ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકી સાંસદ ઇલ્હાન ઉમરે ભારત દ્વારા કરવામાં આવી રહેલા માનવાધિકાર ઉલ્લંઘનની નિંદા કરવા માટે અમેરિકી સંસદમાં એક ઠરાવ રજૂ કર્યો છે. તેણે ભારતને ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરતો દેશ જાહેર કરવાની અપીલ કરી છે. ઇલ્હાને કહ્યું છે કે, ધાર્મિક અને સાંસ્કૃતિક લઘુમતીઓ વિરુદ્ધ માનવાધિકારના ઉલ્લંઘન માટે ભારત સરકારને જવાબદાર ઠેરવવી જોઈએ. ઇલ્હાનના પ્રસ્તાવને સાંસદો રશીદા તલેબ અને જુઆન વર્ગાસનું સમર્થન મળ્યું છે.
અમેરિકાએ ભારતને વિશેષ ચિંતાના દેશ તરીકે નિયુક્ત કરવું જોઈએ: ઇલ્હાન
ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે, તાજેતરના વર્ષોમાં ભારત સરકાર મુસ્લિમો, ખ્રિસ્તીઓ, શીખો અને દલિતો વિરુદ્ધ દમનકારી નીતિઓને પ્રોત્સાહન આપી રહી છે. રાજ્ય વિભાગ માટે ભારતની પરિસ્થિતિની વાસ્તવિકતાને સ્વીકારવાનો અને આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા અધિનિયમ હેઠળ ઔપચારિક રીતે ભારતને વિશેષ ચિંતાના દેશ તરીકે નિયુક્ત કરવાનો સમય આવી ગયો છે.
એપ્રિલમાં ભારતે ઇલ્હાનને નિશાન બનાવ્યું હતું
એપ્રિલ 2002માં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની મુલાકાત લેવા બદલ ભારત સરકાર દ્વારા ઇલ્હાનની ટીકા કરવામાં આવી હતી. વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા અરિંદમ બાગચીએ એપ્રિલ 2022માં કહ્યું હતું કે, આવા નેતા જે ઘરમાં સંકુચિત માનસિકતાની રાજનીતિ કરવા માંગે છે તો તે તેમનો મામલો છે, પરંતુ આપણી પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરવું એ અમારો મુદ્દો છે અને અમને લાગે છે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની તેમની મુલાકાત નિંદનીય છે.
કોણ છે ઇલ્હાન ઉમર?
ઇલ્હાન ડેમોક્રેટિક પાર્ટી તરફથી યુએસ કોંગ્રેસના પ્રતિનિધિ છે. સોમાલિયામાં જન્મેલા ઇલ્હાન સોમાલી ગૃહયુદ્ધમાંથી ભાગીને શરણાર્થી તરીકે 13 વર્ષની ઉંમરે અમેરિકા આવ્યા હતા. નવેમ્બર 2016માં તેમણે ચૂંટણી લડી અને યુ.એસ.માં પ્રથમ સોમાલી-અમેરિકન ધારાશાસ્ત્રી બન્યાં. હિજાબ પહેરનાર ઇલ્હાન યુએસ કોંગ્રેસની પ્રથમ મહિલા છે.
ઇલ્હાન વર્ષોથી ઘણા મુદ્દાઓ પર બોલે છે, જેમાં ચીનમાં ઉઇગુર મુસ્લિમો સાથેનો ક્રૂર વ્યવહાર, 2019માં શ્રીલંકામાં ઇસ્ટર બોમ્બ ધડાકાનો સમાવેશ થાય છે. ઇલ્હાન પેલેસ્ટાઇનમાં ઇઝરાયેલની ભૂમિકા સામે પ્રતિકૂળ રહે છે. પેલેસ્ટાઇન પર ઇલ્હાનના વલણ માટે તત્કાલિન યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઇલ્હાનની ટીકા કરવામાં આવી હતી.