તિસ્તા સેતલવાડને ‘સુપ્રીમ’ રાહત, ગુજરાત હાઇકોર્ટના તાત્કાલિક સરેન્ડર થવાના હુકમ પર SCનો સ્ટે
HD ન્યુઝ ડેસ્કઃ સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડને ધરપકડથી બચાવતા, સુપ્રીમ કોર્ટે શનિવારે રાત્રે ગુજરાત હાઈકોર્ટના આદેશ પર એક સપ્તાહ માટે સ્ટે મૂક્યો હતો, તિસ્તાની જામીન અરજી ફગાવતા ગુજરાત હાઈકોર્ટે કહ્યુ હતુ કે, 2002 પછીના ગોધરા રમખાણોના કેસોમાં પુરાવાના કથિત બનાવટના કેસમાં તેને તાત્કાલિક આત્મસમર્પણ કરવુ જોઈએ.
વચગાળાની રાહતઃ મોડી રાતની ખાસ સુનાવણીમાં, જસ્ટિસ બીઆર ગવઈ, એએસ બોપન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે સેતલવાડને હાઈકોર્ટના આદેશ સામે અપીલ કરવા માટે સમય ન આપવા અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો, અને કહ્યું હતું કે સામાન્ય ગુનેગાર પણ અમુક પ્રકારની વચગાળાની રાહત મેળવવા માટે હકદાર છે . સેતલવાડને વચગાળાનું રક્ષણ આપવા અંગે બે જજની વેકેશન બેન્ચે મતભેદ કર્યા બાદ બેન્ચે વિશેષ બેઠકમાં આ બાબતની સુનાવણી કરી હતી. .
ષડયંત્રનો કેસ નોંધ્યો હતો: ન્યાયાધીશ અભય એસ ઓકા અને પ્રશાંત કુમાર મિશ્રાની બે જજની બેન્ચે અગાઉ સાંજે જણાવ્યું હતું કે, “રજિસ્ટ્રાર (ન્યાયિક)ને આ આદેશ તરત જ CJI સમક્ષ મૂકવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.” ગુજરાત હાઈકોર્ટે તેની નિયમિત જામીન અરજી ફગાવી દીધા બાદ સેતલવાડે રાહત માટે સર્વોચ્ચ અદાલતનો સંપર્ક કર્યો હતો. જસ્ટિસ નિઝર દેસાઈએ તેને તાત્કાલિક આત્મસમર્પણ કરવાનો નિર્દેશ આપ્યો હતો. સેતલવાડે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સર્વોચ્ચ અદાલતમાંથી વચગાળાના જામીન મેળવ્યા હતા. ગુજરાત રમખાણોના કેસમાં, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તિસ્તા સેતલવાડ, ભૂતપૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ અને ડીજીપી આરબી શ્રીકુમાર વિરુદ્ધ બનાવટી દસ્તાવેજો માટે ષડયંત્રનો કેસ નોંધ્યો હતો. સંજીવ ભટ્ટ પહેલેથી જ જેલમાં હતા, જ્યારે તિસ્તા અને શ્રીકુમારની ગયા વર્ષે એકસાથે ધરપકડ કરવામાં આવી હતી.
શું હતું ગોધરાકાંડઃ 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગુજરાતના ગોધરા સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના S-6 ડબ્બામાં આગ લગાવાઈ હતી. આગમાં 59 લોકોના મોત થયા હતા. આ તમામ કાર સેવક હતા, જેઓ અયોધ્યાથી પરત ફરી રહ્યા હતા. ગોધરાની ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. આ રમખાણોમાં 1,044 લોકો માર્યા ગયા હતા. તે સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા.
આ પણ વાંચોઃ આવી રહી છે ગોધરાકાંડ પરની ફિલ્મ, ટીઝર થયું રીલીઝ