ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અજિત પવારના બળવા મુદ્દે શરદ પવારે કરી પ્રેસ કોન્ફરન્સ, જાણો શું કહ્યુ?

રવિવારે(2 જુલાઈ) મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે હલચલ મચી ગઈ છે, જ્યાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના ધારાસભ્ય અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અજિત પવાર સરકારમાં જોડાયા હતા. તેમના ભત્રીજા અજીતના બળવાને NCP સુપ્રીમો શરદ પવાર માટે મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્રની રાજનીતિના ચાણક્ય કહેવાતા શરદ પવારે રવિવારે સાંજે આ સમગ્ર ઘટનાને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી અને NCP નેતાઓના આ બળવા માટે પીએમ મોદીને જવાબદાર ઠેરવ્યા. આ સાથે તેમણે દાવો કર્યો કે તેઓ જનતાની વચ્ચે જશે અને NCPને પુનર્જીવિત કરશે. આવી સ્થિતિમાં શરદ પવાર કાલે સવારે પુણેના મોદી બાગમાં કાર્યકરો સાથે શક્તિ પ્રદર્શન કરશે.

શરદ પવારે પીએમ મોદીનો માન્યો આભાર

NCP વડા શરદ પવારે તેમના ભત્રીજા અજિત પવારના બળવા બદલ પીએમ મોદીનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું, “પીએમ મોદીએ બે દિવસ પહેલા NCP વિશે કહ્યું હતું… તેમણે પોતાના નિવેદનમાં બે વાત કહી હતી કે NCP એક સમાપ્ત પાર્ટી છે. તેમણે સિંચાઈની ફરિયાદ અને ભ્રષ્ટાચારના આરોપોનો ઉલ્લેખ કર્યો. હું ખુશ છું કે મારા કેટલાક સાથીઓએ શપથ લીધા છે. આના પરથી (એનડીએ સરકારમાં જોડાવું) સ્પષ્ટ છે કે હવે NCPમાંથી NDAમાં જોડાવાથી બળખોરો તમામ આરોપોમાંથી મુક્ત થઈ ગયા છે. હું તેમનો આભારી છું.”

હું તમને ફરીથી પાર્ટી ઉભી કરીને બતાવીશ: શરદ પવારે

શરદ પવારે એમ પણ કહ્યું કે, “આ પહેલા પણ રાજકારણમાં ખૂબ જ મહત્વપૂર્ણ ઘટનાક્રમ બની ચૂક્યો છે. આગામી દિવસોમાં સત્ય બહાર આવશે. મારા માટે આ કોઈ નવી વાત નથી, આ પહેલા પણ કેટલાક સાથી અમારાથી અલગ થઈ ગયા હતા. પરંતુ જેઓ અગાઉ પાર્ટીથી અલગ થયા હતા તેઓ ચૂંટણી હાર્યા જ છે. આજનો દિવસ પૂરો થયો, હવે આગળ એક નવી શરૂઆત થવાની છે. હું તમને પાર્ટી ફરીથી ઉભી કરીને બતાવીશ. રાજ્યના યુવાનોને હજુ પણ મારામાં વિશ્વાસ છે, હું તેમની સાથે આગળ વધતો રહીશ.”

“બળવાખોર નેતાઓ સામે કોઈપણ કાર્યવાહી કરાશે”

NCP સુપ્રીમોએ કહ્યું, “અમે ફરીથી પાર્ટીને મજબૂત કરવા માટે કામ કરીશું. ધારાસભ્યો અને તમામ વરિષ્ઠ નેતાઓ એકસાથે બેસીને બળવાખોર નેતાઓ સામે કોઈપણ કાર્યવાહી અંગે નિર્ણય લેશે. પ્રમુખ હોવાને કારણે મેં પ્રફુલ પટેલ અને સુનિલ તટકરેની નિમણૂક કરી હતી, પરંતુ તેઓએ તેમની જવાબદારીઓ નિભાવી ન હતી. તેથી, મારે તેમની સામે કોઈ કાર્યવાહી કરવી પડશે.”

આ ગુગલી નથી, લૂંટ છે: શરદ પવાર

બીજી તરફ અજિત પવારના મહારાષ્ટ્રમાં એનડીએ સરકારમાં સામેલ થવા પર NCP પ્રમુખ શરદ પવારનું કહેવું છે કે આ કોઈ નાની વાત નથી. તેમણે કહ્યું, ‘આ ગુગલી નથી, લૂંટ છે.’

કેટલાકને EDની કાર્યવાહીનો પણ ડર હતો: શરદ પવાર

આ સાથે તેમણે કહ્યું કે, “હું ક્યારેય નહીં કહું કે મારા ઘરના ભાગલા પડ્યા છે, આ મુદ્દો મારા ઘરનો નથી, આ જનતાનો મુદ્દો છે. મને તેમના ભવિષ્યની ચિંતા છે જેઓ મને છોડીને ગયા છે. હું આનો શ્રેય પીએમ મોદીને આપવા માંગુ છું. બે દિવસ પહેલા તેમણે નિવેદન આપ્યું હતું અને તે નિવેદન બાદ કેટલાક લોકો અસ્વસ્થતા અનુભવવા લાગ્યા હતા, તેમાંથી કેટલાકને EDની કાર્યવાહીનો પણ ડર હતો.”

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બન્યા અજિત પવાર

જણાવી દઈએ કે અજિત પવારે રાજભવનમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આ દરમિયાન, તેમણે દાવો કર્યો હતો કે 35 થી વધુ ધારાસભ્યો તેમની સાથે હતા, જેમાંથી છગન ભુજબલ સહિત 8 વરિષ્ઠ NCP નેતાઓએ પણ શિંદે સરકારમાં મંત્રી તરીકે શપથ લીધા હતા. આ સાથે અજિત પવારે સમગ્ર NCP પર દાવો કર્યો અને કહ્યું કે પાર્ટીના તમામ ધારાસભ્યો તેમની સાથે છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલ : અજિત પવારે શપથ સાથે NDAમાં જોડાણ કર્યું

Back to top button