ટોપ ન્યૂઝનેશનલવર્લ્ડ

India-Myanmar-Thailand Trilateral Highway : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું રસ્તાનું 70% કામ પૂર્ણ થઈ ગયું

Text To Speech
  • 1400 કિમીનો હાઈવે ત્રણ દેશોને રોડ માર્ગે જોડશે
  • ત્રણેય દેશો વચ્ચે વેપાર, આરોગ્ય, શિક્ષણ અને પ્રવાસન સંબંધોને વેગ આપશે
  • વર્ષ 2019માં પૂર્ણ થવાનો હતો સમગ્ર રસ્તો

ભારતે રોડ રસ્તાઓની બાબતોમાં એક તરફ ચીનને પણ પાછળ છોડી દીધો છે. ત્યારે હવે રોડ માર્ગે અન્ય દેશોમાં જવાનું પણ આગામી સમયમાં શક્ય બનવાનું છે. આજે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે મહત્વાકાંક્ષી ભારત-મ્યાનમાર-થાઈલેન્ડ ત્રિપક્ષીય હાઈવે પર લગભગ 70 ટકા બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. ભારત, થાઈલેન્ડ અને મ્યાનમાર લગભગ 1400 કિલોમીટરના હાઈવે બનાવવાની પ્રક્રિયામાં છે.

1400 કિમી હાઇવે ત્રણ દેશોને જોડશે

ઉલ્લેખનીય છે કે, ભારત-થાઇલેન્ડ-મ્યાનમાર હાઇવે દેશને જમીન દ્વારા દક્ષિણ-પૂર્વ એશિયા સાથે જોડશે અને ત્રણેય દેશો વચ્ચે વેપાર, આરોગ્ય, શિક્ષણ અને પ્રવાસન સંબંધોને વેગ આપશે. આ હાઈવે ભારતના મણિપુરના મોરેહને મ્યાનમાર થઈને થાઈલેન્ડના મે સોટ સાથે જોડશે. જેના પગલે હવે રોડ માર્ગે પણ અન્ય દેશોમાં જવાનું ભારતીયોનું સ્વપ્ન આગામી દિવસોમાં પૂર્ણ બનવાનું છે.

રસ્તાઓનું 70 ટકા બાંધકામ પૂર્ણ

પ્રોજેક્ટની પ્રગતિ અંગેના પ્રશ્નના જવાબમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, પ્રોજેક્ટ પર લગભગ 70 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. જો કે, મંત્રીએ ત્રિપક્ષીય હાઇવેને પૂર્ણ કરવા અને કાર્યરત કરવા માટેની સમયરેખા વિશે વિગતો આપી ન હતી. વ્યૂહાત્મક હાઇવે પ્રોજેક્ટમાં વિલંબ થયો છે. અગાઉ સરકારનું લક્ષ્ય ડિસેમ્બર 2019 સુધીમાં હાઇવેને કાર્યરત કરવાનું હતું.

શું હશે આ રસ્તાનો રુટ ?

આ ત્રિ-દેશી હાઇવે કોલકાતાથી શરૂ થશે અને ઉત્તરમાં સિલિગુડી જશે. અહીંથી તે શ્રીરામપુર બોર્ડર થઈને કૂચબિહાર થઈને આસામમાં પ્રવેશ કરશે. ત્યારબાદ તે દીમાપુરથી નાગાલેન્ડમાં પ્રવેશ કરશે અને મણિપુરમાં ઇમ્ફાલ નજીક મોરેહથી મ્યાનમારમાં પ્રવેશ કરશે. તે છેલ્લે મ્યાનમારના મંડલે, નાયપિદાવ, બાગો, યાંગોન અને મ્યાવાડ્ડી શહેરો થઈને મે સોટ થઈને થાઈલેન્ડમાં પ્રવેશ કરશે.

Back to top button