ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસામાં અગરબત્તીના કારખાનામાં વહેલી સવારે વિકરાળ આગ ભભૂકી

પાલનપુર : ડીસામાં મંગળવાર ની વહેલી સવારે અહીંના લાઠી બજાર વિસ્તારમાં આવેલા એક અગરબત્તીના કારખાનામાં અચાનક જ આગ ભભુકી ઊઠી હતી. જેથી ડીસા સહિત આજુબાજુની નગરપાલિકાઓના પાંચ જેટલા ફાયર ફાઈટરને મદદ માટે ઘટના સ્થળે બોલાવવામાં આવ્યા હતા, અને આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. આગની ઘટનાના પગલે ડીસા પાલિકાનો સ્ટાફ તથા ડીસા શહેર દક્ષિણ પોલીસ મથક નો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો.

અગરબત્તીના મટીરીયલ ના કારણે વિકરાળ બનેલી આગને કાબુમાં લેવા પાંચ ફાયર ફાઈટર બોલાવાયા

ડીસા શહેરની મધ્યમાં લાટી બજાર વિસ્તાર આવેલો છે. જ્યાં કિર્તીભાઈ લાઠીવાળા ચેમ્બર્સમાં અગરબત્તી બનાવવાનું કારખાનું આવેલું છે. જેમાં વહેલી સવારે છ વાગ્યાના સમારે અગમ્ય કારણોસર એકાએક આગ ફાટી નીકળી હતી. જોત જોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. કેમ કે અગરબત્તી બનાવવા માટે વપરાતું કેમિકલ લાકડાનું ભૂસુ અને અન્ય સાધન સામગ્રીઓના કારણે આગ ઘણી જ ઝડપથી પ્રસરી હતી અને આગની જ્વાળાઓ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓ સાથે ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગતા આ વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.

પાંચ કલાક સુધી આગ બુઝાવવાની કાર્યવાહી ચાલી

આ અંગેની જાણ ડીસા નગરપાલિકાને કરાતા ફાયર વિભાગનો સ્ટાફ ફાયર ફાઇટર સાથે ઘટના સ્થળે પહોંચ્યો હતો. પરંતુ આગ કાબુમાં આવી ન હતી. જેથી પાલનપુર, થરાદ, ધાનેરા અને ચંડીસર થી પણ વધુ ફાયર-ફાઈટરોની મદદ માટે બોલાવવામાં આવ્યા હતા. જે પહોંચતા ચારે તરફથી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. વહેલી સવારે છ વાગ્યે લાગેલી આગ 11 વાગ્યા સુધીમાં થોડીક કાબૂમાં આવી હતી. આગને કાબુમાં લેવા અને પાણીનો મારો ચલાવવા અગરબત્તીના કારખાનાની એક દિવાલને પણ તોડવી પડી હતી. જેના માટે હથોડા અને જેસીબી મશીનની પણ મદદ લેવામાં આવી હતી. અગરબત્તીના કારખાનાની બાજુમાં એક તરફ પ્લાયવુડ ની દુકાન અને બીજી તરફ લાકડાની લાટી આવેલી હોવાથી આગ વધુ પ્રસરી જવાનું જોખમ હતું. જેથી ફાયર ફાઈટર દ્વારા આગને કાબુમાં લેવા માટે સતત પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. આગ લાગવાથી અગરબત્તીનું કારખાનું ધરાવતા માલિકને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. જોકે આગ કયા કારણોસર લાગી છે તે જાણી શકાયું નથી પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન થઈ રહ્યું છે. આ આગ લાગવાની ઘટનાના પગલે ડીસા પાલિકાનો સ્ટાફ તથા ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.

આ પણ વાંચો : દ્વારકાધીશ મંદિરના શિખરે 15 દિવસ સુધી 5 નહીં 6 ધજા ચડશે, જાણો કેમ લેવાયો આવો નિર્ણય?

Back to top button