બનાસકાંઠા: પાલનપુર-આબુ હાઇવે પર રાજસ્થાન જતી ટ્રક પલટી ગઈ
પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના વહીવટી મથક પાલનપુરમાં હાલમાં વરસાદને લઈને લોકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. પાલનપુર-અમદાવાદ હાઈવે ઉપર સુર મંદિર થિયેટર નજીક પુલ ની કામગીરી ચાલી રહી છે. ત્યારે આ માર્ગ ઉપર શુક્રવારની રાત્રે પડેલા વરસાદના કારણે ગોઠણસમા પાણી ભરાયા હતા. આ પાણી ભરાવાના કારણે વાહનોની લાંબી કતાર લાગી ગઈ છે.
સૂર મંદિર થિયેટર પાસે ખરાબ માર્ગ ના કારણે ટ્રક ખાડામાં ખાબકી હતી
આ દરમિયાન સૌરાષ્ટ્ર તરફથી રાજસ્થાન જઈ રહેલી એક ટ્રક ખાડામાં ખાબકી હતી. જેને લઈને અફરા તફરી મચી ગઈ હતી. આ માર્ગ પર સાધારણ વરસાદમાં પણ ગોઠણસમા પાણી ભરાઈ જાય છે. જેને લઇને વાહન ચાલકોને ભારે હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે આ વિસ્તારમાં આવેલી 15 થી વધુ સોસાયટીના રહીશોને પણ શહેરમાં આવવા – જવા માટે આ માર્ગ ઉપરથી પસાર થવું પડતું હોય છે. જેથી આ વિસ્તારના રહીશોને પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હાઇવે ઉપર પાણીના નિકાલ માટેનું નાળું પણ ચોકપ થયેલું છે. જ્યારે વરસાદી પાણી ભરાતા અનેક વાહન ચાલકોના વાહનો પાણીમાં ફસાઈ ગયા હતા. જેને ખેંચીને બહાર કાઢવા પડ્યા હતા.
View this post on Instagram
કિલોમીટર સુધી વાહનોની કતાર
પાલનપુર-આબુ રોડ હાઇવે ઉપર એટલા બધા વાહનો ભેગા થઈ ગયા છે કે, કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગી ગઈ છે. જેમાં કલાકો સુધી વાહન ચાલકો આ ટ્રાફિકમાં ફસાઈ ગયા છે. એક બાજુ બ્રિજનું કામ ચાલુ છે. બીજી બાજુ વરસાદી પાણી ભરાયાં છે. ત્યારે ટ્રાફિકમાં ફસાયેલો વાહન ચાલક પરત પણ જઈ શકતો નથી. જેને લઈને વાહનચાલકોની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે.
આ પણ વાંચો :ક્લાઈમેટ ચેન્જની નકારાત્મક અસર; ભારત, પાકિસ્તાન અને નેપાળમાં ઘરેલુ હિંસા વધી