બનાસકાંઠા: જિલ્લાના વાહનચાલકો આનંદો, ચાર જગ્યાએ આરટીઓ કચેરી કેમ્પ લગાવાશે
પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓ અંગે ડીસાના ધારાસભ્યએ કરેલી રજૂઆતને સફળતા મળી છે, અને હવે બનાસકાંઠા જિલ્લા આરટીઓ કચેરી દ્વારા જિલ્લામાં અલગ – અલગ ચાર તાલુકા કક્ષાએ મહિનામાં એક વાર કૅમ્પ યોજવાનો નિર્ણય કરતા હજારો વાહન ચાલકોને ઈંધણ અને સમયનો બચાવ થશે.
ડીસાના ધારાસભ્યએ રજૂઆત કરી હતી
વિસ્તારની દ્રષ્ટિએ બનાસકાંઠા જિલ્લો ખૂબ જ મોટો છે અને જીલ્લાની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી પાલનપુર ખાતે આવેલી છે. જેથી સુઈગામ, વાવ, ભાભર સહિત છેવાડે અંદાજીત 150 કિલોમીટરથી પણ વધુ દૂરના વિસ્તારોમાં રહેતા લોકોને પણ લાઇસન્સ સહિતની કામગીરી માટે પાલનપુર અનેક ધક્કાઓ ખાવા પડતા હતા. જેથી વાહન ચાલકોને ઇંધણની સાથે સાથે સમયનો પણ ખૂબ જ વેડફાટ થઈ રહ્યો હતો. જે બાબત ડીસાના ધારાસભ્ય પ્રવિણ માળીને ધ્યાને આવતા તેઓએ તરત જ આ મામલે જિલ્લા કલેક્ટર સહિત સરકારમાં પણ લેખિત રજૂઆત કરી હતી.
હજારો વાહનચાલકોને સમયની સાથે લાખોનું ઇંધણ બચશે
ધારાસભ્યની રજૂઆતને પગલે જિલ્લા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી પાલનપુર દ્વારા નોંધ લઈ હવેથી જિલ્લામાં અલગ અલગ 4 તાલુકા કક્ષાએ કેમ્પ યોજવાનું આયોજન કર્યું છે. એટલે હવે દર ગુરુવારે અલગ અલગ તાલુકા કક્ષાએ આરટીઓ કચેરી દ્વારા કેમ્પ યોજાશે. જેમાં પ્રથમ ગુરુવારે ડીસા, બીજા ગુરુવારે દિયોદર-ભાભર, ત્રીજા ગુરુવારે થરાદ અને ચોથા ગુરુવારે ધાનેરામાં આરટીઓ કચેરી દ્વારા કેમ્પ લગાવવામાં આવશે. જેથી જે તે તાલુકા અને વિસ્તારના લોકોની કામગીરી સ્થાનિક કક્ષાએથી થઈ શકે. સરકારના આ નિર્ણયથી બનાસકાંઠા જિલ્લાના હજારો વાહન ચાલકોનો લાખ્ખો રૂપિયાનું ઇંધણ અને સમયનો પણ ખૂબ જ બચાવ થશે.
આ પણ વાંચો :બનાસકાંઠા: “રામ કથાની પ્રબળ પ્રેરણા” કથા-સત્સંગનો મોડાસામાં શુભારંભ