ટોપ ન્યૂઝનેશનલ

2002ના ગુજરાત રમખાણો મોદી સરકારનું ષડયંત્ર ન હતું : સુપ્રીમ કોર્ટ

Text To Speech

2002ના ગુજરાત રમખાણોના કેસમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિત 64 લોકોને વિશેષ તપાસ ટીમ (SIT) દ્વારા આપવામાં આવેલી ક્લીનચીટને પડકારતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. કોંગ્રેસ સાંસદ એહસાન જાફરીની પત્ની ઝાકિયા જાફરીની અરજીને ફગાવી દેતા કોર્ટે એ પણ સમજાવ્યું કે વહીવટીતંત્રની કોઈપણ ખામી અથવા યોગ્ય સમયે યોગ્ય પગલાં લેવામાં નિષ્ફળતાને ષડયંત્ર સાથે જોડી શકાય નહીં. કોર્ટે પોતાની વાત સમજાવવા માટે કોરોના મહામારીનું ઉદાહરણ પણ આપ્યું

.

જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ દિનેશ મહેશ્વરી અને જસ્ટિસ સીટી રવિકુમારની બેંચે અરજદાર તરફથી હાજર રહેલા એડવોકેટ કપિલ સિબ્બલની દલીલોને ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે રાજ્ય પ્રશાસનની નિષ્ફળતા અથવા નિષ્ક્રિયતા પર આધારિત ષડયંત્ર ન કહી શકાય. કોર્ટે વધુમાં કહ્યું હતું કે, રાજ્ય વહીવટીતંત્રના અમુક અધિકારીઓની નિષ્ફળતા અથવા નિષ્ક્રિયતા ગુનાહિત કાવતરાનું કારણ હોઈ શકે નહીં અથવા એવું ન કહી શકાય કે તે લઘુમતી સમુદાય વિરુદ્ધ રાજ્ય દ્વારા પ્રાયોજિત અપરાધ છે.કોર્ટે પોતાનો મુદ્દો સમજાવતા કહ્યું કે કટોકટીના સમયમાં રાજ્ય પ્રશાસનની નિષ્ફળતા કોઈ અનોખી વાત નથી. કોર્ટે કોરોના રોગચાળાનું ઉદાહરણ આપ્યું કે શ્રેષ્ઠ સુવિધાઓથી સજ્જ સરકારો નિષ્ફળ જતી દેખાઈ રહી છે. કોર્ટે પૂછ્યું કે, શું આને ગુનાહિત કાવતરું કહી શકાય?

મેજિસ્ટ્રેટના આદેશને માન્ય રાખ્યો
ખંડપીઠે કેસ બંધ કરવા માટે 2012 માં સબમિટ કરેલી SITના અહેવાલ સામેની અરજીને ફગાવી દેતા વિશેષ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટના આદેશને માન્ય રાખ્યો હતો. સર્વોચ્ચ અદાલતે ગુજરાત હાઈકોર્ટના આદેશને યથાવત રાખ્યો હતો અને જાફરીની અરજી મેન્ટેનેબલ ન હોવાનું જણાવ્યું હતું. ઝાકિયાએ 2002ના ગુજરાત રમખાણોમાં મોટું ષડયંત્ર હોવાનો આરોપ લગાવ્યો હતો.

ફાઈલ ફોટો

28 ફેબ્રુઆરી 2002ના રોજ અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં માર્યા ગયેલા 68 લોકોમાં કોંગ્રેસના નેતા અને સાંસદ એહસાન જાફરીનો પણ સમાવેશ થાય છે. એક દિવસ પહેલા જ ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના કોચમાં આગ લાગી હતી, જેમાં 59 લોકોના મોત થયા હતા. આ ઘટનાઓ બાદ જ ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. ઝાકિયા જાફરીએ આ કેસમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત 64 લોકોને SIT દ્વારા આપવામાં આવેલી ક્લીનચીટને પડકારી હતી. ઝાકિયાએ હાઇકોર્ટના 5 ઓક્ટોબર, 2017ના આદેશને પડકાર્યો હતો, જેમાં SITના રિપોર્ટ સામેની તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે 9 ડિસેમ્બરે અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

Back to top button