બનાસકાંઠા: ડીસામાં ગેરકાયદેસર મોબાઈલ ટાવરનો વિરોધ
પાલનપુર: ડીસાની રત્નાકર સોસાયટીમાં ગેરકાયદેસર રીતે ઉભો કરવામાં આવેલ મોબાઈલ ટાવર સામે લોકોએ વિરોધ દર્શાવ્યો છે. અને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી મોબાઇલ ટાવર હટાવવા માટે રજૂઆત કરી છે.
રત્નાકર સોસાયટીના રહીશોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
ડીસાની રત્નાકર સોસાયટીના રહીશોએ રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઉભો કરવામાં આવેલ મોબાઈલ ટાવર દૂર કરવાની માંગ કરી છે. રત્નાકર સોસાયટીમાં મુકેશભાઈ ઠક્કર નામના વ્યક્તિએ તેમના મકાન પર મોબાઈલ ટાવર લગાવ્યો છે. રહેણાંક વિસ્તારમાં મોબાઇલ ટાવર ઉભો કરતા રેડીએશનના કારણે ઉંમરલાયક લોકોને શારીરિક અને માનસિક નુકસાન થઈ શકે છે, તેમજ ક્યારેક બીપરજોય જેવા વાવાઝોડા કે ધરતીકંપમા ટાવર પડતા મોટી હોનારત પણ સર્જાઈ શકે છે.
જે માટે સ્થાનિક રહીશોએ મુકેશભાઈને મોબાઈલ ટાવર હટાવવા માટેની વાત કરતા તેઓ ઉશ્કેરાઈ જઈ લોકો સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું. જેથી રત્નાકર સોસાયટીના રહીશોએ ડીસા નગરપાલિકામાં આ બાબતે રજૂઆત કરતા હજુ સુધી મોબાઇલ ટાવર શરૂ કર્યો નથી, પરંતુ મોબાઈલ ટાવર ન હટાવતા આજે સ્થાનિક રહીશો નાયબ કલેકટર કચેરીએ પહોચી આવેદનપત્ર આપી ટાવરને હટાવી લેવાની માંગ કરી છે. જો મોબાઈલ ટાવર હટાવવામાં નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી આવેદનપત્રમાં ઉચ્ચારી છે.
આ પણ વાંચો :Uniform Civil Code અંગે મુસ્લિમ પર્સનલ લો બોર્ડની મોટી જાહેરાત, સામાન્ય લોકોને કરી મહત્વની અપીલ