રાજ્યમાં જળબંબાકાર, આજે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી
HD ન્યુઝ ડેસ્કઃ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદ પડી રહ્યો છે. વિસાવદર જેવા વિસ્તારોમાં એક સાથે 22 ઈંચ વરસાદ પડતા જાણે આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. રાજ્યભરમાં આજે વરસાદની આગાહીને પગલે અમદાવાદ સહિત ગુજરાતભરના તમામ જિલ્લા-તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. મહત્વનું છે કે ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મોન્સૂન ટ્રફ અને સર્ક્યુલર સિસ્ટમ એમ બે-બે સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતભરમાં મેઘમહેર જોવા મળી રહી છે.
5 દિવસ દરિયો ન ખેડવા સૂચનાઃ ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈ માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આજે પણ મેઘરાજા ગુજરાતને ધમરોળી રહ્યા છે. ચોમાસાના 15 દિવસમાં જ ગુજરાતમાં અત્યારસુધીમાં પડવો જોઈએ એના કરતાં 107 ટકા વધુ વરસાદ પડી ગયો છે. વિસાવદરમાં બારે મેઘ ખાંગા થયા હોય એમ 22 ઈંચ વરસાદ ખાબક્યો છે, આથી રસ્તાઓ અને ખેતરો પાણી પાણી થઈ ગયાં છે.
અનેક વિસ્તારોમાં પાણી ભરાયાઃ રાજ્યમાં ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, જૂનાગઢ, દમણ, દાદરાનગર હવેલી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તથા ભરૂચ, સુરત, તાપી, ગીર સોમનાથ, ભાવનગર અને દીવમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. જેને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ ઉપરાંત કેટલીક જગ્યાએ નુકસાનીના પણ સમાચાર છે. આવી સ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત જામનગર શહેરના ગાંધીનગર વિસ્તારના વોર્ડ નં 2 ખાતે ખોડિયાર હોલ તથા આસપાસના વિસ્તારની મુલાકાત લઈ સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
આ પણ વાંચોઃ રાજ્યમાં પાંચ જૂલાઇ સુધી વરસાદી માહોલ રહેશે; જિલ્લાવાર જાણો ક્યાં ક્યાં રહેશે વરસાદ