- પટનામાં બે સ્થળો, દરભંગા, સુરત અને બરેલીમાં રેડ પાડવામાં આવી
- ગઝવા-એ-હિંદ મોડ્યુલના સંબંધમાં કાર્યવાહી કરવામાં આવી હતી
- દરોડામાં મોબાઈલ ફોન, મેમરી કાર્ડ, સિમ કાર્ડ અને દસ્તાવેજો જેવા ડિજિટલ ઉપકરણો જપ્ત
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ રવિવારે ત્રણ રાજ્યોમાં દરોડા પાડ્યા હતા. આ દરોડો ગઝવા-એ-હિંદ મોડ્યુલના સંબંધમાં થયો હતો. ગઝવા-એ-હિંદ મોડ્યુલ પાકિસ્તાનથી ઓપરેટ કરવામાં આવી રહ્યું હતું અને આ મોડ્યુલ સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયેલા છે, જેમાં ઘણા ભારતીયો પણ સામેલ છે. NIAએ પટનામાં બે સ્થળો, દરભંગા, સુરત અને બરેલીમાં એક જગ્યાએ દરોડા પાડ્યા હતા. દરોડામાં મોબાઈલ ફોન, મેમરી કાર્ડ, સિમ કાર્ડ અને દસ્તાવેજો જેવા ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા છે.
માસ્ટરમાઇન્ડ ગયા વર્ષે પકડાયો હતો
NIAએ ગયા વર્ષે આ કેસનો ખુલાસો કર્યો હતો. ગયા વર્ષે 14 જુલાઈના રોજ બિહાર પોલીસે મરગુબ અહેમદ દાનિશ ઉર્ફે તાહિર નામના વ્યક્તિની બિહારના ફુલવારી શરીફથી ધરપકડ કરી હતી. આઠ દિવસ બાદ NIAએ કેસની તપાસ હાથ ધરી હતી. NIAએ જાન્યુઆરીમાં દાનિશ વિરુદ્ધ IPC અને UAPA એક્ટની વિવિધ કલમો હેઠળ ચાર્જશીટ દાખલ કરી હતી.
વિદેશી યુવકોને તેમની સાથે જોડીને કટ્ટરપંથી બનાવાઈ છે
NIAએ કહ્યું કે આરોપી પાકિસ્તાન સ્થિત ગઝવા-એ-હિંદ મોડ્યુલનો સભ્ય છે. આ મોડ્યુલનો ઉદ્દેશ્ય યુવાનોને તેમની સાથે જોડીને કટ્ટરપંથી બનાવવાનો છે. તપાસમાં જાણવા મળ્યું કે દાનિશ વોટ્સએપ પર બનાવેલા ગઝવા-એ-હિંદ ગ્રુપનો એડમિન હતો અને તેનું પેજ પાકિસ્તાનથી બનાવવામાં આવ્યું હતું. આ જૂથમાં ભારતીય, પાકિસ્તાની, બાંગ્લાદેશી અને યમન મૂળના ઘણા લોકો સામેલ હતા. આ લોકો દેશમાં સ્લીપર સેલ બનાવવા માંગતા હતા જેથી કરીને આતંકી હુમલાને અંજામ આપી શકાય. આરોપીઓએ સોશિયલ મીડિયા પર બાંગ્લાદેશી ગઝવા-એ-હિંદ જેવા અન્ય ઘણા જૂથો પણ બનાવ્યા હતા અને તેમાં બાંગ્લાદેશના યુવાનોને જોડ્યા હતા.