Buldhana Accident: પહેલા બસનું ટાયર ફાટ્યું પછી બસ પલટી અને લાગી આગ, 25 લોકોના થયા કમકમાટી ભર્યા મોત


HD ન્યુઝ ડેસ્કઃ મહારાષ્ટ્રના બુલઢાણામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 25 લોકોના મોત થયા છે. શુક્રવાર-શનિવારની રાત્રે સર્જાયેલા અકસ્માતમાં આઠ લોકોનો આબાદ બચાવ થયો હતો.આ અકસ્માત બુલઢાણા જિલ્લાના દુસરબીડ અને સિંદખેડ રાજા વચ્ચે પિંપલખુટા શિવાર ખાતે સમૃદ્ધિ હાઈવે પર થયો હતો. દુર્ઘટનામાં બચી ગયેલા વ્યક્તિના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના મધરાતે લગભગ 1:26 વાગ્યે બની હતી. પોલીસ અને સ્થળ પર હાજર લોકોના જણાવ્યા અનુસાર, નાગપુરથી ઔરંગાબાદ રૂટ પર, બસ પહેલા જમણી બાજુના લોખંડના પોલ સાથે અથડાઈ અને પછી બે લેન વચ્ચેના કોંક્રિટ ડિવાઈડર સાથે અથડાઈને બેકાબૂ થઈ ગઈ અને પલટી ગઈ હતી.
બસમાં આગ લાગીઃ બસ પલટી જતા જ તે ડાબી બાજુએ પલટી ગઈ, જેના કારણે બસનો દરવાજો નીચે દબાઈ ગયો. જેના કારણે લોકો માટે બહાર નીકળવાનો કોઈ રસ્તો બચ્યો નથી. અકસ્માત બાદ બસનું ઘણું ડીઝલ રોડ પર ફેલાઈ ગયું છે, જેથી ડીઝલની ટાંકી ફાટી અથવા ડીઝલ ટાંકીમાંથી એન્જિન સુધી સપ્લાયની પાઇપ ફાટી અને બસમાં આગ લાગી હોવાની આશંકા છે.
બસમાં 33 મુસાફરો હતાઃ જે લોકો બચી ગયા તેમના જણાવ્યા મુજબ, ફક્ત તે જ લોકો બચ્યા જેઓ હાથ વડે બારીના કાચ તોડીને બહાર નીકળવામાં સફળ રહ્યા. બસમાં 33 મુસાફરો હતા, પોલીસે 25 મૃતદેહ બહાર કાઢ્યા છે. ત્યાં 8 લોકો બચી ગયા. જે મૃતદેહોને બસમાંથી બહાર કાઢવામાં આવ્યા છે તે બળી ગયા છે. જેના કારણે મૃતકોની ઓળખ કરવી મુશ્કેલ છે. હવે DNA મારફતે મૃતદેહોની ઓળખ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ સુરતમાં તાપી નદી કિનારેથી બે મૃતદેહ મળતા સ્થાનિકોમાં ફફડાટ