વર્ષ 2002ના રમખાણ અંતર્ગત ઝાકિયા જાફરી દ્વારા કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે ગઈકાલે વડાપ્રધાન મોદીને ક્લીનચીટ આપી છે. ગૃહમંત્રી અમિત શાહે આજે 2002ના ગુજરાત રમખાણો પર પોતાનું મૌન તોડ્યું છે. ન્યૂઝ એજન્સી ANIને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે સુપ્રીમ કોર્ટના નિર્ણય, કોર્ટની કાર્યવાહી દરમિયાન મીડિયા, NGO અને રાજકીય પક્ષોની ભૂમિકા વિશે વાત કરી.
આરોપો રાજકીય પ્રેરિત હતાઃ શાહ
શાહે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી સાબિત થયું છે કે તત્કાલીન ગુજરાત સરકાર પર લગાવવામાં આવેલા તમામ આરોપો રાજકીય રીતે પ્રેરિત હતા. સમગ્ર ન્યાયિક પ્રક્રિયા દરમિયાન નરેન્દ્ર મોદીએ કોઈ નિવેદન આપ્યું ન હતું. અમે ન્યાયિક પ્રક્રિયામાં સતત સહકાર આપ્યો છે. જે લોકોએ મોદીજી પર આરોપો લગાવ્યા હતા, તેમણે ભાજપ અને મોદીજીની માફી માંગવી જોઈએ. લગભગ 40 મિનિટના ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે પીએમ મોદીએ હંમેશા ન્યાયતંત્રમાં વિશ્વાસ રાખ્યો છે.
નરેન્દ્ર મોદીએ ઘણાં વર્ષો સુધી મૌન રહીને આરોપો સહન કર્યાઃ શાહ
અમિત શાહે કહ્યું કે પીએમ મોદી પર લાગેલા તમામ આરોપો ખોટા હોવાનું જાણવા મળ્યું છે. આ આક્ષેપો રાજકીય પ્રેરિત છે. વડાપ્રધાન મોદીએ ચૂપચાપ ઘણા વર્ષો સુધી આરોપો સહન કર્યા. સુપ્રીમ કોર્ટે પીએમ મોદી પરના તમામ આરોપોને ફગાવી દીધા છે. રમખાણો દરમિયાન સેનાને બોલાવવામાં કોઈ વિલંબ થયો ન હતો.
‘અસત્યને સત્ય સાબિત કરવા માટે મજબૂત વ્યવસ્થા હતા’
પોલીસ-પ્રશાસન અસરકારક રીતે કામ ન કરી શકવાના પ્રશ્ન પર અમિત શાહે કહ્યું કે રાજકીય રીતે પ્રેરિત પત્રકારો અને કેટલાક એનજીઓએ આરોપોનો પ્રચાર કર્યો છે. તેમની પાસે એક મજબૂત વ્યવસ્થા હતી, તેથી દરેકે અસત્યને સત્ય તરીકે સ્વીકારવાનું શરૂ કર્યું.
EDની પૂછપરછ પર રાહુલ પર કટાક્ષ
અમિત શાહે રાહુલ ગાંધીની EDની પૂછપરછના કોંગ્રેસના વિરોધ પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે મોદીજીએ SIT સમક્ષ હાજર થયા હતા ત્યારે કોઈ ડ્રામા નહોતા કર્યા. મારા સમર્થનમાં બહાર આવો, ધારાસભ્યો-સાંસદોને બોલાવો અને ધરણા કરો. તેમણે કહ્યું કે જો SIT સીએમ (મોદી)ને પૂછપરછ કરવા માંગે છે, તો તેઓ પોતે સહયોગ કરવા માટે તૈયાર છે, વિરોધ કેમ?
સુપ્રીમ કોર્ટે મોદીને ક્લીનચીટ આપી
સુપ્રીમ કોર્ટે શુક્રવારે પીએમ મોદી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. 2002ના ગુજરાત રમખાણોમાં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીનચીટ આપનાર SITના રિપોર્ટ વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી હતી.
આ અરજી ઝાકિયા જાફરીએ દાખલ કરી હતી. આ રમખાણોમાં ઝાકિયા જાફરીના પતિ એહસાન જાફરીનું મોત થયું હતું. ચુકાદો સંભળાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઝાકિયાની અરજીમાં કોઈ યોગ્યતા નથી.
ઝાકિયાએ મેજિસ્ટ્રેટના આદેશને પડકાર્યો હતો
72 વર્ષીય એહસાન જાફરી કોંગ્રેસના નેતા અને સાંસદ હતા. 2002 બાદ ફાટી નીકળેલા રમખાણમાં ગુસ્સે ભરાયેલા ટોળાએ તેમને અમદાવાદની ગુલબર્ગ સોસાયટીના ઘરની બહાર કાઢી મારી નાખ્યા હતા.
મેજિસ્ટ્રેટે SITનો ક્લોઝર રિપોર્ટ સ્વીકાર્યો હતો, જેમાં તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદી સહિત 63 લોકોને રમખાણોનું કાવતરું ઘડવાના આરોપમાંથી નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. હાઈકોર્ટે પણ આ નિર્ણયને યથાવત રાખ્યો હતો.