અમદાવાદ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ‘માઇગ્રન્ટ પાક હિંદુ- ડોક્ટર્સ રજીસ્ટ્રેશન આભાર સમારોહ’માં ઉપસ્થિત રહ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુપૂર્ણિમાના અવસરે અમદાવાદના ટાગોર હોલમાં આયોજીત ‘માઇગ્રન્ટ પાક હિંદુ ડોક્ટર્સ રજીસ્ટ્રેશન આભાર સમારોહ’માં સૌને શુભેચ્છા પાઠવતા કહ્યું કે, આજનો દિવસ ગુરૂજનોને સમર્પિત હોય છે.ગુરુ એટલે એવી વ્યક્તિ જેમણે અંધકારમાંથી ઉજાસ તરફની યાત્રા કરાવી હોય છે. આજનો આ અવસર આપણા માટે એટલો જ મહત્વનો છે કેમ કે મેડિકલ -આરોગ્ય ક્ષેત્ર પણ એવું સેવાક્ષેત્ર છે જ્યાં દર્દીને દુઃખ-રોગના અંધકારમાંથી બહાર લાવીને ડોક્ટર સ્વાસ્થ્ય અને તંદુરસ્તીના ઉજાસભર્યા જીવન તરફ લઈ જાય છે.
માઇગ્રન્ટ પાક હિંદુ- ડોક્ટર્સ સૌ નોબલ પ્રોફેશન સાથે નોબલ કોઝથી ભારતમાં આવ્યા છે
આજે અહીં ઉપસ્થિત ડોક્ટર્સ તો એવા તબીબો છે જેમણે ખુદ પણ અંધકારથી ઉજાસ તરફની સફળ યાત્રા કરી છે અને હવે વડાપ્રધાન નરેન્દ્રમોદીના નેતૃત્વમાં ભારતમાં કાયમી વસવાટ અને આરોગ્ય સેવા કરવા માટે તૈયાર થયા છે.આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, ત્યારે પાકિસ્તાનથી આવેલા આ હિન્દુ ભાઈઓ- બહેનો ભારત અને એમાંય ખાસ કરીને ગુજરાતની જનતાની આરોગ્ય સેવા માટે સક્ષમ બની અહીં આવ્યા છે, આમ સૌ નોબલ પ્રોફેશન સાથે નોબલ કોઝથી ભારતમાં આવ્યા છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ તબીબો-ડોક્ટર્સને અભિનંદન આપ્યા
મુખ્યમંત્રીએ આ અવસરે તબીબો-ડોક્ટર્સને અભિનંદન આપતા કહ્યું કે, આ અવસર અંતર્ગત જેમના રજીસ્ટ્રેશન થયા છે એવા સૌ તબીબો-ડોક્ટર્સ તો ગુજરાતની આરોગ્ય સેવામાં યોગદાન આપવાના છે, જે આપણા સૌ માટે એક ગૌરવની વાત છે.
વડાપ્રધાન મોદીના કાર્યકાળમાં થયેલા આરોગ્ય ક્ષેત્રના વિકાસની વાત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં થયેલા આરોગ્ય ક્ષેત્રના વિકાસની વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, દેશના લોકોની આરોગ્ય સુરક્ષા માટે વડાપ્રધાનએ નવ વર્ષના સુશાસન દરમ્યાન સફળ પ્રયાસો કર્યા છે. દેશમાં ૨૦૧૪માં કુલ ૮ એઇમ્સ હતી જે વર્ષ ૨૦૨૩માં ૨૩ થઇ છે. મેડીકલ કોલેજો ૬૪૧ હતી જે વધીને વર્ષ ૨૦૨૩માં ૧,૩૪૧ થઇ છે. દેશમાં ૨૦૧૪માં મેડીકલ સીટ ૮૨ હજાર જેટલી હતી તે વધીને ૧ લાખ ૫૨ હજાર થઇ છે.
220 કરોડથી વધુ ડોઝ દેશના નાગરિકોને આપવામાં આવ્યા
કોરોનાકાળ દરમિયાન વડાપ્રધાનના માર્ગદર્શનમાં વિશ્વનું સૌથી મોટુ વેક્સિનેશન અભિયાન ચાલ્યું હતું. જેમાં,૨૨૦ કરોડથી વધુ ડોઝ દેશના નાગરિકોને આપવામાં આવ્યા છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
રામ મંદીરના દ્વાર આવતા વર્ષે ભક્તો માટે વિધિવત ખુલ્લા મુકવામાં આવશે
મુખ્યમંત્રી વધુમાં કહ્યું કે ભારતમાં વડાપ્રધાનએ ભારતીય ગૌરવ, સંસ્કૃતિના પુન:સ્થાપન અને સનાતન ધર્મની સેવાનું કાર્ય કર્યું છે. નરેન્દ્ર મોદીએ સૌ ભારતીયોના હૃદયસ્થ પ્રભુ રામની જન્મભૂમિ પર ભવ્ય રામ મંદીરના નિર્માણનો પ્રારંભ કરાવ્યો છે. એટલું જ નહીં અયોધ્યાના રામ મંદીરના દ્વાર આવતા વર્ષે ભાવિક ભક્તો માટે વિધિવત ખુલ્લા મુકવામાં આવશે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતુ.
માઈગ્રેટ પાર્ક- હિન્દુ ડોક્ટર્સ આભાર સમાંરોહ અંતર્ગત કુલ 132 ડોક્ટર્સએ એનએમસી એક્ઝામ પાસ કરી
અત્રે ઉલ્લેખનીય છે કે, માઈગ્રેટ પાર્ક- હિન્દુ ડોક્ટર્સ આભાર સમાંરોહ અંતર્ગત કુલ ૧૩૨ ડોક્ટર્સએ એનએમસી એક્ઝામ પાસ કરી છે અને રજીસ્ટ્રેશન કરાવ્યું છે. એટલું જ નહીં ગુજરાતમાં કુલ ૩૨ ડોક્ટર આરોગ્ય ક્ષેત્રમાં પોતાની સેવાઓ આપશે.
આ મહાનુંભવો પણ કાર્યક્રમમાં રહ્યા હાજર
આ અવસરે સાંસદ કિરીટભાઇ સોલંકી, વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહક દત્તાત્રેય હોસબોલેજી, ગુજરાત મેડીકલ કાઉન્સિલના પ્રેસિડેન્ટ , માઈગ્રેટ પાક-હિન્દુના સંયોજક રાજેશ મહેશ્વરી તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પણ વાંચો : તહેવાર નજીક આવતા ખાદ્યતેલના ભાવમાં ભડકો, જાણો ડબ્બાનો નવો ભાવ