામ ડિરેક્ટરોને સાથે રાખી માર્કેટ યાર્ડના વિકાસ ના કાર્યો કરશે. પોતાના પર થયેલા કેસો બાબતે ભાજપ સાથે કમિટમેન્ટ કરીને જ કોંગ્રેસમાંથી આવ્યા હોવાના પ્રશ્ન અંગે ગોવાભાઇએ જણાવ્યું હતું કે, તે પાર્ટીનો વિષય છે, પાર્ટીએ કોઈ જ પ્રકારના કમિટમેન્ટ વગર તેઓના ચેરમેન તરીકે નામ પર મહોર મારી છે.

આ પણ વાંચો :  શાહરૂખ ખાનની ‘જવાન’નો દમદાર પ્રિવ્યૂ રિલીઝ, આ દિવસે સિનેમાઘરોમાં ધમાલ મચાવશે ફિલ્મ

Back to top button