અમદાવાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારો બન્યા જળમગ્ન
અમદાવાદ શહેરમાં આજે વરસાદી માહોલ સર્જાયો હતો અને શહેરમાં 10 વાગ્યા બાદ અનેક વિસ્તારમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ખાસ કરીને અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ચોમાસાની શરુઆતના વરસાદે AMCની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી હતી.
અમદાવાદમાં ભારે વરસાદથી પાણી ભરાયા
ચોમાસાની શરુઆત થવાની સાથે જ રાજ્યમાં વરસાદ તોફાની બેટિંગ ખેલી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો છવાયેલા હતા અને વીજળીના કડાકા સાથે વરસાદ શરુ થયો હતો. શહેરના પશ્ચિમ અને પૂર્વ વિસ્તારમાં કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના અનેક રસ્તાઓ પર ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો.
આ વિસ્તારોમાં ખાબક્યો વરસાદ
શહેરના સરદારનગર, કોતરપુર, નરોડા સહિતના વિસ્તારોમાં એક ઇંચથી ચાર ઈંચ વરસાદ પડ્યો છે. ચાંદખેડા, સાબરમતી, મોટેરા વિસ્તારમાં અડધો ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. સાબરમતી, ચાંદખેડા, જગતપુર, ગોતા, ન્યુ રાણીપ, રાણીપ, મોટેરા, નરોડા, નિકોલ, ઓઢવ, કુબેરનગર, સરદારનગર, મણિનગર, કાંકરિયા સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. તેમજ કૃષ્ણનગર, સૈજપુર, મેમ્કો, શિવરંજની, શ્યામલ, સેટેલાઈટ, વસ્ત્રાપુર, SG હાઈવે, નહેરુનગર, જીવરાજપાર્ક, બોપલ, ઘુમામાં વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.
અમદાવાદમાં હજુ પણ વરસાદની આગાહી
જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં હજી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાહિત્ય ગૌરવ પુરસ્કારો અર્પણ કર્યા