ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : સામાન્ય વરસાદમાં ડીસાની નવી ભીલડી પગાર કેન્દ્ર શાળામાં ઘૂંટણસમા પાણી ભરાયા

  • શિક્ષણકાર્ય ઠપ્પ, 700 વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર

પાલનપુર: ડીસા તાલુકાની નવી ભીલડી પગાર કેન્દ્ર શાળામાં સામાન્ય વરસાદમાં પણ ઢીંચણ સમા પાણી ભરાઈ જતા છાસવારે શિક્ષણકાર્ય ઠપ્પ થઈ જાય છે. ગુરુવારે રાત્રે પડેલા સામાન્ય વરસાદમાં પણ શાળા પાણીમાં ગરકાવ થઈ જતા શિક્ષકો અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે.

 

આમ તો વરસાદ આવતા તમામ લોકો અને ખાસ કરીને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળતો હોય છે, પરંતુ વરસાદની વાત સાંભળતા જ ડીસાની નવી ભીલડી પગાર કેન્દ્ર શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ચિંતાતુર બની જાય છે. કારણ કે આ નવી ભીલડી પગાર કેન્દ્ર શાળા ભીલડીના સૌથી નીચાણવાળા વિસ્તારમાં બનેલી હોવાના કારણે જ્યારે જ્યારે પણ વરસાદ થાય છે. ત્યારે ત્યારે ગામનું તમામ પાણી આ શાળામાં ભરાઈ જાય છે. ગત રાત્રે પણ બે ઇંચ જેટલા સામાન્ય વરસાદમાં પણ આ શાળા પાણીમાં ગરકાવ થઈ ગઈ છે.

આ શાળામાં અત્યારે 700 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને 21 જેટલા શિક્ષકોનો સ્ટાફ ફરજ બજાવે છે. વળી પાણી ભરાઈ જવાની સમસ્યા આજની નથી, વર્ષોથી છે. અને દર વર્ષે ચોમાસામાં પાણી ભરાઈ જવાના કારણે અનેકવાર શિક્ષણકાર્ય બંધ રાખવાની ફરજ પડે છે. આજે પણ આ શાળામાં ઢીંચણ સમા પાણી ભરાઈ જતા એકથી પાંચ ધોરણ સુધીના બાળકોને છુટ્ટી આપવી પડી છે. જ્યારે છથી આઠમાં ધોરણ સુધીના બાળકોને અન્ય જગ્યાએ બનાવવામાં આવેલા ચાર રૂમમાં બેસાડી શિક્ષણ કાર્ય ચાલુ કરાવ્યું હતું.

દર વખતે ચોમાસામાં અવારનવાર શાળામાં પાણી ભરાઈ ગયા બાદ ઘણા દિવસો સુધી પાણી સુકાતું નથી અને ગંદુ પાણી ભરાઈ રહેવાના કારણે રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત સેવાય છે. ત્યારે બાળકોને શાળામાં મુકતા વાલીઓમાં પણ રોગચાળાને લઈ ભય સતાવતો હોય છે. જેથી શાળાના શિક્ષકોની સાથે સાથે વાલીઓની પણ માગ છે કે, તંત્ર દ્વારા શાળામાંથી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવામાં આવે.

પાણી ઓસરી ગયા પછી ફરી શિક્ષણ કાર્ય શરૂ કરીશું : આચાર્ય
આ બાબતે શાળાના આચાર્ય હર્ષદ બારોટે જણાવ્યું હતું કે, દર વર્ષે ચોમાસામાં આ શાળાની અંદર પાણી ભરાઈ જાય છે. જેથી બાળકોને અભ્યાસ કઇ રીતે કરાવવો તેની મુશ્કેલી સર્જાય છે. આ શાળા ભીલડીના સૌથી નીચાણવાળા વિસ્તારમાં બનેલી હોવાથી સામાન્ય વરસાદમાં પણ પાણીમાં ગરકાવ થઈ જાય છે. આ બાબતે અમે જ્યારે જ્યારે શાળામાં પાણી ભરાય છે ત્યારે ત્યારે એના ફોટા સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે, પરંતુ પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા થઈ નથી. અત્યારે અન્ય જગ્યાએ શાળા માટે 4 રૂમ બનાવેલા છે. ત્યાં મોટા બાળકોને ખસેડ્યા છે અને હવે જ્યારે શાળામાંથી પાણી ઓસરી જશે ત્યારે અમે ફરી શિક્ષણ કાર્ય શરૂ કરીશું.

આ પણ વાંચો : બનાસકાંઠા : પાલનપુર નો હાઇવે વરસાદના પાણીમાં થયો ગરકાવ

Back to top button