સુરતવાસીઓ ચેતજો ! આંખમાં ઇન્ફેક્શનના કેસોમાં આવ્યો મોટો ઉછાળો
હાલ ચોમાસાની શરુઆત થઈ ગઈ છે. જેના પગલે રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વરસાદને કારણે રોગચાળો પણ વકર્યો છે. સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી આંખમાં ઇન્ફેકશન થવાના કેસમાં ઉછાળો આવ્યો છે.
સુરતમાં કંજક્ટીવાઈટીસનો રોગચાળો વકર્યો
પ્રાપ્ત વિગતો મુજબ સુરતમાં કંજક્ટીવાઈટીસનો રોગચાળો વકર્યો છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો બાદ હવે કંજક્ટીવાઇટીસના રોગમાં વધારો થયો છે. સુરત સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓમાંથી 40% જેટલા દર્દીઓઆંખ આવવાના રોગના જોવા મળી રહ્યા છે. હાલની સિઝનમાં સિવિલ હોસ્પિટલમાં રોજ 300 જેટલી આંખ વિભાગ પાસે ઓપીડી આવે છે. જેમાંથી 40% એટલે કે 100 થી વધુ દર્દીઓ કંજક્ટીવાઈટીસ રોગના હોય છે ત્યારે છેલ્લા કેટલાક દિવસથી આ રોગના દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે.
જાણો નિષ્ણાંતોએ શું કહ્યું ?
સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કંજક્ટીવાઈટીસ (આંખ આવવા) નો વાવળ જોવા મળી રહ્યો છે. બાળરોગ અને આંખના રોગોના નિષ્ણાંતોના જણાવ્યા મુજબ શહેરમાં કંજક્ટીવાઈટીસ કેસ 40 ટકા જેટલો વધારો થયો છે. આ કંજક્ટીવાઈટીસ એડીનો વાયરસ, ઇકો વાયરસ, કોકાઈ વાયરસ અને ફ્લૂ જેવા ઘણા વાયરસથી થાય છે. ચિંતાની વાત તે છે કે આ કંજક્ટીવાઈટીસના કેસ મોટી ઉંમરના લોકોની સાથે બાળકોમાં પણ વધ્યા છે. આ વાયરસના લક્ષણો જોતા ‘એડીનો વાયરસ’ના ચેપને કારણે કંજક્ટીવાઈટીસના કેસ વધ્યા હોવાનું જણાઈ રહ્યું છે.
કંજંક્ટિવાઈટિસ શું છે ?
કંજંક્ટિવાઈટિસને સાવ સામાન્ય ભાષામાં ‘આંખ આવવી’ કહેવાય છે. જેમાં દર્દીને આંખમાં રહેલા મેમ્બ્રેનમાં સોજો આવવાથી આંખ સૂજીને લાલ થઈ જાય છે. તેમજ આંખ સતત ખૂંચ્યા કરે છે તેમજ આંખમાં ખંજવાળ અને સતત પાણી પડ્યા કરે છે.
કેમ થાય છે આ રોગ
આ કંજંક્ટિવાઈટિસ એલર્જી, આંખનું ઈન્ફેક્શન, વાઈરસ અથવા તો બેક્ટેરિયાને કારણે થાય છે. આ ચેપ બેક્ટેરિયાથી થાય છે અને ઝડપથી ફેલાય છે આ રોગ એક આંખથી બીજી આંખમાં અને એક દર્દીથી બીજા દર્દી સુધી હાથ, આંગળી, રૂમાલ, ટુવાલ, કાજળ આંજવાની સળી વગેરે દ્વારા ફેલાય છે અને આ લક્ષણ દસ દિવસ સુધી રહેતા હોય છે. બીજા વાયરસની તુલનામાં ‘એડીનો વાયરસ’ને કારણે થતું કંજક્ટીવાઈટીસ વધારે ગંભીર હોય છે.
કોઈકની આંખોમાં જોવાથી આ રોગ થઈ શકે છે ?
આ રોગને લઈને ઘણા લોકોમાં એવી ગેરમાન્યતા છે. કે કોઈકની આંખોમાં જોવાથી આ રોગ થઈ શકે છે. ત્યારે આ વાતને ડોક્ટરએ તદ્દન ખોટી જણાવી છે. આ રોગમાં જો ચેપ તિવ્ર હોય તો આંખના પારદર્શક પટલ કે આંખને હાની થઈ શકે છે. અને જો તકેદારી રાખવામા આવે તો તેમાંથી થોડા જ દિવસોમાં રાહત મળી શકે છે.
આ પણ વાંચો : રાજ્યભરની ‘આદર્શ નિવાસી શાળાઓ’માં ચાલુ વર્ષે ધોરણ 9 થી 12માં કુલ 9,821વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો