કેન્દ્ર સરકારે GSTથી કરી અધધધ કમાણી, જાણો કેટલી થઈ આવક?
મોદી સરકાર જ્યારે નવો-નવો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) દેશમાં લાવી ત્યારે ક્યાંક વિરોધ તો ક્યાંક સમર્થન જોવા મળ્યું હતું. સરકારને GST મુદ્દે લોકોના ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)લાગુ થયાને 6 વર્ષ પૂરાં થઈ ગયા છે. આ 6 વર્ષોમાં GST સિસ્ટમ ફક્ત સ્થિર જ થઈ નથી પણ સરકારી ખજાનાને તેનાથી ભરપૂર કમાણી પણ થઈ રહી છે. જૂન મહિનામાં ફરી એકવાર GSTથી જબરદસ્ત કમાણી થઈ છે.
નાણા મંત્રાલયે આજે ગત મહિનાના GSTના આંકડા જાહેર કર્યા હતા. તે અનુસાર GSTથી સરકારને કુલ 1.61 લાખ કરોડ રૂપિયાની આવક થઈ જે વર્ષ પહેલાની તુલનાએ 12% વધુ છે. અગાઉ મે મહિના દરમિયાન પણ GST કલેક્શનમાં 12%ની વૃદ્ધિ નોંધાઈ હતી. અગાઉ મે મહિના દરમિયાન GSTથી સરકારને 1.57 લાખ કરોડ રૂપિયાની મહેસૂલી આવક થઈ હતી. સરકારી ખજાનાને મે 2023 દરમિયાન થયેલી કમાણી વર્ષ પહેલા એટલે કે મે 2022ની તુલનાએ 12% વધુ હતી. જોકે એપ્રિલ મહિનામાં GST કલેક્શને અત્યાર સુધીનો સૌથી શાનદાર રેકોર્ડ સર્જ્યો હતો. એપ્રિલ મહિનામાં સરકારને GSTથી 1.87 લાખ કરોડ રૂ.ની કમાણી થઈ હતી.
જૂન મહિનાના આંકડા પર નજર કરીએ તો તેમાં સેન્ટ્રલ GST (CGST)થી કુલ 31,013 કરોડ રૂપિયા, સ્ટેટ GST (SGST)થી 38,292 કરોડ રૂપિયા અને ઈન્ટીગ્રેટેડ GST(IGST) થી 80,292 કરોડ રૂપિયાની આવક થઈ હતી. તેમાં વસ્તુઓની આયાત પર વસૂલાયેલા 39,095 કરોડ રૂપિયા પણ સામેલ છે. આ ઉપરાંત સેસથી સરકારને 11,900 કરોડ રૂપિયાની આવક થઈ. ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, 2017માં GST લાગુ થયા પછી, છ વર્ષમાં આ ચોથી વખત છે જ્યારે GST કલેક્શન 1.60 લાખ કરોડના આંકડાને પાર કરી ગયું છે.
આ પણ વાંચો: કોની પડશે વિકેટ, કોને મળશે એન્ટ્રી; વાંચો મોદી કેબિનેટમાં ફેરબદલની સંભવિત તસવીર