ગુજરાતટોપ ન્યૂઝ

સુપ્રીમ કોર્ટે ઝાકિયા જાફરીની અરજી ફગાવી, ગુજરાત રમખાણમાં નરેન્દ્ર મોદીને SITએ આપેલી ક્લિનચીટ સામે અરજી કરી હતી

Text To Speech

2002ના ગુજરાત રમખાણોમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીનચીટ આપતા SITના રિપોર્ટ સામેની કરવામાં આવેલી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. આ અરજી ઝાકિયા જાફરી વતી દાખલ કરવામાં આવી હતી. કોર્ટે SITના તપાસ રિપોર્ટને સાચો માન્યો છે. ઝાકિયા જાફરી પૂર્વ સાંસદ અહેસાન જાફરીના પત્ની છે.

જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ દિનેશ મહેશ્વરી અને જસ્ટિસ સીટી રવિકુમારની બેન્ચે આ ચુકાદો આપ્યો હતો. ઝાકિયા જાફરીની અરજી પર મેરેથોન સુનાવણી પૂર્ણ કર્યા બાદ સુપ્રીમ કોર્ટે સાત મહિના પહેલા 9 ડિસેમ્બર 2021ના રોજ પોતાનો ચૂકાદો અનામત રાખ્યો હતો. ગુજરાત રમખાણોની તપાસ માટે રચાયેલી SITએ તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્લીનચીટ આપી હતી.

રમખાણોમાં એહસાન જાફરીનું મૃત્યુ થયું
હકીકતમાં, 2002ના ગુજરાત રમખાણો દરમિયાન, ઝાકિયા જાફરીના પતિ એહસાન જાફરીની, જે તે સમયના કોંગ્રેસના ધારાસભ્ય હતા, જે ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા તોફાનમાં માર્યા ગયા હતા. ગુજરાત રમખાણો દરમિયાન ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડમાં અહેસાન જાફરીનું પણ મોત થયું હતું. અહેસાન જાફરીની વિધવા ઝાકિયા જાફરીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને SITના રિપોર્ટને પડકાર્યો હતો.

2017માં ગુજરાત હાઈકોર્ટે પણ અરજી ફગાવી હતી
SITના રિપોર્ટમાં રાજ્યમાં ઉચ્ચ હોદ્દા પર રહેલા લોકોને ક્લીનચીટ આપવામાં આવી હતી. SITએ ગોધરા ટ્રેનના ડબ્બાને સળગાવવામાં આવ્યા બાદ જે રમખાણો ફાટી નીકળ્યા હતા તેને ઉશ્કેરવા માટે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈ કાવતરું હોવાનો ઇનકાર કર્યો હતો. 2017માં ગુજરાત હાઈકોર્ટે SITના ક્લોઝર રિપોર્ટ સામે ઝાકિયાની ફરિયાદને ફગાવી દીધી હતી.

ગુજરાત હાઈકોર્ટે SITના રિપોર્ટને પડકારતી અરજી ફગાવી દીધા બાદ ઝાકિયા જાફરીએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. સુપ્રીમ કોર્ટે પણ હવે તેમની અરજી ફગાવી દીધી છે.

Back to top button