- આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની જાહેરાત
- 11 જૂલાઈથી લોકોને PMJY હેઠળ દસ લાખનું વીમા કવચ મળશે
- રાજ્યમાં કુપોષણ ડામવા તૈયાર કરાયો રોડમેપ
ગુજરાતના લોકોને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે સરકાર અનેક પ્રયાસો કરી રહી છે જેના ભાગરૂપે હવે રાજ્યની તમામ સરકારી હોસ્પિટલો તેમજ મેડિકલ કોલેજોને સામૂહિક આરોગ્ય કેન્દ્ર સાથે જોડીને આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે બેઠક બોલાવી હતી જેમાં અલગ-અલગ મુદ્દે સમીક્ષા કરવામાં આવી હતી.
સ્પેશ્યલ ન્યુ બોર્ન કેર યુનિટસને વધારવાની તૈયારી
આ બેઠકમાં રાજ્યની સરકારી અને જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં યુજી, પીસી, સીપીએસની હાલની બેઠકોની સંખ્યાની સમીક્ષા કરીને પ્રોજેક્શન અને મેપિંગ તૈયાર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આરોગ્ય વિભાગની કામગીરી, પડતર પ્રશ્ર્નો, ભાવિ આયોજન સંદર્ભે સમીક્ષા કરાઈ હતી. આરોગ્ય મંત્રીએ બેઠકને સંબોધન કરતા કહ્યું કે રાજ્યમાં કુપોષણને ડામવા અને તેનું પ્રમાણ ઘટાડવા માટે તાજેતરમાં ચિંતન શિબિરમાં પણ મંથન કરવામાં આવ્યું હતું જેનો રોડમેપ રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. રાજ્યમાં અત્યારે બાળમૃત્યુ દર ઘટાહવા માટે એનએસસીયુ (સ્પેશ્યલ ન્યુ બોર્ન કેર યુનિટસ)ની સંખ્યા વધારીને સારસંભાળને વધુ ગુણવત્તાયુક્ત બનાવવાની દિશામાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
વીમા કવચના ખર્ચમાં વધારો કરવામાં આવ્યો
આ ઉપરાંત 11 જૂલાઈથી વડાપ્રધાન જન આરોગ્ય-મા યોજના અંતર્ગત અપાતી રૂા.પાંચ લાખની વીમા કવચની રકમ રૂા.10 લાખ થવાની છે ત્યારે આ યોજનાની હાલની સ્થિતિ, એમ્પેનલ હોસ્પિટલ સંદર્ભે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. દરમિયાન રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સરકારી અને જીએમઈઆરએસ મેડિકલ કોલેજને નજીકના સીએચસી (સામૂહિક આરોગ્ય કેન્દ્ર) સેન્ટર સાથે જોડીને આરોગ્ય સેવા, સુવિધાઓને સુદૃઢ બનાવવામાં આવનાર હોવાનું તેમણે જણાવ્યું હતું.