મોટરસાઇકલ માર્કેટમાં પહોંચ્યા રાહુલ ગાંધી; કોંગ્રેસે કહ્યું- ભારત જોડો યાત્રા યથાવત
નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દિલ્હીના કરોલ બાગમાં એક બાઇકની ગેરેજમાં પહોંચ્યા હતા. રાહુલ ગાંધી લગભગ 5.15 વાગે શોરૂમ પહોંચ્યા અને સાંજે 7.00 વાગે બહાર નીકળ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધી ગેરેજમાં કામ કરતાં તમામ સ્ટાફને મળ્યા હતા અને તેમના ખબર-અંતર પૂછ્યા હતા. જણાવી દઈએ કે આ પહેલા રાહુલ ગાંધી ટ્રક ડ્રાઈવરોને મળ્યા હતા અને તેમના અનુભવો જાણ્યા હતા.
રાહુલે આ લોકો સાથેની તેમની વાતચીતની તસવીરો ફેસબુક પર પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે, “રિંચ (નટ બોલ્ટ ફિટ કરવાનો પાનો) ઘુમાવનાર અને ભારતના ટાયરોને ગતિમાન રાખનારા હાથોથી શીખી રહ્યો છું.”
કોંગ્રેસે ફેસબુક પર પાર્ટીના પૂર્વ અધ્યક્ષની તસવીરો પણ શેર કરી છે, જેમાં તેઓ મોટરસાઇકલ ઠીક કરવાનું શીખતા અને મિકેનિક સાથે વાતચીત કરતા જોવા મળે છે.
પાર્ટીએ સોશિયલ મીડિયા મંચ પર લખ્યું, “આજ હાથ હિન્દુસ્તાન બનાવે છે. આ કપડાઓ પર લાગેલી કાળાશ અમારી ખુદ્દારી અને શાન છે. આવા હાથોને સાહસ આપવાનું કામ એક જનનાયક જ કરે છે. રાહુલ ગાંધી દિલ્હીના કરોલ બાગમાં મોટરસાઇકલ મેકેનિક સાથે. ‘ભારત જોડો યાત્રા’ ચાલું છે. ”
જણાવી દઇએ કે, આનાથી પહેલા રાહુલ ગાંધી દિલ્હી-ચંદીગઢ રોડ પર અનેક ટ્રક ડ્રાઇવરોને મળ્યા હતા. આ દરમિયાન તેમને ટ્રકમાં યાત્રા કરીને ડ્રાઇવરો સાથે ભોજન પણ કર્યું હતું. તો પાછલા દિવસોમાં અમેરિકાના પ્રવાસ પર પણ રાહુલ ગાંધીએ અમેરિકામાં ટ્રક ડ્રાઇવરો સાથે મુલાકાત કરી હતી. તે પછી તેમને ભારત અને અમેરિકાના ટ્રક ડ્રાઇવરોની સરખામણી પણ કરી હતી.
આ પણ વાંચો- UCC: પીએમ મોદીના નિવેદન પછી મુસ્લિમ પર્સનલ લો બોર્ડે બોલાવી ઇમરજન્સી બેઠક