વર્લ્ડકપ ફીવર ! અમદાવાદમાં હોટલ રૂમનુ ભાડુ અધધધ રૂ.50000
- ક્રિકેટ વિશ્વકપનું શેડયુલ જાહેર થતા રાતોરાત ભાડા વધારો
- ફાઈવસ્ટાર હોટલો ધડાધડ બુક થવા લાગી, અન્યમાં પણ બુકીંગ માટે ધરખમ ધસારો
- વિમાની ભાડા પણ આકાશને આંબે તેવી શકયતા
આગામી ઓકટોબરમાં રમાનારા વન-ડે ક્રિકેટ વર્લ્ડકપનો શિડયુલ જાહેર થતાની સાથે જ અમદાવાદમાં હોટલ ભાડા આસમાને પહોંચી ગયા છે. ફાઈવસ્ટાર હોટલના રૂમનો ભાવ 50000 થઈ ગયો છે. 15 ઓકટોબર જેવા દિવસોના વિમાની ભાડા પણ રેકોર્ડસ્તરે પહોંચવાની સંભાવના છે. આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપને આડે 100 દિવસ બાકી છે ત્યારે તેનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. માત્ર ભારત જ નહી. વિશ્વભરના ક્રિકેટ ચાહકોમાં રોમાંચ-ઉત્સાહ સર્જાયો છે.
ભારત-પાકિસ્તાન વચ્ચેનો હાઈવોલ્ટેજ જંગ, ફાઈનલ સહિત પાંચ મેચો
અમદાવાદમાં રમાવાનું જાહેર થતાની સાથે હોટલ ભાડામાં રાતોરાત વધારો થઈ ગયો છે. સૂત્રોએ કહ્યું કે હોટલોમાં એડવાન્સ બુકીંગ માટે રાતોરાત જોરદાર ઈન્કવાયરી શરૂ થતા ભાડા વધી ગયા છે. ફાઈવસ્ટાર હોટલમાં બેઝ કેટેગરીના રૂમનુ ભાડુ રૂા.50000 પર પહોંચ્યું છે. વન-ડે ક્રિકેટ વર્લ્ડકપ 5 ઓકટોબરથી 19 નવેમ્બર સુધી ભારતમાં રમાવાનો છે. પ્રથમ અને આખરી મેચ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાનાર છે. 15 ઓકટોબરે ભારત-પાકિસ્તાનનો મેચ પણ અમદાવાદમાં રમાવાનો છે. સૂત્રોએ કહ્યું કે 13થી16 ઓકટોબર માટે હોટલ બુકીંગની ખૂબ મોટી ઈન્કવાયરી છે. આ દિવસોમાં મોટાભાગે રૂમ બુક થઈ ગયા છે.
ઓપનીંગ મેચ તથા ફાઈનલના દિવસો અત્યારથી જ ‘ફુલ’
માત્ર ભારત જ નહીં વિશ્વ ક્રિકેટમાંથી મોટી ઈન્કવાયરી છે. અમદાવાદની મોટાભાગની ફાઈવસ્ટાર હોટલોના 60થી90 ટકા રૂમ અત્યારથી બુક થઈ ગયા છે. ક્રિકેટ ચાહકોથી માંડીને વીવીઆઈપી ઉમટે તે સ્પષ્ટ છે. પ્રથમ મેચ માટે ઈંગ્લેન્ડ સહિતના દેશોના ક્રિકેટ ચાહકોનું બુકીંગ થવા લાગ્યુ છે. વર્લ્ડકપથી અમદાવાદના હોટલ ઉદ્યોગને બળ મળશે. સૂત્રોએ કહ્યું કે ફાઈવસ્ટાર હોટલના બેઝ રૂમનો ભાવ 500 પાઉન્ડ તથા પ્રીમીયમ રૂમના ભાડા 1000 પાઉન્ડ કે તેથી વધુ થયા છે. તાજ ગ્રુપની 14થી16 ઓકટોબરની હોટલો બુક થઈ ગઈ છે. હોટલ ઉપરાંત અમદાવાદમાં મેચ દરમ્યાનના વિમાની ભાડા પણ આકાશને આંબવાના સંકેત છે. ડોમેસ્ટીક ઉપરાંત ઈન્ટરનેશનલ ફલાઈટના ભાડા પણ ઉંચા થવા લાગ્યાના સંકેત છે.