થરામાંથી રૂ.5.52 લાખ લઇ ફરાર થયેલ ગઠીયાને પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યા
પાલનપુર: કાંકરેજના થરા ખાતે આવેલ એસબીઆઇ બેન્કમાંથી એક ખેડૂતની નજર ચૂકવી 5.52 લાખ રૂપિયાની થેલી લઈ અજાણ્યો ગઠિયો નજર ચૂકવી ફરાર થઈ ગયો હતો. જેથી ખેડૂતે થરા પોલીસને જાણ કરતા પોલીસે સીસીટીવી ફુટેજના આધારે ગઠીયાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. જે બાદ પોલીસે ગણતરીના દિવસોમાં જ ત્રણ આરોપીને ઝડપી પાડી રૂપિયા 4 લાખ 81 હજાર કબજે કર્યા હતા.
થરામાં એસબીઆઇ બેન્કમાંથી ખેડૂતની નજર ચૂકવી ગઠિયો રૂપિયા લઈ ફરાર થયો હતો
ખેડૂતની ફરિયાદના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના થરા વિસ્તારમાં નેકોઈ ગામના વાલજી ઠાકોર નામના ખેડૂત બે દિવસ અગાઉ કાંકરેજના થરા ખાતે આવેલ એસબીઆઇ બેન્કમાં પાંચ લાખ બાવન હજાર રૂપિયા થેલીમાં લઈ બેંકમાં ઉભા હતા. તે દરમિયાન પૈસાની થેલીને અજાણ્યો ગઠિયો ખેડૂતની નજર ચૂકવી ત્યાંથી ફરાર થઈ જતાં દોડધામ મચી જવા પામી હતી. એસબીઆઈ બેન્ક માંથી પૈસા લઈ ફરાર થતાં આ ઘટનાને લઇ ખેડૂત વાલજી ઠાકોરે થરા પોલીસને જાણ કરતા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. જે બાદ થરા પોલીસ મથકના પી.એસ.આઇ. જાડેજાએ સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા ગઠીયાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં થરા પોલીસે ગણતરીના દિવસોમાં ખેડૂત પાસેથી પૈસાની થેલી ઝુટવીને ફરાર થઇ જનાર ત્રણેય આરોપીની ઝડપી પાડી રૂપિયા 4 લાખ 81 હજાર કબજે કરી ત્રણેય આરોપીને જેલ હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.