મનીષ સિસોદિયાને ન મળી રાહત; દિલ્હી હાઇકોર્ટે ફગાવી જામીન અરજી
નવી દિલ્હી: દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને સોમવારે (3 જુલાઈ) દિલ્હી હાઈકોર્ટમાંથી કોઈ રાહત મળી નથી. કોર્ટે એક્સાઇઝ પોલિસી કેસ સંબંધિત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) કેસમાં મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે આ જ કેસમાં આમ આદમી પાર્ટીના પૂર્વ મીડિયા ઈન્ચાર્જ વિજય નાયર, હૈદરાબાદ સ્થિત ઉદ્યોગસાહસિકો અભિષેક બોઈનાપલ્લી અને બિનય બાબુની જામીન અરજીઓ પણ ફગાવી દીધી છે.
આ તમામ ED દ્વારા દાખલ કરાયેલા મની લોન્ડરિંગ કેસમાં સહ-આરોપી છે. દિલ્હી હાઈકોર્ટમાં EDએ મનીષ સિસોદિયાને જામીન આપવાનો વિરોધ કર્યો હતો. EDએ કહ્યું હતું કે મનીષ સિસોદિયા પાસે 18થી વધુ મંત્રાલયો છે. તે ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિ છે. જો તેને જામીન આપવામાં આવે તો તે તપાસને પ્રભાવિત કરી શકે છે. મનીષ સિસોદિયાની સીબીઆઈ દ્વારા 26 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તે તિહાર જેલમાં બંધ છે.
સીબીઆઈના કેસમાં પણ જામીન મળ્યા નથી
દિલ્હી સરકારે 17 નવેમ્બર 2021ના રોજ નીતિનો અમલ કર્યો હતો, પરંતુ ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે સપ્ટેમ્બર 2022ના અંતમાં તેને પાછી ખેંચી લેવામાં આવી હતી. હાઈકોર્ટે સીબીઆઈ કેસમાં 30 મેના રોજ તેમને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. ED દ્વારા 9 માર્ચે તેની ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તે ન્યાયિક કસ્ટડીમાં છે. 2 જૂને કોર્ટે સિસોદિયાની જામીન અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.
મનીષ સિસોદિયાએ ક્યાં આધાર પર માંગ્યા હતા જામીન ?
મનીષ સિસોદિયાએ મલ્ટીપલ સ્ક્લેરોસિસથી પીડિત તેની પત્નીની બગડતી તબિયત સહિત વિવિધ આધારો પર જામીન માંગ્યા હતા. ભૂતકાળમાં તેને તેની બીમાર પત્નીને મળવા માટે થોડા કલાકો છૂટ આપવામાં આવી હતી.
આ પણ વાંચો- ‘અજિત પવાર દેશદ્રોહી છે…’, TMC નેતાએ કહ્યું- BJP પૈસા આપીને નેતાઓને ખરીદી રહી છે