બનાસકાંઠા: ડીસામાં ચીફ ઓફિસરે મહિલાઓને એલ ફેલ બોલતા કોંગ્રેસનો વિરોધ
પાલનપુર: ડીસામાં ગઈકાલે દબાણ હટાવવાની કામગીરી દરમિયાન નગરપાલિકાના ચીફ ઓફિસરે દબાણદાર મહિલાને જાહેરમાં ગાળો બોલી હડધુત કરતા આજે કોંગ્રેસ કાર્યકરો દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને કોંગ્રેસના આગેવાનોએ ચીફ ઓફિસર વિરોધી સૂત્રોચાર કરી નાયબ કલેકટરને આવેદનપત્ર આપી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
મહિલાઓને ગાળો બોલતા કોંગ્રેસ દ્વારા ચીફ ઓફિસર સામે કાર્યવાહીની માંગ
ડીસામાં આદર્શ હાઇસ્કુલ પાછળ ગઈકાલે રોડ પરના ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી હતી અને નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતનો સ્ટાફ પોલીસ કાફલા સાથે પહોંચી 12 જેટલા કાચા અને પાકા દબાણો જેસીબી મશીન દ્વારા દૂર કર્યા હતા તે સમયે સ્થાનિક દબાણદારો દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો હતો જેમાં એક મહિલા દબાણ બાબતે વાત કરવા જતા ચીફ ઓફિસર પંકજ બારોટે તેને જાહેરમાં ગાળો બોલી હડધુત કરી હતી. ચીફ ઓફિસર જાહેરમાં ગાળો બોલતાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તેમની સામે લોકોમાં ભારે રોસ વ્યાપ્યો હતો જેમાં આજે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ પણ ચીફ ઓફિસર વિરોધી સૂત્રોચાર સાથે નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને ચીફ ઓફિસરના ચેમ્બર આગળ જ તેમની બદલીની માંગ સાથે ધરણા પર બેસી ગયા હતા.
મહિલાઓને ગાળો બોલતા કોંગ્રેસ દ્વારા ચીફ ઓફિસર સામે કાર્યવાહીની માંગ#Congress #palanpur #palanpurupdates #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/TKUTT7APB1
— Hum Dekhenge News (@humdekhengenews) June 28, 2023
ડીસા શહેર દક્ષિણ પોલીસ અને નગરપાલિકાના કર્મચારીઓએ સમજાવતા કોંગ્રેસ કાર્યકરોએ ઘરણા સમેટયા હતા. ત્યારબાદ કોંગ્રેસના આગેવાનો નાયબ કલેકટરને આવેદનપત્ર આપી ચીફ ઓફિસર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે
આ મામલે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિપુલભાઈ શાહે જણાવ્યું હતું કે અમે અત્યાર સુધી નગરપાલિકાના ચીફ ઓફિસર લોકોને ગાળો બોલતા હોવાની વાતો જ સાંભળી હતી પરંતુ ગઈકાલે એક ગરીબ મહિલાને જાહેરમાં ગાળો બોલી અપમાનિત કરતાનો વિડીયો પણ જોયો. આ ચીફ ઓફિસરને પાલનપુરમાંથી તગડી મૂકવામાં આવ્યા છે તેમ છતાં પણ અહીંના સત્તાધીશોએ તેમને અહીં લાવ્યા છે ત્યારે આવા ચીફ ઓફિસરની બદલી કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.
આ પણ વાંચો :બનાસકાંઠા: આણંદમાં થયેલ હત્યા મામલે ડીસા મહેશ્વરી સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવ્યું