World Cup 2023: ક્રિકેટની દુનિયા પર રાજ કરનારી ‘વેસ્ટ ઈન્ડિઝ’ ટીમ જમીન પર કેવી રીતે આવી ગઇ?
હમ દેખેગે ન્યૂઝ: વર્લ્ડકપ ક્વોલિફાયરના મુકાબલામાં સ્કોટલેન્ડની ટીમે આશ્ચર્યજનક રીતે વેસ્ટ ઈન્ડિઝને સાત વિકેટે માત આપી દીધી. શનિવારે મળેલી હાર સાથે જ વેસ્ટ ઈન્ડિઝની ટીમ વર્લ્ડકપ 2023ની રેસમાંથી બહાર થઇ ચૂકી છે.
એક સમયે વર્લ્ડકપ ચેમ્પિયન રહેલી વેસ્ટ ઈન્ડિઝની આવી ખરાબ દશાને લઇને નિષ્ણાતો પણ હેરાન છે. વર્લ્ડ કપ ટૂર્નામેન્ટના 48 વર્ષના ઇતિહાસમાં વેસ્ટ ઈન્ડિઝ પ્રથમ વખત બહાર રહેશે. આંતરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ 27 જૂને 2023 ઓડીઆઇ વર્લ્ડકપનું કાર્યક્રમ જાહેર કર્યું. આ ટૂર્નામેન્ટ 5 ઓક્ટોબર 2023થી ભારતમાં રમાવાની શરૂઆત થશે.
આ વચ્ચે આઈસીસી વર્લ્ડકપ ક્વોલિફાયર ટીમોની મેચોને લઇને ખુબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. તેઓ આતુર હતા કે, વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા ક્વોલિફાઇ થઇ શકે છે કે નહીં. પરંતુ લાખો લોકોના દિલ ત્યારે તૂટી ગયા જ્યારે એક સમયે ક્રિકેટ જગર પર એકચક્રિય શાસન ચલાવતી વેસ્ટ ઈન્ડિઝની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ.
રવિવારે શ્રીલંકા ટીમે વર્લ્ડ કપ માટે ક્વોલિફાઇ કરી લીધું. શનિવાર પહેલા સુધી અનેક ફેન્સને આશા હતી કે વેસ્ટ ઈન્ડિઝની ટીમ પણ વર્લ્ડ કપની ટીકિટ લઈ લેશે. વર્લ્ડકપ ક્વોલિફાયર્સમાં નેધરલેન્ડ વિરૂદ્ધ સૌથી મહત્વપૂર્ણ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે 347 રન બનાવ્યા પરંતુ તે છતાં ટીમ મેચને બચાવી શકી નહીં. જે રીતે સુપર સિક્સ સ્ટેજમાં તેમને રમત દર્શાવી તેની મીડિયામાં ખુબ જ ટીકા પણ થઈ.
આ પ્રથમ વખત નથી કે વેસ્ટ ઈન્ડિઝની ટીમ એકદિવસીય આંતરાષ્ટ્રી વર્લ્ડકપમાં રમી શકશે નહીં. આનાથી પહેલા આ ટીમ ઓસ્ટ્રેલિયામાં પાછલા વર્ષે ટી-20 વર્લ્ડકપ માટે પણ ક્વોલિફાઇ થઈ શકી નથી.
વેસ્ટ ઈન્ડિઝની ટીમ એક સમયે હતી અજય
વેસ્ટ ઈન્ડિઝ તે જ ટીમ છે જેને 1975 અમે 1979માં સતત બે વખત વર્લ્ડ કપ જીત્યો હતો અને ત્રીજી વખત 1983માં ફાઈનલ સુધી પહોંચી હતી. વર્ષ 1996માં તે સેમી ફાઈનલ સ્ટેજ સુધી પહોંચી હતી. રમતના બધા જ ફોર્મેટમાં 1970 અને 1980ના દશકામાં આ અજય ટીમ માનવામાં આવતી હતી. ખાસ કરીને એક દિવસીય મેચોમાં તેમની આક્રમક રમત જ તેમની ઓળખ હતી.
ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય તો પણ તેમના બેટ્સમેન શાનદાર પ્રદર્શન કરતા હતા. વિવિયન રિચર્ડ્સ, ડેસમેન્ડ હેન્સ, ગાર્ડન ગ્રીનિઝ, લોગી, રિચર્ડસન અને બ્રાયન લારાએ દુનિયાભરના બોલરોની ધોલાઇ કરી છે.
1980 અને 1990ના દશકામાં તો એવું માનવામાં આવી રહ્યું હતુ કે આ ટીમ માટે કોઈપણ ટાર્ગેટ મેળવવું મુશ્કેલ કામ નથી. તે સમયે આ ટીમ પાસે સૌથી ખતરનાક ફાસ્ટ બોલર હતા. જોએલ ગાર્નર, માઈકલ હોલ્ડિંગ, એન્ડી રોબર્ટ્સ, મૈલ્કમ માર્શલ, કર્ટલી એમ્બ્રોસ, કર્ટની વોલ્શ, ઈયાન બિશપ એવા ફાસ્ટ બોલર હતા જેમનાતી સારા-સારા બેટ્સમેનોને ડર લાગતો હતો.
કાર્લ હૂપર અને રોજર હાર્પરના રૂપમાં તેમના પાસે શાનદાર ઓલરાઉન્ડર પણ હતા. જેફ ડૂજોન એક જોરદાર વિકેટ કિપર અને બેટ્સમેન હતા, જેમને અનેક મેચ વિનિંગ ઇનિગ્સ રમી છે.
આ પણ વાંચો- બ્રિટિશ PMની ટિપ્પણી પર ઓસ્ટ્રેલિયાના PMએ આપ્યો જવાબ, કહ્યું- અમને અમારા ખેલાડીઓ પર ગર્વ છે
ખરાબ પ્રદર્શનની શરૂઆત
પરંતુ 1990 ના દાયકાના અંતથી વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ માટે વસ્તુઓ બદલાવા લાગી. છેલ્લા બે દાયકામાં કેટલીક જીત અને રેકોર્ડ સિવાય ખુશીની ક્ષણો ઘટતી રહી છે.
ટીમે માત્ર વન-ડે ક્રિકેટમાં જ નહીં પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં પણ તેની ચમક ગુમાવી હતી. જોકે તેણે વર્ષ 2012 અને 2016માં બે વખત ટી20 વર્લ્ડ કપ જીત્યો હતો, પરંતુ અહીં પણ આ ખુશી ટકી શકી નહીં. તે પછી ટી-20 ક્રિકેટમાં પણ તેમનું પ્રદર્શન ખૂબ જ દયનીય બની ગયું હતું.
જો આપણે વેસ્ટ ઈન્ડિઝની ટીમના વર્તમાન પ્રદર્શનનો સક્ષેપમાં સારાંશ આપીએ તો તેનો વર્તમાન ICC ટેસ્ટ રેન્કિંગમાં 8મા, વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 10મું અને ઈન્ટરનેશનલ T20 ક્રિકેટમાં 7મા ક્રમે છે.
2002માં જમૈકા ટેસ્ટ જીત્યા બાદ તેને ભારત સામે ટેસ્ટ મેચ જીત્યાને 21 વર્ષ થઈ ગયા છે. આ શ્રેણી બાદ ભારતે તેની સામે આઠ ટેસ્ટ જીતી છે. ઓસ્ટ્રેલિયા સામે વેસ્ટ ઈન્ડિઝની પણ આવી જ હાલત હતી. 2003ની સિરીઝ બાદ તેઓ ઓસ્ટ્રેલિયા સામે એક પણ મેચ જીતી શક્યા ન હતા.
છેલ્લા ચાર વર્ષમાં ત્રણ ટી-20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝનો સફાયો કર્યો છે. તાજેતરના વર્ષોમાં ઘણી વખત પ્રશ્ન ઊભો થયો છે કે શું વેસ્ટ ઈન્ડિઝ ખરેખર એક ટીમ તરીકે પણ રમી રહ્યું છે? ટીમમાં એકતાનો અભાવ હોવાના અને વ્યક્તિગત રીતે કેટલાક સારૂ રમનારા ખેલાડીઓની ટીમ હોવાના આક્ષેપો ઘણીવાર થતા હતા.
વરિષ્ઠ પત્રકાર આનંદ વેંકટરામને વેસ્ટ ઈન્ડિઝ ટીમના પ્રદર્શનમાં સતત ઘટાડા પર બીબીસી સાથે વાત કરી હતી. તેઓ કહે છે, “વેસ્ટ ઈન્ડિઝની ટીમના પ્રદર્શનમાં ઘટાડો એક વર્ષમાં કે એક પ્રવાસમાં આવ્યો નથી. વેસ્ટ ઈન્ડિઝની ટીમ 1990ના દાયકાથી તેના ફોર્મ સાથે સંઘર્ષ કરી રહી છે. વિવ રિચાર્ડ્સ, ડેસમન્ડ હેન્સ, ગ્રીનિજ, માર્શલ અને ડુજોનને હટાવવાનું તેમના માટે સરળ ન હતું, તેઓ એક પછી એક નિવૃત્ત થયા.
તેમના મતે, “આ તમામ ખેલાડીઓ એકલા હાથે મેચને ટીમની તરફેણમાં ફેરવી શકે તેટલા સક્ષમ હતા. ચોક્કસપણે લારા અને એમ્બ્રોઝ વ્યક્તિગત પ્રતિભાની સમાન શ્રેણીના ખેલાડીઓ હતા.”
“એમ્બ્રોઝને વોલ્શનો સપોર્ટ હતો,જ્યારે લારાને ખુબ જ ઓછું સમર્થન હતું. 2000ના દાયકામાં વેસ્ટ ઈન્ડિઝને 2003 અને 2007ના વર્લ્ડ કપ સહિત મોટાભાગની વન-ડે ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
તેઓ કહે છે કે “ગેલ ખૂબ જ શક્તિશાળી બેટ્સમેન હતો. સરવન અને ચંદ્રપોલે પણ થોડું યોગદાન આપ્યું હતું. પરંતુ એક ટીમ તરીકે તે પૂરતું ન હતું. સૌથી વધુ નુકસાન બોલિંગ ક્ષેત્રે થયું કારણ કે તેઓ સારા ખેલાડીઓનો વિકલ્પ શોધી શક્યા નહીં.
તે ઉપરાંત તેઓ કહે છે કે “એથ્લેટિક્સ અને બાસ્કેટબોલે કેરેબિયન ટાપુઓમાં ઘણા યુવાનોને આકર્ષ્યા છે. ફૂટબોલ પણ ખૂબ જ લોકપ્રિય છે. આ સિવાય આર્થિક પાા સાથે જોડાયેલી પણ અનેક સમસ્યાઓ છે. ઘણીવાર ખેલાડીઓએ બોર્ડ સામે બળવો કર્યો હતો કે તેમને અન્ય ટીમોની જેમ પૂરતી ચૂકવણી કરવામાં આવતી નથી. આ સિવાય તેમની પાસે અન્ય દેશોના બોર્ડની જેમ ક્રિકેટમાં ખર્ચ કરવા માટે પૂરતા પૈસા નથી.
વેંકટરામન કહે છે, “વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે અન્ય દેશોની જેમ તેના યુવા ખેલાડીઓને વિકસાવવા અને પ્રોત્સાહન આપવાની જરૂર છે. ,
“ખૂબ ઓછા યુવાનો સારુ પ્રદર્શન કરી રહ્યા છે પરંતુ અમુક સિઝન પછી તેઓ આગળ વધી શકતા નથી. પરંતુ આ જ ખેલાડીઓ આઈપીએલ અને બિગ બેશ લીગ જેવી ક્લબમાં સારો દેખાવ કરી રહ્યા છે. આ સ્થિતિને તેના બોર્ડ, ખેલાડીઓ અને ભૂતપૂર્વ ખેલાડીઓએ સાથે મળીને બદલવી પડશે.
ઘણા વર્ષોથી વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમ તેની આક્રમકતા, પ્રતિભા અને સંયમ માટે જાણીતી હતી, પછી ભલે તે બેટ, બોલિંગ કે ફિલ્ડિંગ હોય.
દુનિયાના ખૂણે ખૂણે તેના ચાહકો હતા. જો ક્યારેય વેસ્ટ ઈન્ડિઝ તેના ફોર્મમાં પરત ફરે છે તો તે માત્ર તેના માટે જ નહીં પરંતુ ક્રિકેટ માટે પણ ઘણું સારું રહેશે.
આ પણ વાંચો-સીતારમણે બજેટની ઘોષણાઓના અમલીકરણની સમીક્ષા કરી, ઉચ્ચ અધિકારીઓએ બેઠકમાં આપી હાજરી