અમદાવાદગુજરાત

રેલવેના નિવૃત્ત કર્મચારીના ખાતામાં ભૂલથી અન્ય કર્મચારીના પીએફના પૈસા જમા થતાં 27 લાખ વાપરી નાંખ્યા

અમદાવાદઃ શહેરમાં છેતરપિંડીના અનેક પ્રકારના કેસ સામે આવી રહ્યાં છે. ત્યારે શહેરમાં રેલવેના નિવૃત્ત કર્મચારી સામે વિભાગના અધિકારીએ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રેલવે અધિકારીના પીએફના પૈસા શરતચૂકથી નિવૃત્ત અધિકારીના ખાતામાં જમા થતાં તેણે આ પૈસા વાપરી નાંખ્યા હતાં. તેમજ તેણે વિભાગને જાણ નહીં કરીને આ રૂપિયા પરત આપવાના વાયદા કરીને વિભાગ સાથે છેતરપિંડી કરી હોવાનો ગુનો નોંધવામાં આવ્યો છે.

નિવૃત્ત થયાં બાદ પણ પીએફના નાણાં ન મળતાં રેલ્વે ખાતાને  લેખિતમાં અરજી કરવા મજબુર થવુ પડ્યું

પ્રાપ્ત વિગતો પ્રમાણે રેલવે વિભાગમાં આસિસ્ટન્ટ ડિવિઝનલ ફાઈનાન્સ મેનેજર તરીકે ફરજ બજાવતા એલેક્સ લોરેન્સે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, મારી ઓફિસમાં અમદાવાદ ડીવીઝન રેલ્વેના તમામ કર્મચારીઓ તથા કોન્ટ્રાકટરોના હિસાબો અને નાણાકીય વ્યવહારોના કામકાજ થાય છે, જેમાં મારે કર્મચારીઓના પીએફને લગતું કામકાજ કરવાનું રહે છે, જેમાં પીએફના નાણા ચુકવવાના તથા રીટાયર્ડમેન્ટને લગતા લાભો ચુકવવાની કામગીરી અમારા વિભાગ દ્વારા કરવામાં આવે છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમારા રેલવે વિભાગના ડીઝલ શેડમાં ફીટર તરીકે નોકરી કરતાં હતાં જેઓ હવે નિવૃત્ત થઈ ચૂક્યા છે તે દેવવ્રત શરદચંદ્ર નાથ અમારી ઓફિસે આવ્યા હતાં અને અમારી ઓફિસમાં પીએફ સેક્શન ઓફિસરને મળ્યા હતાં. તેમણે કહ્યું હતું કે, મને મારા નિવૃત્ત થયાં બાદ પીએફના નાણાં મળ્યા નથી. તેમણે આ બાબતે લેખિતમાં અરજી આપીને ખાતાને જાણ કરી હતી.

રેલવેના નિવૃત્ત કર્મચારીના ખાતામાં ભૂલથી અન્ય કર્મચારીઓના પીએફના પૈસા જમા થતાં 27 લાખ વાપરી નાંખ્યા

છેતરપિંડી આચરતાં શહેરકોટડા પોલીસ સ્ટેશને ફરિયાદ: 

ખાતાને જાણ કર્યા બાદ કર્મચારીઓ તરફથી થયેલી શરતચૂકની ખબર પડી હતી કે, દેવવ્રત શરદચંદ્ર નાથને જે પીએફના પૈસા આપવાના હતાં તે ભૂલથી પ્રકાશચંદ્ર મીણા નામના કર્મચારીના એકાઉન્ટમાં જમા થઈ ગયા છે. ત્યાર બાદ પ્રકાશચંદ્ર મીણાને આ બાબતે લેખિતમાં જાણ કરવામાં આવી હતી. પરંતુ તેમણે કોઈ જવાબ આપ્યો નહોતો. ત્યાર બાદ તેમણે વિભાગના અધિકારીને નોટીસના જવાબમાં કહ્યું હતું કે, મારા ખાતામાં જે પૈસા આવ્યા છે તે મેં ખર્ચ કરી નાંખ્યાં છે અને હું તમને ધીમે ધીમે ચૂકવી દઈશ. પરંતુ તેમણે વિભાગ દ્વારા શરતચૂકથી અપાયેલા નાણાં 27 લાખ 5 હજાર 571 રૂપિયા આજ સુધી ચૂકવ્યા નથી અને વિભાગ સાથે છેતરપિંડી કરીને વિશ્વાસઘાત કર્યો છે. જેથી આ બાબતની શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: UCC પર સંસદીય સમિતિની બેઠક, વિપક્ષી સાંસદોએ આ પ્રશ્નો ઉઠાવ્યા

Back to top button