અમદાવાદઃ શહેરમાં ફરીવાર ત્રણ તલાકનો મામલો સામે આવ્યો છે. શહેરમાં રહેતી મહિલાએ પતિ, સસરા અને દિયર સામે શારીરિક અને માનસિક ત્રાસ આપીને ત્રણ તલાક આપ્યા હોવાની ફરિયાદ વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. પોલીસે મહિલાની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
પતિ, દિયર અને સસરા ગંદી ગાળો બોલતા હતા
મળતી માહિતી મુજબ ફતેવાડીમાં રહેતી મહિલાના 2019માં સમાજના રીત રિવાજ મુજબ લગ્ન થયાં હતાં. લગ્ન બાદ તેને સંતાનમાં એક દીકરો છે. મહિલાનો પતિ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. મહિલાએ પોલીસ ફરિયાદમાં કહ્યું હતું કે, મારા લગ્ન બાદ હું મારી સાસરીમા મારા પતિ તથા સસરા, દિયરની સાથે રહેવા ગયેલ તો મારી સાસરીવાળાએ મને છ મહીના સુધી સારી રીતે રાખેલ ત્યારબાદ મારા પતિ મને ઘર ખર્ચના પૈસા આપતા નહીં જેથી હુ તેઓની પાસે ઘર ખર્ચના પૈસા માગુ તો મારા પતિ મારી ઉપર ગુસ્સે થઇ જતા અને મારી સાથે બોલાચાલી ઝગડો કરી મને ગંદી ગાળો બોલતા હતા.
ત્રણ તલાક આપીને ઘરમાંથી કાઢી મુકી:
મહિલાએ ફરિયાદમાં વધુમાં કહ્યું હતું કે, મારા પતિ મારી સાથે અવાર નવાર ઝગડો કરતા તે દરમ્યાન મારા સસરા તથા દિયર મારા પતિનો પક્ષ લઇ મારી સાથે ઝગડો કરતા અને ગંદી ગાળો બોલતા હતા. બે દિવસ પહેલાં મારે પિયરમા જવાનુ હોવાથી મેં મારા પતિ પાસે પૈસા માગતા મારા પતિ મારી ઉપર એકદમ ગુસ્સે થઇ ગયેલ અને મને ગંદી ગાળો બોલી શરીરે ગડદાપાટુનો માર મારીને તથા મારા દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી મને ત્રણ વાર તલાક,તલાક,તલાક કહી ત્રિપલ તલાક આપી ઘરમાંથી કાઢી મુકેલ જેથી હુ મારા દીકરા સાથે મારા મમ્મીના ઘરે જતી રહેલ અને ત્યારબાદ મારી મમ્મીને જાણ કરી હતી.
મહિલાએ પતિ, સસરા અને દિયર સામે ફરિયાદ કરી:
મહિલાએ ફરિયાદમાં કહ્યા પ્રમાણે તેના લગ્નના છ મહીના બાદથી પતિ તથા સસરા અને દિયર અવાર નવાર મારી સાથે નાની નાની વાતમા બોલાચાલી ઝગડો કરી મને ગંદી ગાળો બોલી શરીરે ગડદાપાટુનો માર મારી મને તથા મારા દીકરા ને જાનથી મારી નાખવાની ધમકી આપી શારીરીક તથા માનસિક ત્રાસ આપી મને ત્રણ વાર તલાક, તલાક, તલાક કહી ઘરમાંથી કાઢી મુકી હતી. મહિલાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કેનાલમાં માર્યો કૂદકો, શું છે કારણ?