- કેન્દ્ર સરકાર દ્વારા ડેટા પ્રોટેકશન બીલ તૈયાર
- ડેટા ચોરીથી જીએસટીમાં રૂા.30000 કરોડનો ધુંબો લાગ્યો
- સંસદના ચોમાસુ સત્રમાં ખરડો થઈ શકે છે રજુ
કેન્દ્ર સરકાર દ્વારા જે નવો ડેટા પ્રોટેકશન ખરડો લાવવામાં આવી રહ્યો છે તેમાં હવે પાન અને આધારકાર્ડના કરાતા ગેરઉપયોગ તેમજ અન્ય કોઈના પાન તથા આધારના ડેટાની ચોરી અને તેના આધારે સરકારને જે આવક ગુમાવવી પડે છે તેમાં હવે વધુ કડક કાનુન આવી રહ્યો છે અને તેમાં પેનલ્ટીની રકમ પણ વધુ હશે. કેન્દ્રીય નાણાવિભાગ દ્વારા આ અંગે એક ખાસ જોગવાઈ કરવામાં આવી રહી છે. જેમાં આઈટી મંત્રાલયને પણ સાથે રખાયુ છે. સંસદના ચોમાસુ સત્રમાં આ ખરડો રજુ થશે.
સૂત્રોના જણાવ્યા મુજબ હાલ આધાર અને પાનના ગેરઉપયોગ અંગેની પેનલ્ટી ઘણી ઓછી છે અને તેને કારણે કેન્દ્ર અને રાજય સરકાર મોટી આવક ગુમાવે છે. હાલ પાનકાર્ડના ગેરઉપયોગ કે તેના આધારે થતા ફ્રોડમાં રૂા.10 હજારનો દંડ અથવા તો છ માસની જેલ સજાની જોગવાઈ છે. અન્ય કોઈના પાન કે આધારના ઉપયોગ કરીને તેની જાણ વગર કંપની કે પેઢી રજીસ્ટર કરાવીને મોટી કરચોરી કરવામાં આવી રહી છે અને હાલમાં જ જીએસટીમા આ પ્રકારે 12 હજાર જેટલી બોગસ પેઢીઓને ઝડપી પડાઈ હતી. પરંતુ તેમના વ્યવહારોથી સરકારી તિજોરીને રૂા.30 હજાર કરોડનું નુકશાન થયું હતું અને તેથી હવે આ અંગે વધુ કડક કાયદો આવશે.