ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : દાંતીવાડા BSF કેમ્પસમાં અગ્નીવિર ઉમેદવારોની તાલીમ શરૂ, યુવાનોનું આર્મીમાં જોડાવાનું સપનું થશે સાકાર

પાલનપુર : ગુજરાતના યુવાનો આર્મી, એરફોર્સ, નેવી, અર્ધ લશ્કરી દળો, પેરામિલેટરી ફોર્સિસ તથા પોલીસ ફોર્સ વગેરેમાં જોડાવવા માંગતા હોય તેવા ઉમેદવારોને ભરતી પૂર્વે શારીરિક તેમજ માનસિક ક્ષમતા અને લેખિત પરીક્ષા માટેની ઘનિષ્ઠ તાલીમ આપવા માટે રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા વિનામૂલ્યે નિવાસી તાલીમ આપવામાં આવે છે. ગુજરાતના યુવાનોની આર્મ ફોર્સમાં વધુમાં વધુ ભરતી થાય તે માટે શારીરિક યોગ્યતા ધરાવતા યુવાનોને દાંતીવાડા BSF કેમ્પ ખાતે સઘન તાલીમ આપી પરીક્ષા માટે સજ્જ કરવામાં આવી રહ્યા છે.


ગુજરાતના યુવાનો વિવિધ ફોર્સમાં જોડાઇને પોતાના સપના સાકાર કરી શકે તથા દેશની સેવા કરી શકે તે માટે યુવાનોને ભરતી પૂર્વેની શારીરિક, માનસિક તેમજ લેખિત પરીક્ષાની ઘનિષ્ઠ તાલીમ આપવા માટે જિલ્લા રોજગાર કચેરી, પાલનપુર દ્વારા દર વર્ષે નિવાસી તાલીમનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે કુલ- ૬ બેચમાં તાલીમનું આયોજન કરાયું છે.

પ્રત્યેક બેચમાં ૩૦ યુવાનો લેખે ૧૮૦ યુવાનોને સઘન તાલીમ આપી સજ્જ કરાશે. તાજેતરમાં લેવાયેલ અગ્નિવીર પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોની પ્રથમ બેચની તાલીમ હાલ દાંતીવાડા BSF કેમ્પસ ખાતે ચાલી રહી છે. જેમાં યુવાનોને શારીરિક તાલીમ તથા સિલેબસ મુજબ ગણિત અને રીઝનીંગની શિખવવામાં આવે છે. બે ટાઇમ ભોજન, નાસ્તો, એક જોડી ટ્રેક શુટ અને સ્પોર્ટસ શુઝ પણ આપવામાં આવે છે. આ ઉપરાંત દરેક યુવાનને રોજના ૧૦૦ રૂપિયા લેખે એક મહિનાનું રૂ. ૩૦૦૦/- સ્ટાઇપેન્ડ ચુકવવામાં આવે છે. પ્રત્યેક બેચ દીઠ રૂ. ૧૨,૦૦૦/- ની સ્ટેશનરી વસાવીને તેમના વાંચન માટે મુકવામાં આવે છે.

દાંતીવાડા BSF 93 બટાલિયનના સેકન્ડ ઇન કમાન્ડ ઓફિસર બી. એન. લોહાનીએ જણાવ્યું કે, બનાસકાંઠા જેવા સરહદી વિસ્તારના યુવાનો સૈન્યમાં જોડાઇને દેશ સેવા કરવા માટે આગળ આવે અને તેમને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે યુવાનોને તાલીમ આપવાનું કામ ગુજરાત સરકારના સહયોગથી BSF દ્વારા કરવામાં આવી રહ્યું છે. જે યુવાનો સૈનિકો બનીને મા ભોમની રક્ષા કરવા માગે છે

 

એમને BSF દ્વારા પ્રિ- રિક્રુમેન્ટ ટ્રેનીંગ આપવામાં આવે છે. જિલ્લા રોજગાર કચેરી, પાલનપુર દ્વારા તા. ૩ જુલાઇથી ૧ લી ઓગષ્ટ સુધી પ્રથમ બેચનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તાલીમાર્થીઓને હાલ તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમ યુવાનોને BSF, CISF, ARMY, પેરામિલેટરી ફોર્સ અને પોલીસ ભરતીમાં મદદરૂપ બનશે.

તેમણે કહ્યું કે, ટ્રેનિંગની સાથે સાથે આ તાલીમાર્થી યુવાનોની રહેવા- જમવાની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે કરવામાં આવે છે. આ તાલીમ મેળવનાર યુવાનને રોજના ૧૦૦ રૂપિયા લેખે એક મહિનાનું રૂ. ૩૦૦૦/- સ્ટાઇપેન્ડ પણ અપાય છે. શારીરિક રીતે સશક્ત અને શિક્ષિત યુવાનો માટે આ યોજના ખુબ આશીર્વાદરૂપ હોવાનું તેમણે જણાવ્યું હતું. કોઇપણ વ્યક્તિને શ્રેષ્ઠ નાગરિક બનાવવામાં આ તાલીમ ખુબ મહત્વની ભૂમિકા ભજવશે.

આ પણ વાંચો : પાટણમાં ભારે વરસાદ, અનેક નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા

Back to top button