સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન અને એલપીજી ગેસની ઈમ્પોર્ટ ડ્યુટીમાં 12.50 ટકાનો વધારો
- અગાઉ 2.50 ટકા ડ્યુટી લેવામાં આવતી હતી
- વધારા બાદ હવે 15 ટકા ડ્યુટી આપવી પડશે
- ગેસના ભાવમાં આશરે રૂ.5 સુધીનો વધારો નોંધાયો
મોરબીના સિરામિક ઉદ્યોગમાં નેચરલ ગેસ ઉપરાંત પ્રોપેન અને એલપીજી ગેસ પ્રોડકશન માટે ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારે સરકારે હાલમાં પ્રોપેન અને એલપીજી ગેસ ઈમ્પોર્ટ ડ્યુટી એકી સાથે સાડા બાર ટકા વધારી દીધી છે જેથી કરીને પ્રોપેન ગેસ અને એલપીજી ગેસના ભાવ ઘટે તેવી શક્યતા હતી જો કે, હાલમાં તે ભાવ ઘટ્યા નથી જેથી કરીને હાલમાં પ્રોપેન અને એલપીજી ગેસના ભાવ તેમજ નેચરલ ગેસના ભાવ એક સરખા જેવા થઈ ગયેલ છે.
સરકારે ડ્યુટીમાં કર્યો વધારો
કેન્દ્ર સરકાર દ્વારા 1 જુલાઈથી પ્રોપેન ગેસ અને એલપીજી ગેસમાં ઈમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કર્યો છે અને પહેલા જે ઈમ્પોર્ટ ડ્યુટી 2.50 ટકા હતી તેમાં 12.50 ટકાનો વધારો કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં 15 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી થઈ ગયેલ છે જેથી કરીને સિરામિક ઉદ્યોગકારો હાલમાં મુઝવણમાં મુકાઇ ગયા છે કેમ કે, જુલાઇ મહિનાથી પ્રોપેન અને એલપીજી ગેસના ભાવોમાં ઘટાડો થશે તેવી શક્યતા હતી જો કે, ભાવમાં ઘટાડો થવાની આશા ઉપર પાણી ફરી વળ્યું છે કેમ કે, ઈમ્પોર્ટ ડ્યુટી વધવાના લીધે હાલમાં પ્રોપેન અને એલપીજી ગેસના અને નેચરલ ગેસના ભાવમાં વધુ તફાવત રહ્યો નથી.
ડ્યુટી વધતા રૂ.5 જેટલો વધારો થયો
જો કે, આજની તારીખે મોરબીમાં પ્રોપેન અને એલપીજી ગેસનો 28 લાખ કયુબિક મીટરથી વધુ જુદાજુદા કારખાનામાં વપરાશ થાય છે અને 43 થી 45 લાખ કયુબિક મીટર નેચરલ ગેસનો ઉપયોગ કરીને સિરામિક પ્રોડક્ટ બનાવવામાં આવી રહી છે હાલમાં સિરામિક એસો.ના પ્રમુખે માહિતી આપતા જણાવ્યુ હતું કે, ગેસના અગાઉ 44.50 રૂપિયા હતા તેમાં ઈમ્પોર્ટ ડ્યુટી વધવાના લીધે પાંચ રૂપિયા જેટલો વધારો થયો છે અને હાલમાં મોરબીના ઉદ્યોગકારોને તે ગેસ 49.50 ના ભાવથી મળશે આ પરિસ્થિતિમાં મોરબીના ઉદ્યોગકારોને બજારમાં ટકી રહેવું મુશ્કેલ બની ગયું છે.