ગુજરાતટોપ ન્યૂઝ

10 જુલાઈએ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક : રાજ્યસભા માટે ત્રણ ઉમેદવારોના નામ ફાઈનલ થશે

  • જયશંકર, એનાવડીયા અને લોખંડવાલાની ઓગસ્ટ મહિનામાં ટર્મ થશે પૂર્ણ
  • કેન્દ્રીય મંત્રી એસ.જયશંકર રીપીટ થવાની પુરી શક્યતા
  • અન્ય બે બેઠકો ઉપર વિજયભાઇ રૂપાણી, નીતિનભાઇ પટેલ સહિત અનેક નામ ચર્ચામાં

ગુજરાત રાજ્યની રાજ્યસભાની ત્રણ બેઠકોની મુદત આગામી ઓગસ્ટ મહિનામાં પૂર્ણ થાય છે. ગોવા ગુજરાત અને પશ્ચિમ બંગાળની રાજ્યસભાની બેઠકો માટેની ચૂંટણીની જાહેરાત પંચ દ્વારા કરી દેવામાં આવી છે. જેમાં ગુજરાતની ત્રણેય બેઠક ભાજપના ફાળે જશે. કેન્દ્રીય મંત્રી એસ.જયશંકર, દિનેશ એનાવાડીયા અને જુગલજી લોખંડવાલાની મુદત પૂર્ણ થઈ રહી છે આ ત્રણમાંથી વિદેશ મંત્રી એસ જયશંકરને રિપીટ કરવામાં આવશે બાકીના બે ઉમેદવારોની પસંદગી આગામી 10 મી જુલાઈના રોજ મળનારી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં કરવામાં આવશે.

બનાસકાંઠા અને મહેસાણાના ઉમેદવાર બદલશે

ગુજરાત વિધાનસભામાં શાસક પક્ષના 156 સભ્યોની સંખ્યાને ધ્યાનમાં લઈને ત્રણેય બેઠક ભાજપના ફાળે યથાવત રહેશે. ભાજપના ઓબીસી મોરચામાંથી સીધા સાંસદ તરીકે રાજ્યસભામાં પહોંચેલા દિનેશ એનાવાડીયા બનાસકાંઠા ડીસાના છે તેઓ કોંગ્રેસ રાષ્ટ્રીય નેતા અહેમદ પટેલના અવસાનથી ખાલી પડેલી રાજ્યસભાની બેઠક પર ભાજપના સાંસદ તરીકે ચૂંટાયા હતા. જ્યારે મહેસાણાના જુગલજી ઠાકોર(લોખંડવાલા) રાજ્યસભાના સાંસદ તરીકે ગુજરાતમાંથી ગયા છે. આ વખતે બંને ઉમેદવારોના સ્થાને નવા ચહેરાને તક મળે તેવી રાજકીય ચર્ચા ચાલી રહી છે.

વિધાનસભા ચૂંટણી અનેક નેતાઓએ ન લડવાની કરી હતી જાહેરાત

સૂત્રોની વાત માનીએ તો લગભગ આગામી 10 મી જુલાઈના રોજ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં આ અંગેના નામોની ચર્ચા થશે અને ગુજરાતમાં રાષ્ટ્રીય નેતૃત્વની ઉપસ્થિતિમાં ત્રણ ઉમેદવારો ફોર્મ ભરે તેવી શક્યતા છે.અહીં નોંધવું જરૂરી છે કે વિધાનસભા 2022 ની ચૂંટણીમાં ભાજપ નેતૃત્વની સૂચના બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ નેતાઓએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી આ પૈકીના રૂપાણીને હાલ પંજાબના પ્રભારી બનાવી દેવાયા છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યના પાંચેક લોકસભાની વિધિવત જવાબદારી આપવામાં આવી છે.

નીતિન પટેલને કેન્દ્રમાં લઈ જવાના આપાયા હતા સંકેત

આ બંનેમાંથી કોઈ એકની પસંદગી રાજ્યસભા માટે કરવામાં આવે તેવી શક્યતા જોવાય રહી છે એમાં ખાસ કરીને નિતીનભાઈ પટેલને રાષ્ટ્રીય સ્તરે મોટી જવાબદારી મળે તેવા સંકેત સી આર પાટીલે નીતિનભાઈ પટેલના જન્મદિવસે આપી દીધા હતા. આ ચૂંટણી માટેનું જાહેરનામું 6 જુલાઈએ બહાર પાડવામાં આવશે, નામાંકન માટેની છેલ્લી તારીખ 13 જુલાઈ અને ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 17 જુલાઈ રહેશે. 24 જુલાઈના રોજ મતદાન અને મતગણતરી થશે. ગુજરાતની તમામ બેઠકો બિનહરીફ થશે તે વાત નક્કી છે.

Back to top button