ગાંધીનગરમાં ગાય આડે આવી જતા યુવાન મોતને ભેટ્યો, માતાએ મૃતક દીકરા સામે નોંધાવી ફરિયાદ
રસ્તે રખડતા પશુના કારણે અકસ્માત સર્જાયા બાદ મોત થયું હોય તેવો વધુ એક કિસ્સો ગાંધીનગરમાંથી સામે આવ્યો છે. જેમાં એસપી ઓફિસ પાસે રસ્તા પર અચાનક ગાય આવી જતા યુવકે બ્રેક મારતાં તેની એક્ટિવા સ્લિપ ખાઈ ગયું હતું અને નીચે પટકાતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અને સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. ત્યારે આ ઘટના બાદ યુવાનની માતાએ પોતાના મૃતક દિકરા સામે ફરિયાદ નોંધાવી હતી. અને અકસ્માત માટે તેના દીકરાને જ જવાબદાર ઠેરવ્યો હતો.
ગાય સાથે અથડાતા યુવાનનું મોત
મળતી માહિતી મુજબ ગાંધીનગરમાં એસપી કચેરી પાસે અચાનક ગાય સામે આવતા તેને બચવા માટે ટુવ્હીલર ચાલક 26 વર્ષીય નિહાલ શાહે એક્ટિવાને બ્રેક મારી હતી. બ્રેક મારતાની સાથે જ નિહાલે તેની એક્ટિવા પરથી કાબૂ ગુમાવી દીધો હતો . અને તે નીચે પટકાયું હતું. આ ઘટનામાં યુવાનને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે તેની માતા મંજુલાને પગમાં ફ્રેક્ચર થયું હતું . બંનેને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, યુવાનને માથા પર ગંભીર ઇજા વધારે હતી જેથી તેને અસારવાની સિવિલ હોસ્પિટલમાં રેફર કરાયો હતો અને બાદમાં શુક્રવારે ખાનગી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરાયો હતો. જ્યાં તેણે શનિવારે અંતિમ શ્વાસ લીધા હતા.
માતાએ મૃતક પુત્ર સામે નોંધાવી ફરિયાદ
યુવાનના મોત બાદ માતાએ સેક્ટર 21માં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.આ ઘટના માટે તેઓએ પોતાના દીકરાને જ જવાબદાર ઠેરવ્યો હતો અને તેના બેદરકારીભર્યા ડ્રાઈવિંગના કારણે ઘટના બની હોવાનું જણાવ્યું હતું. જેથી સેક્ટર 21 પોલીસે મૃતક સામે ગુનો નોંધ્યો હતો.
આ પણ વાંચો : બનાસકાંઠાના SP સામે ગેનીબેન ઠાકોરે કેમ ચડાવી બાંયો ? જેલભરો આંદોલનની આપી ચીમકી