અમદાવાદ: ગાડી ચોરી થઇ અને પોલીસ ફરિયાદ મોડી થતા વીમા કંપનીએ હાથ ખંખેર્યા
- વ્યક્તિ પોતાનું વાહન વાપરવા માટે અન્યને પણ આપી શકે છે – કમિશન
- વીમા કંપની સમક્ષ જરૂરી પુરાવા રજૂ કરી એક લાખના વળતરની માગણી કરી
- વાહન ચોરીની પોલીસ ફરિયાદ મોડી થાય તો વીમા ક્લેમ નકારી ન શકાય
અમદાવાદના સોલા ભાગવત પાસે આવેલા ઉમિયા કેમ્પસ ખાતેથી લગ્ન પ્રસંગ વખતે પાર્કિંગમાંથી કારની ચોરી થઈ હતી, ફેબ્રુઆરી 2017ના અરસાની આ ઘટનામાં યુનાઈટેડ ઈન્સ્યોરન્સ કંપની લિ.એ 20 દિવસ મોડી પોલીસ ફરિયાદ કરી હોવાનું કારણ દર્શાવી ક્લેમ આપવાનો ઈન્કાર કર્યો હતો, અલબત્ત, અમદાવાદ ગ્રાહક કમિશને વીમા કંપનીને ફટકાર લગાવતો હુકમ કર્યો છે. કમિશને કહ્યું કે, વાહન ચોરીનો બનાવ સાચો હોય તેવા સમયે ટેકનિકલ કારણસર વીમા કંપનીએ દાવો નકારવો ન જોઈએ.
આ પણ વાંચો: ગુજરાતમાં ટામેટા સહિત લીલા શાકભાજી સાથે આ વસ્તુઓની કિંમતો પણ આસમાને પહોંચી
વીમા કંપની સમક્ષ જરૂરી પુરાવા રજૂ કરી એક લાખના વળતરની માગણી કરી
વિવિધ ચુકાદા ટાંકી કમિશને નોંધ્યું હતું કે, પોલીસ ફરિયાદ વિલંબથી આપવામાં આવી હોય તો પણ ટેકનિકલ કારણે સાચા દાવાને નકારી શકાય નહિ. આ કેસમાં રૂ. 82,500ની રકમ 9 ટકા વ્યાજ સાથે ચુકવવા, માનસિક યાતનાના વળતર અને અરજી ખર્ચ મળીને 8 હજાર ચુકવવા વીમા કંપનીને આદેશ કર્યો છે, આ રકમ ફરિયાદીને મળવા પાત્ર રહેશે. અમદાવાદના ફરિયાદી ડો. પી. પી. ઝવેરી અને એચ. વી. પટેલે વીમા કંપની વિરુદ્ધ કમિશનમાં કેસ માંડયો હતો, ફરિયાદી એચ.વી. પટેલે પાર્કિંગમાં કાર મૂકી હતી, જોકે તેની ચોરી થઈ હતી. ઘટના અંગે સોલા પોલીસ સ્ટેશનમાં ત્રીજી ઓગસ્ટ 2017ના રોજ ફરિયાદ નોંધાઈ હતી અને વીમા કંપની સમક્ષ જરૂરી પુરાવા રજૂ કરી એક લાખના વળતરની માગણી કરી હતી.
આ પણ વાંચો: ગાંધીનગર RTOમાંથી ઝડપાયેલ નકલી આર્મી જવાનના લાયસન્સ કૌભાંડમાં થયો ચોંકાવનારો ખુલાસો
વ્યક્તિ પોતાનું વાહન વાપરવા માટે અન્યને પણ આપી શકે છે
અલબત્ત, પોલીસ ફરિયાદમાં વિલંબનું કારણ દર્શાવી ક્લેઈમ નકારતાં કમિશન સમક્ષ કેસ દાખલ કર્યો હતો. ફરિયાદી તરફથી કહેવાયું હતું કે, વાહનની શોધખોળ કરતા હોઈ મોડી ફરિયાદ કરી હતી. બીજી તરફ કંપનીનો મુદ્દો હતો કે, વીમા ધારક ડોક્ટરે કયા સંબંધના આધારે વાહન અન્ય ફરિયાદીને આપ્યું હતું જ્યારે ફરિયાદી વતી કહેવાયું હતું કે, ભત્રીજાને વાહન આપ્યું હતું એટલું જ નહિ પરંતુ વ્યક્તિ પોતાનું વાહન વાપરવા માટે અન્યને પણ આપી શકે છે.